________________
૫૭૪
http://www.ShrimadRajchandra.org
શ્રીમદ્ રાજચંદ્ર
પોતાની ઇચ્છા પૂર્ણ થશે, (એટલે ભગવાન પ્રસન્ન થઈને તેને વિષે લગ્નતા કરશે) એમ માને છે, પણ તે ખોટું છે, કેમકે તે ભગવાનના સ્વરૂપના અજ્ઞાનથી એમ કહે છે.
જે ભગવાન અનંત જ્ઞાનદર્શનમય સર્વોત્કૃષ્ટ સુખસમાધિમય છે, તે ભગવાનને આ જગતનું કર્તાપણું કેમ હોય ? અને લીલાને અર્થે પ્રવૃત્તિ કેમ હોય ? લીલાની પ્રવૃત્તિ તો સદોષમાં જ સંભવે છે. જે પૂર્ણ હોય તે કંઈ ઇચ્છે જ નહીં. ભગવાન તો અનંત અવ્યાબાધ સુખે કરીને પૂર્ણ છે; તેને વિષે બીજી કલ્પના ક્યાંથી અવકાશ પામે ? લીલાની ઉત્પત્તિ કુતૂહલવૃત્તિથી થાય. તેવી કુતૂહલવૃત્તિ તો જ્ઞાન, સુખના અપરિપૂર્ણપણાથી જ થાય. ભગવાનમાં તો તે બન્ને (જ્ઞાન, સુખ) પરિપૂર્ણ છે, માટે તેની પ્રવૃત્તિ જગત રચવારૂપ લીલા પ્રત્યે ન જ થાય. એ લીલા તો દોષનો વિલાસ છે; સરાગીને જ તેનો સંભવ છે. જે સરાગી હોય તેને સદ્વેષતા હોય, અને જેને એ બન્ને હોય તેને ક્રોધ, માન, માયા, લોભ આદિ સર્વ દોષનું પણ સંભવિતપણું છે; જેથી યથાર્થ રીતે જોતાં તો લીલા દોષનો જ વિલાસ છે; અને એવો દોષવિલાસ તો અજ્ઞાની જ ઇચ્છે. વિચારવાન મુમુક્ષુઓ પણ તેવો દોષવિલાસ ઇચ્છતા નથી, તો અનંત જ્ઞાનમય ભગવાન તે કેમ ઇચ્છે ? જેથી તે ભગવાનનું સ્વરૂપ લીલાના કર્તૃત્વપણાથી ભાવે જે સમજે છે તે ભ્રાંતિ છે; અને તે ભ્રાંતિને અનુસરીને ભગવાનને પ્રસન્ન કરવાનો તે જે માર્ગ લે છે તે પણ ભ્રાંતિમય જ છે; જેથી ભગવાનરૂપ પતિની તેને પ્રાપ્તિ થતી નથી. ૫
હે સખી ! પતિને પ્રસન્ન કરવાના તો ઘણા પ્રકાર છે. અનેક પ્રકારના શબ્દ, સ્પર્શાદિ ભોગથી પતિની સેવા કરવામાં આવે છે એવા ઘણા પ્રકાર છે, પણ તે સૌમાં ચિત્તપ્રસન્નતા એ જ સૌથી ઉત્તમ સેવા છે, અને ક્યારે પણ ખંડિત ન થાય એવી સેવા છે. કપટરહિત થઈને આત્મા અર્પણ કરીને પતિની સેવા કરવાથી ઘણા આનંદના સમૂહની પ્રાપ્તિનો ભાગ્યોદય થાય.
ભગવાનરૂપ પતિની સેવાના પ્રકાર ઘણા છે. દ્રવ્યપૂજા, ભાવપૂજા, આજ્ઞાપૂજા. દ્રવ્યપૂજાના પણ ઘણા ભેદ છે; પણ તેમાં સર્વોત્કૃષ્ટ પૂજા તો ચિત્તપ્રસન્નતા એટલે તે ભગવાનમાં ચૈતન્યવૃત્તિ પરમ હર્ષથી એકત્વને પ્રાપ્ત કરવી તે જ છે; તેમાં જ સર્વ સાધન સમાય છે. તે જ અખંડિત પૂજા છે, કેમકે જો ચિત્ત ભગવાનમાં લીન હોય તો બીજા યોગ પણ ચિત્તાધીન હોવાથી ભગવાનને આધીન જ છે; અને ચિત્તની લીનતા ભગવાનમાંથી ન ખસે તો જ જગતના ભાવોમાંથી ઉદાસીનતા વર્ષે અને તેમાં ગ્રહણ ત્યાગરૂપ વિકલ્પ પ્રવર્તે નહીં; જેથી તે સેવા અખંડ જ રહે.
જ્યાં સુધી ચિત્તમાં બીજો ભાવ હોય ત્યાં સુધી તમારા સિવાય બીજામાં મારે કંઈ પણ ભાવ નથી એમ દેખાડીએ તો તે વૃથા જ છે અને કપટ છે; અને જ્યાં સુધી કપટ છે ત્યાં સુધી ભગવાનના ચરણમાં આત્માનું અર્પણ કાંથી થાય ? જેથી સર્વ જગતના ભાવ પ્રત્યે વિરામ પમાડી વૃત્તિને શુદ્ધચૈતન્ય ભાવવાળી કરવાથી જ તે વૃત્તિમાં અન્યભાવ રહ્યો ન હોવાથી શુદ્ધ કહેવાય અને તે નિષ્કપટ કહેવાય. એવી ચૈતન્યવૃત્તિ ભગવાનમાં લીન કરવામાં આવે તે જ આત્મઅર્પણના કહેવાય.
ધનધન્યાદિક સર્વ ભગવાનને અર્પણ કર્યાં હોય, પણ જો આત્મા અર્પણ ન કર્યો હોય એટલે તે આત્માની વૃત્તિ ભગવાનમાં લીન કરી ન હોય તો તે ધનધન્યાદિકનું અર્પણ કરવું સકપટ જ છે, કેમકે અર્પણ કરનાર આત્મા અથવા તેની વૃત્તિ તો બીજે સ્થળે લીન છે. જે પોતે બીજે સ્થળે લીન છે, તેના અર્પણ થયેલા બીજા જડ પદાર્થ ભગવાનમાં અર્પણ ક્યાંથી થઈ શકે ? માટે ભગવાનમાં ચિત્તવૃત્તિની લીનતા એ જ આત્મઅર્પણતા છે, અને એ જ આનંદઘનપદની રેખા એટલે પરમ અવ્યાબાધ સુખમય મોક્ષપદની નિશાની છે. અર્થાત જેને એવી દશાની પ્રાપ્તિ થાય તે પરમ આનંદઘનસ્વરૂપ મોક્ષને પ્રાપ્ત થશે, એવા લક્ષણ તે લક્ષણ છે. ૬
ઋષભજિનસ્તવના સંપૂર્ણ.