________________
http://www.ShrimadRajchandra.org
વર્ષ ૩૦ મું
૬૧૧
૭૯૯
મુંબઈ, શ્રાવણ વદ ૧૨, ૧૯૫૩
સર્વ-ઉત્કૃષ્ટ ભૂમિકામાં સ્થિતિ થવા પર્યંત શ્રુતજ્ઞાનનું અવલંબન લઇને સત્પુરુષો પણ સ્વદશામાં સ્થિર રહી શકે છે, એમ જિનનો અભિમત છે તે પ્રત્યક્ષ સત્ય દેખાય છે.
સર્વોત્કૃષ્ટ ભૂમિકા પર્યંતમાં શ્રુતજ્ઞાન(જ્ઞાનીપુરુષનાં વચનો)નું અવલંબન જે જે વખતે મંદ પડે છે, તે તે વખતે કંઇ કંઇ ચપળપણું સત્પુરુષો પણ પામી જાય છે, તો પછી સામાન્ય મુમુક્ષુ જીવો કે જેને વિપરીત સમાગમ, વિપરીત શ્રુતાદિ અવલંબન રહ્યાં છે તેને વારંવાર વિશેષ વિશેષ ચપળપણું થવા યોગ્ય છે.
એમ છે તોપણ જે મુમુક્ષુઓ સત્તમાગમ, સદાચાર અને સત્થા વિચારરૂપ અવલંબનમાં દેઢ નિવાસ કરે છે, તેને સર્વોત્કૃષ્ટ ભૂમિકાપર્યંત પહોંચવું કઠણ નથી; કઠણ છતાં પણ કઠણ નથી.
૮૦૦
પત્ર મળ્યું છે. દિવાળી પર્યંત ઘણું કરીને આ ક્ષેત્રે સ્થિતિ થશે.
મુંબઈ, શ્રાવણ વદ ૧૨, ૧૯૫૩
દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી જે સત્પુરુષોને પ્રતિબંધ નથી તે સત્પુરુષોને નમસ્કાર.
સત્યમાગમ, સત્શાસ્ત્ર અને સદાચારમાં દૃઢ નિવાસ એ આત્મદશા થવાના પ્રબળ અવલંબન છે. સન્સમાગમનો યોગ દુર્લભ છે, તોપણ મુમુક્ષુએ તે યોગની તીવ્ર જિજ્ઞાસા રાખવી અને પ્રાપ્તિ કરવી યોગ્ય છે. તે યોગના અભાવે તો અવશ્ય કરી સત્શાસ્ત્રરૂપ વિચારના અવલંબને કરી સદાચારની જાગૃતિ જીવે રાખવી ઘટે છે.
પરમ કૃપાળુ પૂજ્ય પિતાશ્રી, વવાણિયાબંદર,
૮૦૧
મુંબઈ, ભાદ્રપદ સુદ ૬, ગુરુ, ૧૯૫૩
આજ દિવસ પર્યંત મેં આપનો કાંઇ પણ અવિનય, અભક્તિ કે અપરાધ કર્યો હોય તે બે હાથ જોડી મસ્તક નમાવીને શુદ્ધ અંતઃકરણથી ખમાવું છું, કૃપા કરીને આપ ક્ષમા આપશો. મારી માતુશ્રી પ્રત્યે પણ તે જ રીતે ખમાવું છું. તેમ જ બીજા સાથ સર્વે પ્રત્યે મેં કોઇ પણ પ્રકારનો અપરાધ કે અવિનય જાણતાં અથવા અજાણતાં કર્યો હોય તે શુદ્ધ અંતઃકરણથી ખમાવું છું. કૃપા કરીને સૌ ક્ષમા આપશોજી.
૮૦૨
મુંબઈ, ભાદ્રપદ સુદ ૯, રવિ, ૧૯૫૩
બાહ્ય ક્રિયા અને ગુણસ્થાનકાદિએ વર્તતી ક્રિયાનું સ્વરૂપ ચર્ચવું હાલ સ્વપર ઉપકારી ઘણું કરીને નહીં થાય, એટલું કર્તવ્ય છે કે તુચ્છ મતમતાંતર પર દૃષ્ટિ ન આપતાં અસવૃત્તિના નિરોધને અર્થે સત્શાસ્ત્રના પરિચય અને વિચારમાં જીવની સ્થિતિ કરવી.
શુભેચ્છાયોગ્ય,
૮૦૩
મુંબઈ. ભાદરવા સુદ ૯, રવિ, ૧૯૫૩
તમારો કાગળ મળ્યો છે. અત્ર ક્ષણ પર્યંત તમારો તથા તમારા સમાગમવાસી ભાઇઓનો કોઇ પણ અપરાધ કે અવિનય મારાથી થયો હોય તે નમ્રભાવથી ખમાવું છું.