________________
http://www.ShrimadRajchandra.org
વર્ષ ૨૮ મું
૪૭૯
૬૮
વવાણિયા, શ્રાવણ વદ ૬, રવિ, ૧૯૫૧
અત્રે પર્યુષણ પૂરાં થતાં સુધી સ્થિતિ થવી સંભવે છે.
કેવળજ્ઞાનાદિ આ કાળમાં હોય એ વગેરે પ્રશ્નો પ્રથમ લખ્યાં હતાં તે પ્રશ્નો પર યથાશક્તિ અનુપ્રેક્ષા તથા પરસ્પર પ્રશ્નોત્તર શ્રી ડુંગર વગેરેએ કરવા યોગ્ય છે.
ગુણના સમુદાયથી જાદું એવું કંઈ ગુણીનું સ્વરૂપ હોવા યોગ્ય છે કે કેમ ? આ પ્રશ્ન પ્રત્યે જો તમ વગેરેથી બને તો વિચાર કરશો. શ્રી ડુંગરે તો જરૂર વિચાર કરવા યોગ્ય છે.
કંઈ ઉપાધિયોગના વ્યવસાયી તેમજ પ્રશ્નાદિ લખવા વગેરેની વૃત્તિ સંક્ષેપ થવાથી હાલ વિગતવાર પત્ર લખવામાં ઓછી પ્રવૃત્તિ થતી હશે, તોપણ બને તો અત્રે સ્થિતિ છે, ત્યાં સુધીમાં કંઈ વિશેષ પ્રશ્નોતર વગેરે યુક્ત પત્ર લખવાનું થાય તો કરશો.
૬૯
સજાત્મભાવનાએ યથા૦
વવાણિયા, શ્રાવણ વદ ૧૧, શુક્ર, ૧૯૫૧
આત્માર્થી શ્રી સોભાગ તથા શ્રી ડુંગર, શ્રી સાયલા,
અત્રેથી પ્રસંગે લખેલાં ચાર પ્રશ્નોના ઉત્તર લખ્યા તે વાંચ્યા છે. પ્રથમનાં બે પ્રશ્નના ઉત્તર સંક્ષેપમાં છે, તથાપિ યથાયોગ્ય છે. ત્રીજા પ્રશ્નનો ઉત્તર લખ્યો તે સામાન્યપણે યોગ્ય છે, તથાપિ વિશેષ સૂક્ષ્મ આલોચનથી તે પ્રશ્નનો ઉત્તર લખવા યોગ્ય છે. તે ત્રીજો પ્રશ્ન આ પ્રમાણે છેઃ ‘ગુણના સમુદાયથી જાદું એવું ગુણીનું સ્વરૂપ હોવા યોગ્ય છે કે કેમ ? અર્થાત્ બધા ગુણનો સમુદાય તે જ ગુણી એટલે દ્રવ્ય ? કે તે ગુણના સમુદાયને આધારભૂત એવું પણ કંઈ દ્રવ્યનું બીજું હોવાપણું છે ?' તેના ઉત્તરમાં એમ લખ્યું કેઃ ‘આત્મા ગુણી છે. તેના ગુણ જ્ઞાનદર્શન વગેરે જુદા છે. એમ ગુણી અને ગુણની વિવક્ષા કરી, તથાપિ ત્યાં વિશેષ વિવક્ષા કરવી ઘટે છે. જ્ઞાનદર્શનાદિ ગુણથી જાડું એવું બાકીનું આત્માપણું શું ?' ને પ્રશ્ન છે. માટે યથાશક્તિ તે પ્રશ્નની પરિચર્ચા કરવા યોગ્ય છે.
ચોથો પ્રશ્ન ‘કેવળજ્ઞાન આ કાળમાં હોવા યોગ્ય છે કે કેમ ?’ તેનો ઉત્તર એમ લખ્યો કેઃ ‘પ્રમાણથી જોતાં તે હોવા યોગ્ય છે. એ ઉત્તર પણ સંક્ષેપથી છે; જે પ્રત્યે ઘણો વિચાર કરવા યોગ્ય છે. એ ચોથા પ્રશ્નનો વિશેષ વિચાર થવાને અર્થે તેમાં આટલું વિશેષ ગ્રહણ કરશો કે “જે પ્રમાણે જૈનાગમમાં કેવળજ્ઞાન માન્યું છે અથવા કહ્યું છે તે કેવળજ્ઞાનનું સ્વરૂપ યથાતથ્ય કહ્યું છે એમ ભાસ્યમાન થાય છે કે કેમ ? અને તેવું કેવળજ્ઞાનનું સ્વરૂપ હોય એમ ભાસ્યમાન થતું હોય તો તે સ્વરૂપ આ કાળમાં પણ પ્રગટવા યોગ્ય છે કે કેમ ? કિંવા જૈનાગમ કહે છે તેનો હેતુ કહેવાનો જાદો કંઈ છે, અને કેવળજ્ઞાનનું સ્વરૂપ બીજા કોઈ પ્રકારે હોવા યોગ્ય છે તથા સમજવા યોગ્ય છે ?' આ વાર્તા પર યથાશક્તિ અનુપ્રેક્ષા કરવા યોગ્ય છે. તેમ જ ત્રીજો પ્રશ્ન છે તે પણ ઘણા પ્રકારે વિચારવા યોગ્ય છે. વિશેષ અનુપ્રેક્ષા કરી, એ બન્ને પ્રશ્નના ઉત્તર લખવાનું બને તો કરશો. પ્રથમના બે પ્રશ્ન છે, તેના ઉત્તર સંક્ષેપમાં લખ્યા છે, તે વિશેષતાથી લખવાનું બની શકે એમ હોય તો તે પણ લખશો. તમે પાંચ પ્રશ્નો લખ્યાં છે, તેમાંનાં ત્રણ પ્રશ્નના ઉત્તર અને સંક્ષેપમાં લખ્યાં છે.
પ્રથમ પ્રશ્નઃ-‘જાતિસ્મરણજ્ઞાનવાન પાછળનો ભવ કેવી રીતે દેખે છે ?' તેનો ઉત્તર આ પ્રમાણે વિચારશોઃ-
નાનપણે કોઈ ગામ, વસ્તુ આદિ જોયાં હોય અને મોટપણે કોઈ પ્રસંગે તે ગામાદિનું આત્મામાં સ્મરણ થાય છે તે વખતે, તે ગામાદિનું આત્મામાં જે પ્રકારે ભાન થાય છે, તે પ્રકારે જાતિસ્મરણજ્ઞાનવાનને પૂર્વભવનું ભાન થાય છે. કદાપિ આ ઠેકાણે એમ પ્રશ્ન થશે, કે, ‘પૂર્વભવમાં અનુભવેલાં