________________
૫૪૮
http://www.ShrimadRajchandra.org
શ્રીમદ્ રાજચંદ્ર
કર્મોનું ફળ પામવા માટે ઈશ્વરાશ્રય ગ્રહણ કરે, તેમ જ બંધમાં ગણાય એ યથાર્થ વાત દેખાતી નથી. એવી વિષમતા કેમ સંભવિત થાય ?
વળી જીવ કરતાં ઈશ્વરનું સામર્થ્ય વિશેષ માનીએ તોપણ વિરોધ આવે છે. ઈશ્વર શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ ગણીએ તો શુદ્ધ ચૈતન્ય એવા મુક્ત જીવમાં અને તેમાં ભેદ પડવો ન જોઈએ, અને ઈશ્વરથી કર્મનાં ફળ આપવાદિ કાર્ય ન થવાં જોઈએ; અથવા મુક્ત જીવથી પણ તે કાર્ય થવું જોઈએ; અને ઈશ્વરને જો અશુદ્ધ ચૈતન્યસ્વરૂપ ગણીએ તો તો સંસારી જીવો જેવી તેની સ્થિતિ ઠરે, ત્યાં પછી સર્વજ્ઞાદિ ગુણનો સંભવ ક્યાંથી થાય ? અથવા દેહધારી સર્વજ્ઞની પેઠે તેને ‘દેહધારી સર્વજ્ઞ ઈશ્વર' માનીએ તોપણ સર્વ કર્મફળદાતૃત્વરૂપ ‘વિશેષ સ્વભાવ’ ઈશ્વરમાં કયા ગુણને લીધે માનવા યોગ્ય થાય ? અને દેહ તો નાશ પામવા યોગ્ય છે, તેથી ઈશ્વરનો પણ દેહ નાશ પામે, અને તે મુક્ત થયે કર્મફળદાતૃત્વ ન રહે, એ આદિ અનેક પ્રકારથી ઈશ્વરને કર્મફળદાતૃત્વ કહેતાં દોષ આવે છે, અને ઈશ્વરને તેવે સ્વરૂપે માનતાં તેનું ઈશ્વરપણું ઉત્થાપવા સમાન થાય છે. (૮૦)
ઈશ્વર સિદ્ધ થયા વિના, જગત નિયમ નહિ હોય;
પછી શુભાશુભ કર્મનાં, ભોગ્યસ્થાન નહિ કોય. ૮૧
તેવો ફળદાતા ઈશ્વર સિદ્ધ થતો નથી એટલે જગતનો નિયમ પણ કોઈ રહે નહીં, અને શુભાશુભ કર્મ ભોગવવાનાં કોઈ સ્થાનક પણ ઠરે નહીં. એટલે જીવને કર્મનું ભોકતૃત્વ ક્યાં રહ્યું ? ૮૧
܀܀
સમાધાન - સદ્ગુરુ ઉવાચ
[જીવને પોતાનાં કરેલાં કર્મનું ભોક્તાપણું છે, એમ સદ્ગુરુ સમાધાન કરે છેઃ-]
ભાવકર્મ નિજ કલ્પના, માટે ચેતનરૂપ;
જીવવીર્યની સ્ફુરણા, ગ્રહણ કરે
જડધૂપ ૮૨
ભાવકર્મ જીવને પોતાની ભ્રાંતિ છે, માટે ચેતનરૂપ છે, અને તે ભ્રાંતિને અનુયાયી થઈ જીવવીર્ય સ્કુરાયમાન થાય છે, તેથી જડ એવા દ્રવ્યકર્મની વર્ગણા તે ગ્રહણ કરે છે. ૮૨
કર્મ જડ છે તો તે શું સમજે કે આ જીવને આ રીતે મારે ફળ આપવું, અથવા તે સ્વરૂપે પરિણમવું ? માટે જીવ કર્મનો ભોક્તા થવો સંભવતો નથી, એ આશંકાનું સમાધાન નીચેથી થશે -
જીવ પોતાના સ્વરૂપના અજ્ઞાનથી ક્રર્મનો કર્તા છે. તે અજ્ઞાન તે ચેતનરૂપ છે, અર્થાત્ જીવની પોતાની કલ્પના છે, અને તે કલ્પનાને અનુસરીને તેના વીર્યસ્વભાવની સ્ફૂર્તિ થાય છે, અથવા તેનું સામર્થ્ય તદનુયાયીપણે પરિણમે છે, અને તેથી જડની ધૂપ એટલે દ્રવ્યકર્મરૂપ પુદ્ગલની વર્ગણાને તે ગ્રહણ કરે છે. (૮૨)
ઝેર સુધા સમજે નહીં, જીવ ખાય ફળ થાય;
એમ શુભાશુભ કર્મનું, ભોક્તાપણું જણાય. ૮૩
ઝેર અને અમૃત પોતે જાણતાં નથી કે અમારે આ જીવને ફળ આપવું છે, તોપણ જે જીવ ખાય છે, તેને તે ફળ થાય છે; એમ શુભાશુભ કર્મ, આ જીવને આ ફળ આપવું છે એમ જાણતાં નથી, તોપણ ગ્રહણ કરનાર જીવ, ઝેર અમૃતના પરિણામની રીતે ફળ પામે છે. ૮૩
ઝેર અને અમૃત પોતે એમ સમજતાં નથી કે અમને ખાનારને મૃત્યુ, દીર્ઘાયુષતા થાય છે, પણ સ્વભાવે તેને ગ્રહણ કરનાર પ્રત્યે જેમ તેનું પરિણમવું થાય છે, તેમ જીવમાં શુભાશુભ કર્મ પણ પરિણમે છે, અને ફળ સન્મુખ થાય છે; એમ જીવને કર્મનું ભોક્તાપણું સમજાય છે. (૮૩)
એક રાંક ને એક નૃપ, એ આદિ જે ભેદ;
કારણ વિના ન કાર્ય તે, તે જ શુભાશુભ વેદ્ય. ૮૪