________________
ઙઙ
http://www.ShrimadRajchandra.org
શ્રીમદ્ રાજચંદ્ર
પૂર્વકાળમાં જીવો આરાધક અને સંસ્કારી હતા, તથારૂપ સત્સંગનો જોગ હતો, તેમ સત્સંગનું માહાત્મ્ય વિસર્જન થયેલુ નહોતું, અનુક્રમે ચાલ્યું આવતું હતું તેથી તે કાળમાં તે સંસ્કારી જીવોને સત્પુરુષનું ઓળખાણ થતું.
આ કાળમાં સત્પુરુષનું દુર્લભપણું હોવાથી, ઘણો કાળ થયાં સત્પુરુષનો માર્ગ, માહાત્મ્ય અને વિનય ઘસાઈ ગયાં જેવાં થઈ ગયાં હોવાથી અને પૂર્વના આરાધક જીવો ઓછા હોવાથી જીવને સત્પુરુષનું ઓળખાણ તત્કાળ થતું નથી. ઘણા જીવો તો સત્પુરુષનું સ્વરૂપ પણ સમજતા નથી. કાં તો છકાયના રક્ષપાળ સાધુને, કાં તો શાસ્ત્રો ભણ્યા હોય તેને, કાં તો કોઈ ત્યાગી હોય તેને અને કાં તો ડાહ્યો હોય તેને સત્પુરુષ માને છે, પણ તે યથાર્થ નથી.
સત્પુરુષનું ખરેખરું સ્વરૂપ જાણવું જરૂરનું છે. મધ્યમ સત્પુરુષ હોય તો વખતે થોડા કાળે તેમનું ઓળખાણ થવું સંભવે, કારણ કે જીવની મરજી અનુકૂળ તે વર્તે, સહજ વાતચીત કરે અને આવકારભાવ રાખે તેથી જીવને પ્રીતિ થવાનું કારણ બને. પણ ઉત્કૃષ્ટ સત્પુરુષને તો તેવી ભાવના હોય નહીં અર્થાત્ નિસ્પૃહતા હોવાથી તેવો ભાવ રાખે નહીં, તેથી કાં તો જીવ અટકી જાય અથવા મૂંઝાય અથવા તેનું થવું હોય તે થાય.
જેમ બને તેમ સવૃત્તિ અને સદાચાર સેવવાં. જ્ઞાની પુરુષ કાંઈ વ્રત આપે નહીં અર્થાત્ જ્યારે પ્રગટ માર્ગ કહે અને વ્રત આપવાનું જણાવે ત્યારે વ્રત અંગીકાર કરવાં. પણ ત્યાં સુધી યથાશક્તિ સવ્રત અને સદાચાર સેવવાં એમાં સદાય જ્ઞાની પુરુષની આજ્ઞા છે. દંભ, અહંકાર, આગ્રહ, કંઈ પણ કામના, ફળની ઇચ્છા અને લોકને દેખાડવાની બુદ્ધિ એ સઘળા દોષો છે તેથી રહિત વ્રતાદિ સેવવાં. તેને કોઈ પણ સંપ્રદાય કે મતનાં વ્રત, પચ્ચખાણ આદિ સાથે સરખાવવાં નહીં, કારણ કે લોકો જે વ્રત, પચ્ચખાણ આદિ કરે છે તેમાં ઉપર જણાવેલા દોષો હોય છે, આપણે તો તે દોષોથી રહિત અને આત્મવિચારને અર્થે કરવાં છે, માટે તેની સાથે કદી પણ સરખાવવાં નહીં.
ઉપર કહ્યા તે દોષો વર્જીને, ઉત્તમ પ્રકારે સવૃત્તિ અને સદાચાર સર્વેએ સેવવાં.
નિર્દભપણ, નિરહંકારપણે અને નિષ્કામપણે જે સત કરે છે તે દેખીને આડોશીપાડોશી અને બીજા લોકોને પણ અંગીકાર કરવાનું ભાન થાય છે. જે કંઈ સવ્રત કરવાં તે લોકોને દેખાડવા અર્થે નહીં પણ માત્ર પોતાના હિતને અર્થે કરવાં, નિર્દભપણે થવાથી લોકોમાં તેની અસર તરત થાય છે.
કોઈ પણ દંભપણે દાળમાં ઉપર મીઠું ન લેતા હોય અને કહે કે ‘હું ઉપર કાંઈ લેતો નથી. શું નથી ચાલતું ? એથી શું ?' એથી કાંઈ લોકોમાં અસર થાય નહીં. અને ઊલટું કર્યું હોય તે પણ બંધાવા માટે થાય. માટે તેમ ન કરતાં નિર્દભપણે અને ઉપરનાં દૂષણો વર્જીને વ્રતાદિ કરવાં.
પ્રતિદિન નિયમપૂર્વક આચારાંગાદિ વાંચવાનું રાખવું. આજે એક વાંચ્યું અને કાલે બીજાં વાંચ્યું એમ ન કરતાં ક્રમપૂર્વક એક શાસ્ત્ર પૂરું કરવું. આચારાંગ સૂત્રમાં કેટલાક આશય ગંભીર છે, સૂયગડાંગમાં પણ ગંભીર છે, ઉત્તરાધ્યયનમાં પણ કોઈક કોઈક સ્થળે ગંભીર છે. દશવૈકાલિક સુગમ છે. આચારાંગમાં કોઈક સ્થળે સુગમ છે પણ ગંભીર છે, સૂયગડાંગ કોઈક સ્થળે સુગમ છે, ઉત્તરાધ્યયનમાં કોઈક જગ્યાએ સુગમ છે; તો નિયમપૂર્વક વાંચવાં. યથાશક્તિ ઉપયોગ દઈ ઊંડા ઊતરી વિચારવાનું બને તેટલું કરવું,
દેવ અરિહંત, ગુરુ નિગ્રંથ અને ધર્મ કેવળીનો પ્રરૂપેલો, એ ત્રણેની શ્રદ્ધાને જૈનમાં સમ્યક્ત્વ કહ્યું છે. માત્ર ગુરુ અસત્ હોવાથી દેવ અને ધર્મનું ભાન નહોતું. સદ્ગુરુ મળવાથી તે દેવ અને ધર્મનું ભાન થયું. તેથી સદ્ગુરુ પ્રત્યે આસ્થા એ જ સમ્યકત્વ. જેટલી જેટલી આસ્થા અને