________________
૬૫૮
http://www.ShrimadRajchandra.org
શ્રીમદ્ રાજચંદ્ર
જ્યાં પરમાર્થના જિજ્ઞાસુ પુરુષોનું મંડળ હોય ત્યાં શાસ્ત્રપ્રમાણ આદિ ચર્ચવા યોગ્ય છે; નહીં તો ઘણું કરી તેમાંથી શ્રેય થતું નથી. આ માત્ર નાનો પરિષ છે. યોગ્ય ઉપાયથી પ્રવર્તવું; પણ ઉદ્વેગવાળું ચિત્ત ન રાખવું.
܀܀܀܀܀
૯૪૯
તિથ્યુલ-વલસાડ, પોષ વદ ૧૦, ભૌમ, ૧૯૫૭
ભાઈ મનસુખનાં પત્ની સ્વર્ગવાસ થવાના ખબર જાણી આપે દિલાસા-ભરિત કાગળ લખ્યો તે મળ્યો. સારવારનો પ્રસંગ લખતાં આપે જે વચનો લખ્યાં છે તે યથાર્થ છે. શુદ્ધ અંતઃકરણ પર અસર થવાથી નીકળેલાં વાક્ય છે.
લોકસંજ્ઞા જેની જિંદગીનો ધ્રુવકાંટો છે તે જિંદગી ગમે તેવી શ્રીમંતતા, સત્તા કે કુટુંબપરિવારાદિ યોગવાળી હોય તોપણ તે દુ:ખનો જ હેતુ છે. આત્મશાંતિ જે જિંદગીનો ધ્રુવકાંટો છે તે જિંદગી ગમે તો એકાકી અને નિર્ધન, નિર્વસ્ત્ર હોય તોપણ પરમ સમાધિનું સ્થાન છે.
૯૫૦
વઢવાણ કૅમ્પ, ફાગણ સુદ ૬, શનિ, ૧૯૫૭
કૃપાળુ મુનિવરોને નમસ્કાર સવિનય હો.
પત્ર સંપ્રાપ્ત થયું
જે અધિકારી સંસારથી વિરામ પામી મુનિશ્રીનાં ચરણકમળ યોગે વિચરવા ઇચ્છે છે, તે અધિકારીને દીક્ષા આપવામાં મુનિશ્રીને બીજો પ્રતિબંધનો કંઈ હેતુ નથી. તે અધિકારીએ વડીલોનો સંતોષ સંપાદન કરી આજ્ઞા મેળવવી યોગ્ય છે, જેથી મુનિશ્રીનાં ચરણકમળમાં દીક્ષિત થવામાં બીજો વિક્ષેપ ન રહે.
આ અથવા બીજા કોઈ અધિકારીને સંસારથી ઉપરામવૃત્તિ થઈ હોય અને તે આત્માર્થસાધક છે એવું જણાતું હોય તો તેને દીક્ષા આપવામાં મુનિવરો અધિકારી છે. માત્ર ત્યાગનાર અને ત્યાગ દેનારના શ્રેયનો માર્ગ વૃદ્ધિમાન રહે એવી દૃષ્ટિથી તે પ્રવૃત્તિ જોઈએ.
શરીરપ્રકૃતિ ઉદયાનુસાર છે. ઘણું કરી આજે રાજકોટ પ્રત્યે ગમન થશે. પ્રવચનસાર ગ્રંથ લખાય છે તે અવસરે મુનિવરોને પ્રાપ્ત થવા યોગ્ય છે. રાજકોટ થોડાક દિવસ સ્થિતિનો સંભવ છે.
૯૫૧
ૐ શાંતિઃ
રાજકોટ. ફાગણ વદ ૩, શુક. ૧૯૫૭
ઘણી ત્વરાથી પ્રવાસ પૂરો કરવાનો હતો. ત્યાં વચ્ચે સહરાનું રણ સંપ્રાપ્ત થયું.
માથે ઘણો બોજો રહ્યો હતો તે આત્મવીર્યે કરી જેમ અલ્પ કાળે વેદી લેવાય તેમ પ્રઘટના કરતાં પગે
નિકાચિત હ્રદયમાન થાક ગ્રહણ કર્યો.
જે સ્વરૂપ છે તે અન્યથા થતું નથી એ જ અદ્દભુત આશ્ચર્ય છે. અવ્યાબાધ સ્થિરતા છે.
પ્રકૃતિ ઉદયાનુસાર કંઈક અશાતા મુખ્યત્વે વેદી શાતા પ્રત્યે.
܀܀܀܀܀
૯૫૨
ૐ શાંતિઃ
રાજકોટ, ફા. વદ ૧૩, સોમ, ૧૯૫૭
ૐ શરીર સંબંધમાં બીજી વાર આજે અપ્રાકૃત ક્રમ શરૂ થયો, જ્ઞાનીઓનો સનાતન સન્માર્ગ જયવંત વર્તો.