________________
http://www.ShrimadRajchandra.org
૯૫૭
ઉપદેશ છાયા*
૧૧
કાવિઠા, શ્રાવણ વદ ૨, ૧૯૫૨
સ્ત્રી, પુત્ર, પરિગ્રહાદિ ભાવો પ્રત્યે મૂળ જ્ઞાન થયા પછી જો એવી ભાવના રહે કે જ્યારે ઇચ્છીશ ત્યારે આ સ્ત્રીઆદિ પ્રસંગ ત્યાગી શકીશ તો તે મૂળ જ્ઞાનથી વમાવી દેવાની વાત સમજવી; અર્થાત્ મૂળ જ્ઞાનમાં જોકે ભેદ પડે નહીં, પણ આવરણરૂપ થાય. વળી શિષ્યાદિ અથવા ભક્તિના કરનારાઓ માર્ગથી પડશે અથવા અટકી જશે એવી ભાવનાથી જ્ઞાનીપુરુષ પણ વર્તે તો જ્ઞાનીપુરુષને પણ નિરાવરણજ્ઞાન તે આવરણરૂપ થાય; અને તેથી જ વર્ધમાનાદિ જ્ઞાનીપુરુષો અનિદ્રાપણે સાડાબાર વર્ષ સુધી રહ્યા; સર્વથા અસંગપણું જ શ્રેયસ્કર દીઠું; એક શબ્દનો ઉચ્ચાર કરવાનું પણ યથાર્થ દીઠું નહીં; સાવ નિરાવરણ, વિજોગી, વિભોગી અને નિર્ભયી જ્ઞાન થયા પછી ઉપદેશકાર્ય કર્યું. માટે આને આમ કહીશું તો ઠીક, અથવા આને આમ નહીં કહેવાય તો ખોટું એ વગેરે વિકલ્પો સાધુ-મુનિઓએ ન કરવા.
* સં. ૧૯૫૨ ના શ્રાવણ-ભાદ્રપદ માસમાં આણંદ આસપાસ કાવિઠા, રાળજ, વડવા આદિ ક્ષેત્રે શ્રીમનું નિવૃત્તિઅર્થે રહેવું થયેલું તે વખતે તેમના સમીપવાસી ભાઈ શ્રી અંબાલાલ લાલચંદને પ્રાસ્તાવિક ઉપદેશ કે વિચારોનું શ્રવણ થયેલું તેની છાયામાત્ર તેઓની સ્મૃતિમાં રહી ગયેલી તે ઉપરથી સંક્ષિપ્તપણે તે છાયાનો સાર પૃથક પૃથક્ સ્થળે લખી લીધેલો તે અત્ર આપીએ છીએ.
એક મુમુક્ષભાઈનું એમ કહેવું છે કે ભાઈ શ્રી અંબાલાલભાઇએ લખી લીધેલ આ ઉપદેશનો ભાગ પણ શ્રીમને વંચાવ્યો હતો અને શ્રીમદે તેમાં કોઈ કોઈ ઠેકાણે સુધારો કર્યો હતો.