________________
http://www.ShrimadRajchandra.org
વર્ષ ૩૧ મું
૬૩
ચોથાથી નીચેના ગુણસ્થાનકે તો માર્ગનું ઉપદેશકપણું ઘટે જ નહીં, કેમકે ત્યાં માર્ગની, આત્માની, તત્ત્વની, જ્ઞાનીની ઓળખાણ પ્રતીતિ નથી, તેમ જ સમ્યગ્ વિરતિ નથી; અને એ ઓળખાણ પ્રતીતિ અને સમ્યગ્ વિરતિ નહીં છતાં તેની પ્રરૂપણા કરવી, ઉપદેશક થવું એ પ્રગટ મિથ્યાત્વ, કુગુરુપણું અને માર્ગનું વિરોધપણું છે.
ચોથે પાંચમે ગુણસ્થાને એ ઓળખાણ પ્રતીતિ છે અને આત્મજ્ઞાનાદિ ગુણો અંશે વર્તે છે અને પાંચમામાં દેશવિરતિપણાને લઇ ચોથાથી વિશેષતા છે, તથાપિ સર્વવિરતિના જેટલી ત્યાં વિશુદ્ધિ નથી.
આત્મજ્ઞાન, સમદર્શિતા આદિ જે લક્ષણો દર્શાવ્યાં તે સંયતિધર્મે સ્થિત વીતરાગદશાસાધક ઉપદેશક ગુણસ્થાને વર્તતા સદ્ગુરુના લક્ષે મુખ્યતાએ દર્શાવ્યાં છે, અને તેમના વિષે તે ગુણો ઘણા અંશે વર્તે છે. તથાપિ તે લક્ષણો સર્વાશે સંપૂર્ણપણે તો તેરમા ગુણસ્થાન કે વર્તતા સંપૂર્ણ વીતરાગ અને કૈવલ્યસંપન્ન જીવન્મુક્ત સયોગીકેવલી પરમ સદ્ગુરુ શ્રી જિન અરિહંત તીર્થંકરને વિષે વર્તે છે. તેમના વિષે આત્મજ્ઞાન અર્થાત્ સ્વરૂપસ્થિતિ સંપૂર્ણપણે વર્તે છે, તે તેમની જ્ઞાનદશા અર્થાત્ ‘જ્ઞાનાતિશય' સૂચવ્યો. તેઓને વિષે સમદર્શિતા અર્થાત્ ઇચ્છારહિતપણું સંપૂર્ણપણે વર્તે છે, તે તેમની વીતરાગ ચારિત્રદશા અર્થાત્ ‘અપાયાપગમાતિશય' સૂચવ્યો. સંપૂર્ણપણે ઇચ્છારહિત હોવાથી વિચરવા આદિની તેઓની દૈહિકાદિ યોગક્રિયા પૂર્વપ્રારબ્ધોદય વેદી લેવા પૂરતી જ છે, માટે ‘વિચરે ઉદયપ્રયોગ’ કહ્યું. સંપૂર્ણ નિજ અનુભવરૂપ તેમની વાણી અજ્ઞાનીની વાણીથી વિલક્ષણ અને એકાંત આત્માર્થબોધક હોઇ તેમને વિષે વાણીનું અપૂર્વપણું કહ્યું તે તેમનો ‘વચનાતિશય’ સૂચવ્યો. વાણીધર્મે વર્તતું શ્રુત પણ તેઓને વિષે કોઇ પણ નય ન દુભાય એવું સાપેક્ષપણે વર્તે છે, તે તેમનો ‘પરમશ્રુત’ ગુણ સૂચવ્યો અને પરમશ્રુત જેને વિષે વર્તે તે પૂજવા યોગ્ય હોઇ તેમનો તેથી ‘પૂજાતિશય’ સૂચવ્યો.
આ શ્રી જિન અરિહંત તીર્થંકર પરમ સદ્ગુરુને પણ ઓળખાવનારા વિદ્યમાન સર્વવિરતિ સદ્ગુરુ છે એટલે એ સદ્ગુરુના લક્ષે એ લક્ષણો મુખ્યતાએ દર્શાવ્યાં છે.
(૨) સમદર્શિતા એટલે પદાર્થને વિષે ઇષ્ટઅનિષ્ટબુદ્ધિરહિતપણું, ઇચ્છારહિતપણું, મમત્વરહિતપણું. સમદર્શિતા ચારિત્રદશા સૂચવે છે. રાગદ્વેષરહિત થવું તે ચારિત્રદશા છે. ઇષ્ટઅનિષ્ટબુદ્ધિ, મમત્વ, ભાવાભાવનું ઊપજવું એ રાગદ્વેષ છે. આ મને પ્રિય છે, આ ગમે છે, આ મને અપ્રિય છે, ગમતું નથી એવો ભાવ સમદર્શીને વિષે ન હોય. સમદર્શી બાહ્ય પદાર્થને, તેના પર્યાયને, તે પદાર્થ તથા પર્યાય જેવા ભાવે વર્તે તેવા ભાવે દેખે, જાણે, જણાવે, પણ તે પદાર્થ કે તેના પર્યાયને વિષે મમત્વ કે ઇષ્ટઅનિષ્ટપણું ન કરે.
આત્માનો સ્વાભાવિક ગુણ દેખવા જાણવાનો હોવાથી તે જ્ઞેય પદાર્થને જ્ઞેયાકારે દેખે, જાણે; પણ જે આત્માને સમદર્શીપણું પ્રગટ થયું છે, તે આત્મા તે પદાર્થને દેખતાં, જાણતાં છતાં તેમાં મમત્વબુદ્ધિ, તાદાત્મ્યપણું, ઇષ્ટઅનિષ્ટબુદ્ધિ ન કરે. વિષમદૃષ્ટિ આત્માને પદાર્થને વિષે તાદાત્મ્યવૃત્તિ થાય; સમદૃષ્ટિ આત્માને ન થાય.
કોઇ પદાર્થ કાળો હોય તો સમદર્શી તેને કાળો દેખે, જાણે, જણાવે. કોઇ શ્વેત હોય તો તેને તેવો દેખે, જાણે, જણાવે. કોઇ સુરભિ (સુગંધી) હોય તો તેને તેવો દેખે, જાણે, જણાવે. કોઇ દુરભિ (દુર્ગંધી) હોય તો તેને તેવો દેખે, જાણે, જણાવે. કોઇ ઊંચો હોય, કોઇ નીચો હોય તો તેને તેવો તેવો દેખે, જાણે, જણાવે. સર્પને સર્પની પ્રકૃત્તિરૂપે દેખે, જાણે, જણાવે. વાઘને વાઘની પ્રકૃતિરૂપ દેખે, જાણે, જણાવે. ઇત્યાદિ પ્રકારે વસ્તુમાત્રને જે રૂપે, જે ભાવે તે હોય તે રૂપે, તે ભાવે સમદર્શી દેખે, જાણે, જણાવે. હેય(છાંડવા યોગ્ય)ને હેયરૂપે દેખે, જાણે, જણાવે.