________________
૫૩૦
http://www.ShrimadRajchandra.org
શ્રીમદ્ રાજચંદ્ર
અને અસોચ્ચા કેવળી જેમણે પૂર્વે કોઈ પાસેથી ધર્મ સાંભળ્યો નથી તેને કોઈ તથારૂપ આવરણના ક્ષયથી જ્ઞાન ઊપજ્યું છે, એમ શાસ્ત્રમાં નિરૂપણ કર્યું છે, તે આત્માનું માહાત્મ્ય દર્શાવવા, અને જેને સદ્ગુયોગ ન હોય તેને જાગૃત કરવા, તે તે અનેકાંતમાર્ગ નિરૂપણ કરવા દર્શાવ્યું છે; પણ સદ્ગુરુઆજ્ઞાએ પ્રવર્તવાનો માર્ગ ઉપેક્ષિત કરવા દર્શાવ્યું નથી. વળી એ સ્થળે તે ઊલટું તે માર્ગ ઉપર દૃષ્ટિ આવવા વધારે સબળ કર્યું છે, અને કહ્યું છે કે તે અસોચ્યા કેવી......... અર્થાત્ અસોચ્ચા કેવળીનો આ પ્રસંગ સાંભળીને કોઈએ જે શાશ્વતમાર્ગ ચાલ્યો આવે છે, તેના નિષેધ પ્રત્યે જવું એવો આશય નથી, એમ નિવેદન કર્યું છે.
કોઈ તીવ્ર આત્માર્થીને એવો કદાપિ સદ્ગુરુનો યોગ ન મળ્યો હોય, અને તેની તીવ્ર કામનામાં ને કામનામાં જ નિજવિચારમાં પડવાથી, અથવા તીવ્ર આત્માર્થને લીધે નિજવિચારમાં પડવાથી, આત્મજ્ઞાન થયું હોય તો તે સદ્ગુરુમાર્ગનો ઉપેક્ષિત નહીં એવો, અને સદ્ગુરુથી પોતાને જ્ઞાન મળ્યું નથી માટે મોટો છું એવો નહીં હોય, તેને થયું હોય; એમ વિચારી વિચારવાન જીવે શાશ્વત મોક્ષમાર્ગનો લોપ ન થાય તેવું વચન પ્રકાશવું જોઈએ.
એક ગામથી બીજે ગામ જવું હોય અને તેનો માર્ગ દીઠો ન હોય એવો પોતે પચાસ વર્ષનો પુરુષ હોય, અને લાખો ગામ જોઈ આવ્યો હોય તેને પણ તે માર્ગની ખબર પડતી નથી, અને કોઈને પૂછે ત્યારે જણાય છે, નહીં તો ભૂલ ખાય છે; અને તે માર્ગને જાણનાર એવું દશ વર્ષનું બાળક પણ તેને તે માર્ગ દેખાડે છે તેથી તે પહોંચી શકે છે; એમ લૌકિકમાં અથવા વ્યવહારમાં પણ પ્રત્યક્ષ છે. માટે જે આત્માર્થી હોય, અથવા જેને આત્માર્થની ઇચ્છા હોય તેણે સદગુરુના યોગે તરવાના કામી જીવનું કલ્યાણ થાય એ માર્ગ લોપવો ઘટે નહીં, કેમકે તેથી સર્વ જ્ઞાનીપુરુષની આજ્ઞા લોપવા બરાબર થાય છે.
પૂર્વે સદ્ગુરુનો યોગ તો ઘણી વખત થયો છે, છતાં જીવનું કલ્યાણ થયું નહીં, જેથી સદ્ગુરુના ઉપદેશનું એવું કંઈ વિશેષપણું દેખાતું નથી, એમ આશંકા થાય તો તેનો ઉત્તર બીજા પદમાં જ કહ્યો છે કેઃ-
જે પોતાના પક્ષને ત્યાગી દઈ સદ્ગુરુના ચરણને સેવે, તે પરમાર્થને પામે, અર્થાત્ પૂર્વે સદ્ગુરુનો યોગ થવાની વાત સત્ય છે, પરંતુ ત્યાં જીવે તેને સદ્ગુરુ જાણ્યા નથી, અથવા ઓળખ્યા નથી, પ્રતીત્યા નથી, અને તેની પાસે પોતાનાં માન અને મત મૂક્યાં નથી; અને તેથી સદ્ગુરુનો ઉપદેશ પરિણામ પામ્યો નહીં, અને પરમાર્થની પ્રાપ્તિ થઈ નહીં; એમ જો પોતાનો મત એટલે સ્વચ્છંદ અને કુળધર્મનો આગ્રહ દૂર કરીને સદુપદેશ ગ્રહણ કરવાનો કામી થયો હોત તો અવશ્ય પરમાર્થ પામત.
અત્રે અસદ્ગુરુએ દૃઢ કરાવેલા દુર્બોધથી અથવા માનાદિકના તીવ્ર કામીપણાથી એમ પણ આશંકા થવી સંભવે છે કે કંઈક જીવોનાં પૂર્વે કલ્યાણ થયાં છે; અને તેમને સદ્ગુરુના ચરણ સેવ્યા વિના કલ્યાણની પ્રાપ્તિ થઈ છે, અથવા અસદ્ગુરુથી પણ કલ્યાણની પ્રાપ્તિ થાય; અસદ્ગુરુને પોતાને ભલે માર્ગની પ્રતીતિ નથી, પણ બીજાને તે પમાડી શકે; એટલે બીજો તે માર્ગની પ્રતીતિ, તેનો ઉપદેશ સાંભળીને કરે તો તે પરમાર્થને પામે; માટે સદ્ગુરુચરણને સેવ્યા વિના પણ પરમાર્થની પ્રાપ્તિ થાય, એવી આશંકાનું સમાધાન કરે છેઃ-
યદ્યપિ કોઈ જીવો પોતે વિચાર કરતાં બૂડ્યા છે, એવો શાસ્ત્રમાં પ્રસંગ છે; પણ કોઈ સ્થળે એવો પ્રસંગ કહ્યો નથી કે અસદ્ગુરુથી અમુક બૂક્યા. હવે કોઈ પોતે વિચાર કરતાં બૂડ્યા છે એમ કહ્યું છે તેમાં શાસ્ત્રોનો કહેવાનો હેતુ એવો નથી કે સદ્ગુરુની આજ્ઞાએ વર્તવાથી જીવનું કલ્યાણ થાય છે એમ અમે કહ્યું છે પણ તે વાત યથાર્થ નથી; અથવા સદ્ગુરુની આજ્ઞાનું જીવને
૧. મૂળ પાઠ મૂકવા ધારેલો પણ મુકાયો લાગતો નથી.