________________
૫૫૪
http://www.ShrimadRajchandra.org
શ્રીમદ્ રાજચંદ્ર
કોટિ વર્ષનું સ્વપ્ન પણ, જાગ્રત થતાં શમાય;
તેમ વિભાવ અનાદિનો, જ્ઞાન થતાં દૂર થાય ૧૧૪
કરોડો વર્ષનું સ્વપ્ન હોય તોપણ જાગૃત થતાં તરત શમાય છે, તેમ અનાદિનો વિભાવ છે તે આત્મજ્ઞાન થતાં દૂર થાય છે. ૧૧૪
છૂટે દેહાધ્યાસ તો, નહિ કર્તા તું કર્મ;
નહિ ભોક્તા તું તેન, એ જ ધર્મનો મર્મ, ૧૧૫
હે શિષ્ય ! દેહમાં જે આત્મતા મનાઈ છે, અને તેને લીધે સ્ત્રીપુત્રાદિ સર્વમાં અહંમમત્વપણું વર્તે છે, તે આત્મતા જો આત્મામાં જ મનાય, અને તે દેહાધ્યાસ એટલે દેહમાં આત્મબુદ્ધિ તથા આત્મામાં દેહબુદ્ધિ છે તે છૂટે, તો તું કર્મનો કર્તા પણ નથી, અને ભોક્તા પણ નથી; અને એ જ ધર્મનો મર્મ છે. ૧૧૫
એ જ ધર્મથી મોક્ષ છે, તું છો મોક્ષ સ્વરૂપ;
અનંત દર્શન જ્ઞાન તું, અવ્યાબાધ સ્વરૂપ. ૧૧૬
એ જ ધર્મથી મોક્ષ છે, અને તું જ મોક્ષસ્વરૂપ છો; અર્થાત્ શુદ્ધ આત્મપદ એ જ મોક્ષ છે. તું અનંત જ્ઞાન દર્શન તથા અવ્યાબાધ સુખસ્વરૂપ છે. ૧૧૬
શુદ્ધ બુદ્ધ ચૈતન્યઘન, સ્વયંજ્યોતિ સુખધામ;
બીજાં કહીએ કેટલું ? કર વિચાર તો પામ, ૧૧૭
તું દેહાદિક સર્વ પદાર્થથી જાદો છે. કોઈમાં આત્મદ્રવ્ય ભળતું નથી, કોઈ તેમાં ભળતું નથી, દ્રવ્ય દ્રવ્ય પરમાર્થથી સદાય ભિન્ન છે, માટે તું શુદ્ધ છો, બોધસ્વરૂપ છો, ચૈતન્યપ્રદેશાત્મક છો; સ્વયંજ્યોતિ એટલે કોઈ પણ તને પ્રકાશતું નથી, સ્વભાવે જ તું પ્રકાશસ્વરૂપ છો; અને અવ્યાબાધ સુખનું ધામ છો. બીજાં કેટલું કહીએ ? અથવા ઘણું શું કહેવું ? ટૂંકામાં એટલું જ કહીએ છીએ, જો વિચાર કર તો તે પદને પામીશ. ૧૧૭
નિશ્ચય સર્વે જ્ઞાનીનો, આવી અત્ર સમાય;
ધરી મીનતા એમ કહી, સહજસમાધિ માંય, ૧૧૮
સર્વે જ્ઞાનીઓનો નિશ્ચય અત્રે આવીને સમાય છે; એમ કહીને સદ્ગુરુ મૌનતા ધરીને સહજ સમાધિમાં સ્થિત થયા, અર્થાત્ વાણીયોગની અપ્રવૃત્તિ કરી. ૧૧૮
C
܀܀܀܀܀
શિષ્યબોધબીજપ્રાપ્તિકથન
સદ્ગુરુના ઉપદેશથી, આવ્યું અપૂર્વ ભાન;
નિજપદ નિજમાંહી લહ્યું, દૂર થયું અજ્ઞાન. ૧૧૯
શિષ્યને સદ્ગુરુના ઉપદેશથી અપૂર્વ એટલે પૂર્વે કોઈ દિવસ નહીં આવેલું એવું ભાન આવ્યું, અને તેને પોતાનું સ્વરૂપ પોતાને વિષે યથાતથ્ય ભાસ્યું, અને દેહાત્મબુદ્વિરૂપ અજ્ઞાન દૂર થયું. ૧૧૯
ભાસ્યું નિજસ્વરૂપ તે, શુદ્ધ ચેતનારૂપ;
અજર, અમર, અવિનાશી ને, દેહાતીત સ્વરૂપ. ૧૨૦
પોતાનું સ્વરૂપ શુદ્ધ ચૈતન્યસ્વરૂપ, અજર, અમર, અવિનાશી અને દેહથી સ્પષ્ટ જુદું ભાસ્યું. ૧૨૦ કર્તા ભોક્તા કર્મનો, વિભાવ વર્તે જ્યાંય;
વૃત્તિ વહી નિજભાવમાં, થયો અકર્તા ત્યાંય. ૧૨૧
જ્યાં વિભાવ એટલે મિથ્યાત્વ વર્તે છે, ત્યાં મુખ્ય નયથી કર્મનું કર્તાપણું અને ભોક્તાપણું છે;
આત્મસ્વભાવમાં વૃત્તિ વહી તેથી અકર્તા થયો. ૧૨૧