________________
http://www.ShrimadRajchandra.org
ઉપદેશ નોંધ
૬૬૭
અનુસંધિવાળો હતો. પણ બધા શ્રોતાઓને એ ગ્રાહ્ય થઈ શકે એવો નહોતો, તેમ કોઈને ન સમજાયાથી વિકલ્પ ઉત્પન્ન કરે એવો હતો. ચાલતા વિષયે શ્રોતાના શ્રવણદોરમાં ટુટ પડે એમ હતું, તેમ તમને સ્વયં ખુલાસો થઈ ગયો છે. હવે પૂછવું છે ?
લોકો એક કાર્યની તથા તેના કર્તાની પ્રશંસા કરે છે એ ઠીક છે. એ એ કાર્યને પોષક તથા તેના કર્તાના ઉત્સાહને વધારનાર છે. પણ સાથે એ કાર્યમાં જે ખામી હોય તે પણ વિવેક અને નિર્માનીપણે સભ્યતાપૂર્વક બતાવવી જોઈએ, કે જેથી ફરી ખામીનો અવકાશ ન રહે અને તે કાર્ય ખામી રહિત થઈ પૂર્ણ થાય. એકલી પ્રશંસા- ગાણાથી ન સરે. એથી તો ઊલટું મિથ્યાભિમાન વધે. હાલના માનપત્રાદિમાં આ પ્રથા વિશેષ છે. વિવેક જોઈએ. મ૰- સાહેબ ! ચંદ્રસુરિ આપને યાદ કરી પૃચ્છા કરતા હતા. આપ અહીં છો એ એમને ખબર ન હતી. આપને મળવા માટે આવ્યા છે.
શ્રીમદ્ પરિગ્રહધારી યતિઓને સન્માનવાથી મિથ્યાત્વને પોષણ મળે છે, માર્ગનો વિરોધ થાય છે. દાક્ષિણ્યના-સભ્યતા પણ જાળવવાં જોઈએ, ચંદ્રસુરિ અમારા માટે આવ્યા છે. પણ જીવને છોડવું ગમતું નથી, મિથ્યા ડાહી ડાહી વાતો કરવી છે, માન મૂકવું ગમતું નથી. તેથી આત્માર્થ ન સરે.
અમારા માટે આવ્યા, તેથી સભ્યતા ધર્મ જાળવવા તેમની પાસે ગયા. સામા પક્ષવાળા સ્થાનક સંપ્રદાયના કહેશે કે એમને એમનો રાગ છે, તેથી ત્યાં ગયા, અમારી પાસે નથી આવતા. પણ જીવને હેતુ, કારણ વિચારવાં નથી. મિથ્યા દૂષણ, ખાલી આરોપ આપવા તૈયાર છે. તેવી વર્તના ગયે છૂટકો છે. ભવપરિપાકે સદ્વિચાર સ્ફુરે અને હેતુ, પરમાર્થનો વિચાર ઊગે.
મોટા કહે તેમ કરવું, કરે તેમ ન કરવું.
શ્રી કબીરનું અંતર સમજ્યા વિના ભોળાઈથી લોકો પજવવા માંડ્યા. આ વિક્ષેપ ટાળવા કબીરજી વેશ્યાને ત્યાં જઈ બેઠા. લોકસમૂહ પાછો વળ્યો. કબીરજી ભ્રષ્ટ થઈ ગયા એમ લોકો કહેવા લાગ્યા. સાચા ભક્તો થોડા હતા. તે કબીરને વળગી રહ્યા. કબીરજીનો વિક્ષેપ તો ટળ્યો પણ બીજાએ તેનું અનુકરણ ન કરવું.
નરસિંહ મહેતા ગાઈ ગયા છે કેઃ-
મારું ગાયું ગાશે તે ઝાઝા ગદા ખાશે.
સમજીને ગાશે તે વહેલો વૈકુંઠ જાશે.
તાત્પર્ય કે સમજીને વિવેકપૂર્વક કરવાનું છે. પોતાની દશા વિના, વિના વિવેકે, સમજ્યા વિના જીવ અનુકરણ કરવા જાય તો માર ખાઈ જ બેસે, માટે મોટા કહે તેમ કરવું, કરે તેમ ન કરવું. આ વચન સાપેક્ષ છે.
૧૨
મુંબઈ, કારતક વદ ૯, ૧૯૫૬
(બીજા ભોઈવાડામાં શ્રી શાંતિનાથજીનાં દિગંબરી મંદિરમાં દર્શન પ્રસંગનું વર્ણન) પ્રતિમા નીરખી છેટેથી વંદન કર્યું.
ત્રણ વાર પંચાંગ પ્રણામ કર્યા.
શ્રી આનંદઘનજીનું શ્રી પદ્મપ્રભુનું સ્તવન સુમધુર, ગંભીર, સુસ્પષ્ટ ધ્વનિએ ગાયું,
જિનપ્રતિમાનાં ચરણ તળાંસ્યાં.
એક નાની પંચધાતુની જિનપ્રતિમા કાયોત્સર્ગમુદ્રાની અંદરથી કોરી કાઢેલી હતી. તે સિદ્ધની અવસ્થામાં થતા ઘનની સૂચક હતી. તે અવગાહના બતાવી કહ્યું કે જે દેહે આત્મા સંપૂર્ણ સિદ્ધ થાય તે દેહપ્રમાણથી કિંચિત્ ન્યૂન જે ક્ષેત્રપ્રમાણ ઘન થાય તે અવગાહના. જીવો જાદા જાદા સિદ્ધ થયા. તે એક ક્ષેત્રે સ્થિત છતાં પ્રત્યેક જાદા જાદા છે. નિજ ક્ષેત્રઘનપ્રમાણ અવગાહનાએ છે.