________________
૫૪૬
http://www.ShrimadRajchandra.org
શ્રીમદ્ રાજચંદ્ર
પૂર્વે નિષેધી દેખાડ્યું છે. પ્રકૃતિ નહીં, તો અંતઃકરણાદિ કર્મ ગ્રહણ કરે તેથી આત્મામાં કર્તાપણું વળગે છે, એમ કહીએ તો તે પણ એકાંતે સિદ્ધ નથી. અંતઃકરણાદિ પણ ચેતનની પ્રેરણા વિના અંતઃકરણાદિરૂપે પ્રથમ કરે જ ક્યાંથી ? ચેતન જે કર્મવળગણાનું, મનન કરવા, અવલંબન લે છે, તે અંતઃકરણ છે. જો ચેતન મનન કરે નહીં, તો કંઈ તે વળગણામાં મનન કરવાનો ધર્મ નથી; તે તો માત્ર જડ છે. ચેતનની પ્રેરણાથી ચેતન તેને અવલંબીને કંઈ ગ્રહણ કરે છે તેથી તેના વિષે કર્તાપણું આરોપાય છે, પણ મુખ્યપણે તે ચેતન કર્મનો કર્તા છે.
આ સ્થળે તમે વેદાંતાદિ દૃષ્ટિએ વિચારશો તો અમારાં આ વાક્યો તમને ભ્રાંતિગત પુરુષનાં કહેલાં લાગશે. પણ હવે જે પ્રકાર કહ્યો છે તે સમજવાથી તમને તે વાક્યની યથાતથ્યતા લાગશે, અને ભ્રાંતિગતપણું ભાસ્યમાન નહીં થાય.
જો કોઈ પણ પ્રકારે આત્માનું કર્મનું કર્તૃત્વપણું ન હોય, તો કોઈ પણ પ્રકારે તેનું ભૌઋત્વપણું પણ ન ઠરે, અને જ્યારે એમ જ હોય તો પછી તેનાં કોઈ પણ પ્રકારનાં દુઃખોનો સંભવ પણ ન જ થાય. જ્યારે કોઈ પણ પ્રકારનાં દુઃખોનો સંભવ આત્માને ન જ થતો હોય તો પછી વેદાંતાદિ શાસ્ત્રો સર્વ દુઃખથી ક્ષય થવાનો જે માર્ગ ઉપદેશે છે તે શા માટે ઉપદેશે છે ? ‘જ્યાં સુધી આત્મજ્ઞાન થાય નહીં, ત્યાં સુધી દુઃખની આત્યંતિક નિવૃત્તિ થાય નહીં,” એમ વેદાંતાદિ કહે છે; તે જો દુઃખ ન જ હોય તો તેની નિવૃત્તિનો ઉપાય શા માટે કહેવો જોઈએ ? અને કર્તૃત્વપણું ન હોય, તો દુઃખનું ભોક્તત્વપણું ક્યાંથી હોય ? એમ વિચાર કરવાથી કર્મનું કર્તૃત્વ ઠરે છે.
હવે અત્રે એક પ્રશ્ન થવા યોગ્ય છે અને તમે પણ તે પ્રશ્ન કર્યું છે કે “જો કર્મનું કર્તાપણું આત્માને માનીએ, તો તો આત્માનો તે ધર્મ ઠરે, અને જે જેનો ધર્મ હોય તે ક્યારે પણ ઉચ્છેદ થવા યોગ્ય નથી; અર્થાત્ તેનાથી કેવળ ભિન્ન પડી શકવા યોગ્ય નથી, જેમ અગ્નિની ઉષ્ણતા અથવા પ્રકાશ તેમ.' એમ જ જો કર્મનું કર્તાપણું આત્માનો ધર્મ ઠરે, તો તે નાશ પામે નહીં.
ઉત્તર:- સર્વ પ્રમાણાંશના સ્વીકાર્યા વિના એમ ઠરે; પણ વિચારવાન હોય તે કોઈ એક પ્રમાણાંશ સ્વીકારીને બીજા પ્રમાણાંશનો નાશ ન કરે. ‘તે જીવને કર્મનું કર્તાપણું ન હોય’ અથવા ‘હોય તો તે પ્રતીત થવા યોગ્ય નથી,’ એ આદિ પ્રશ્ન કર્યાના ઉત્તરમાં જીવનું કર્મનું કર્તૃત્વ જણાવ્યું છે. કર્મનું કર્તૃત્વ હોય તો તે ટળે જ નહીં, એમ કાંઈ સિદ્ધાંત સમજવો યોગ્ય નથી, કેમકે જે જે કોઈ પણ વસ્તુ ગ્રહણ કરી હોય તે છોડી શકાય એટલે ત્યાગી શકાય; કેમકે ગ્રહણ કરેલી વસ્તુથી ગ્રહણ કરનારી વસ્તુનું કેવળ એકત્વ કેમ થાય ? તેથી જીવે ગ્રહણ કરેલાં એવાં જે દ્રવ્યકર્મ તેનો જીવ ત્યાગ કરે તો થઈ શકવા યોગ્ય છે, કેમકે તે તેને સહકારી સ્વભાવે છે, સહજ સ્વભાવે નથી; અને તે કર્મને મેં તમને અનાદિ ભ્રમ કહ્યો છે, અર્થાત્ તે કર્મનું કર્તાપણું અજ્ઞાનથી પ્રતિપાદન કર્યું છે, તેથી પણ તે નિવૃત્ત થવા યોગ્ય છે, એમ સાથે સમજવું ઘટે છે. જે જે ભ્રમ હોય છે, તે તે વસ્તુની ઊલટી સ્થિતિની માન્યતારૂપ હોય છે, અને તેથી તે ટળવા યોગ્ય છે, જેમ મૃગજળમાંથી જળબુદ્ધિ. કહેવાનો હેતુ એ છે કે, અજ્ઞાને કરીને પણ જો આત્માને કર્તાપણું ન હોય, તો તો કશું ઉપદેશાદિ શ્રવણ, વિચાર, જ્ઞાન આદિ સમજવાનો હેતુ રહેતો નથી. હવે અહીં આગળ જીવનું પરમાર્થે જે કર્તાપણું છે તે કહીએ છીએ (૭૭)
ચેતન જો નિજ ભાનમાં, કર્તા આપ સ્વભાવ;
વર્તે નહિ નિજ ભાનમાં, કર્તા કર્મ-પ્રભાવ. ૭૮
આત્મા જો પોતાના શુદ્ધ ચૈતન્યાદિ સ્વભાવમાં વર્તે તો તે પોતાના તે જ સ્વભાવનો કર્તા છે, અર્થાત્ તે જ સ્વરૂપમાં પરિણમિત છે, અને તે શુદ્ધ ચૈતન્યાદિ સ્વભાવના ભાનમાં વર્તતો ન હોય ત્યારે કર્મભાવનો કર્તા છે. ૭૮