________________
http://www.ShrimadRajchandra.org
વર્ષ ૨૯ મું
૪૯૭
ઉપમાવાચક નથી. અવધિ, મનપર્યવાદિ જ્ઞાન વર્તમાનકાળમાં વ્યવઔદ જેવાં લાગે છે, તે પરથી તે જ્ઞાન ઉપમાવાચક ગણવા યોગ્ય નથી. એ જ્ઞાન મનુષ્ય જીવોને ચારિત્રપર્યાયની વિશુદ્ધ તારતમ્યતાથી ઊપજે છે. વર્તમાનકાળમાં તે વિશુદ્ધ તારતમ્યતા પ્રાપ્ત થવી દુર્લભ છે, કેમકે કાળનું પ્રત્યક્ષ સ્વરૂપ ચારિત્રમોહનીય આદિ પ્રકૃતિના વિશેષ બળસહિત વર્તનું જોવામાં આવે છે.
સામાન્ય આત્મચારિત્ર પણ કોઈક જીવને વિષે વર્તવા યોગ્ય છે, તેવા કાળમાં તે જ્ઞાનની લબ્ધિ, વ્યવચ્છેદ જેવી હોય એમાં કંઈ આશ્ચર્ય નથી; તેથી તે જ્ઞાન ઉપમાવાચક ગણવા યોગ્ય નથી; આત્મસ્વરૂપ વિચારતાં તો તે જ્ઞાનનું કંઈ પણ અસંભવિતપણું દેખાતું નથી. સર્વ જ્ઞાનની સ્થિતિનું ક્ષેત્ર આત્મા છે, તો પછી અવધિ મન:પર્યવાદિ જ્ઞાનનું ક્ષેત્ર આત્મા હોય એમાં સંશય કેમ ઘટે ? યદ્યપિ શાસ્ત્રના યથાસ્થિત પરમાર્થના અજ્ઞ જીવો તેની વ્યાખ્યા જે પ્રકારે કરે છે. તે વ્યાખ્યા વિરોધવાળી હોય, પણ પરમાર્થે તે જ્ઞાનનો સંભવ છે.
જિનાગમમાં તેની જે પ્રકારના આશયથી વ્યાખ્યા કરી હોય તે વ્યાખ્યા અને અજ્ઞાની જીવો આશય જાણ્યા વિના જે વ્યાખ્યા કરે તેમાં મોટો ભેદ હોય એમાં આશ્ચર્ય નથી, અને તે ભેદને લીધે તે જ્ઞાનના વિષય માટે સંદેહ થવા યોગ્ય છે, પણ આત્મદૃષ્ટિએ જોતાં તે સંદેહનો અવકાશ નથી.
૪. કાળનો સૂક્ષ્મમાં સૂક્ષ્મ વિભાગ ‘સમય” છે. રૂપી પદાર્થનો સૂક્ષ્મમાં સુક્ષ્મ વિભાગ પરમાણુ' છે, અને અરૂપી પદાર્થનો સૂક્ષ્મમાં સૂક્ષ્મ વિભાગ ‘પ્રદેશ' છે. એ ત્રણે એવા સૂક્ષ્મ છે કે અત્યંત નિર્મળ જ્ઞાનની સ્થિતિ તેનાં સ્વરૂપને ગ્રહણ કરી શકે; સામાન્યપણે સંસારી જીવોનો ઉપયોગ અસંખ્યાત સમયવર્તી છે, તે ઉપયોગમાં સાક્ષાત્પણે એક સમયનું જ્ઞાન સંભવે નહીં; જો તે ઉપયોગ એક સમયવર્તી અને શુદ્ધ હોય તો તેને વિષે સાક્ષાત્પણે સમયનું જ્ઞાન થાય. તે ઉપયોગનું એકસમયવર્તીપણું કષાયાદિના અભાવે થાય છે, કેમકે કષાયાદિ યોગે ઉપયોગ મૂઢતાદિ ધારણ કરે છે, તેમ જ અસંખ્યાત સમયવર્તીપણું ભજે છે; તે કષાયાદિને અભાવે એકસમયવર્તીપણું થાય છે; અર્થાત્ કષાયાદિના યોગે તેને અસંખ્યાત સમયમાંથી એક સમય જાદો પાડવાનું સામર્થ્ય નહોતું તે કષાયાદિને અભાવે એક સમય જુદો પાડીને અવગાહે છે. ઉપયોગનું એકસમયવર્તીપણું, કષાયરહિતપણું થયા પછી થાય છે; માટે એક સમયનું, એક પરમાણુનું, અને એક પ્રદેશનું જેને જ્ઞાન થાય તેને ‘કેવળજ્ઞાન’ પ્રગટે એમ કહ્યું છે, તે સત્ય છે. કાયરહિતપણા વિના કેવળજ્ઞાનનો સંભવ નથી, અને કષાયરહિતપણા વિના ઉપયોગ એક સમયને સાક્ષાત્પણે ગ્રહણ કરી શકતો નથી. માટે એક સમયને ગ્રહણ કરે તે સમયે અત્યંત કષાયરહિતપણું જોઈએ, અને જ્યાં અત્યંત કષાયનો અભાવ હોય ત્યાં ‘કેવળજ્ઞાન' હોય છે; માટે એ પ્રકારે કહ્યું કેઃ એક સમય, એક પરમાણુ અને એક પ્રદેશનો જેને અનુભવ થાય તેને ‘કેવળજ્ઞાન' પ્રગટે. જીવને વિશેષ પુરુષાર્થ અર્થે આ એક સુગમ સાધનનો જ્ઞાનીપુરુષે ઉપદેશ કર્યો છે. સમયની પેઠે પરમાણુ અને પ્રદેશનું સૂક્ષ્મપણું હોવાથી ત્રણે સાથે ગ્રહણ કર્યાં છે. અંતર્વિચારમાં વર્તવાને અર્થે જ્ઞાનીપુરુષોએ અસંખ્યાત યોગ કહ્યા છે. તે મધ્યેનો એક આ 'વિચારયોગ' કહ્યો છે એમ સમજવા યોગ્ય છે.
૫. શુભેચ્છાથી માંડીને સર્વકર્મરહિતપણે સ્વસ્વરૂપસ્થિતિ સુધીમાં અનેક ભૂમિકાઓ છે. જે જે આત્માર્થી જીવો થયા, અને તેમનામાં જે જે અંશે જાગૃતદશા ઉત્પન્ન થઈ, તે તે દશાના ભેદે અનેક ભૂમિકાઓ તેમણે આરાધી છે. શ્રી કબીર, સુંદરદાસ આદિ સાધુજનો આત્માર્થી ગણવા યોગ્ય છે, અને શુભેચ્છાથી ઉપરની ભૂમિકાઓમાં તેમની સ્થિતિ સંભવે છે. અત્યંત સ્વસ્વરૂપસ્થિતિ માટે તેમની જાગૃતિ અને અનુભવ પણ લક્ષગત થાય છે; એથી વિશેષ સ્પષ્ટ અભિપ્રાય હાલ આપવાની ઇચ્છા નથી થતી.