________________
http://www.ShrimadRajchandra.org
વર્ષ ૨૯ મું
૬૭૭
૪૯૫
મુંબઈ, ચૈત્ર સુદ ૧, રવિ, ૧૯૫૨
કાગળ પહોંચ્યો છે. સામાન્યપણે વર્તતી ચિત્તવૃત્તિઓ લખી તે વાંચી છે. વિસ્તારથી હિતવચન લખવાની જિજ્ઞાસા જણાવી તે વિષે સંક્ષેપમાં નીચે લખ્યાથી વિચારશોઃ-
પારખ્યોદયથી જે પ્રકારનો વ્યવહાર પ્રસંગમાં વર્તે છે, તે પ્રત્યે દૃષ્ટિ દેતાં જેમ પત્રાદિ લખવામાં સંક્ષેપતાથી વર્તવાનું થાય છે, તેમ વધારે યોગ્ય છે, એવો અભિપ્રાય ઘણું કરીને રહે છે.
આત્માને વાસ્તવપણે ઉપકારભુત એવો ઉપદેશ કરવામાં જ્ઞાનીપુરુષો સંક્ષેપતાથી વર્તે નહીં, એમ ઘણું કરીને બનવા યોગ્ય છે, તથાપિ બે કારણે કરીને તે પ્રકારે પણ જ્ઞાનીપુરુષો વર્તે છેઃ (૧) તે ઉપદેશ જિજ્ઞાસુ જીવને વિષે પરિણામી થાય એવા સંયોગોને વિષે તે જિજ્ઞાસુ જીવ વર્તતો ન હોય, અથવા તે ઉપદેશ વિસ્તારથી કર્યે પણ ગ્રહણ કરવાનું તેને વિષે તથારૂપ યોગ્યપણું ન હોય, તો જ્ઞાનીપુરુષ તે જીવોને ઉપદેશ કરવામાં સંક્ષેપપણે પણ વર્તે છે; (૨) અથવા પોતાને બાહ્ય વ્યવહાર એવા ઉદયરૂપે હોય કે તે ઉપદેશ જિજ્ઞાસુ જીવને પરિણમતાં પ્રતિબંધરૂપ થાય, અથવા તથારૂપ કારણ વિના તેમ વર્તી મુખ્યમાર્ગને વિરોધરૂપ કે સંશયના હેતુરૂપ થવાનું કારણ બનતું હોય તોપણ જ્ઞાની પુરુષો સંક્ષેપપણે ઉપદેશમાં પ્રવર્તી અથવા મૌન રહે.
સર્વસંગપરિત્યાગ કરીને ચાલી નીકળ્યાથી પણ જીવ ઉપાધિરહિત થતો નથી. કેમકે જ્યાં સુધી અંતરપરિણતિ પર દૃષ્ટિ ન થાય અને તથારૂપ માર્ગે ન પ્રવર્તાય ત્યાં સુધી સર્વસંગપરિત્યાગ પણ નામ માત્ર થાય છે; અને તેવા અવસરમાં પણ અંતરપરિણતિ પર દૃષ્ટિ દેવાનું ભાન જીવને આવવું કઠણ છે, તો પછી આવા ગૃહવ્યવહારને વિષે લૌકિક અભિનિવેશપૂર્વક રહી અંતરપરિણતિ પર દૃષ્ટિ દેવાનું બનવું કેટલું દુઃસાધ્ય હોવું જોઈએ તે વિચારવા યોગ્ય છે. વળી તેવા વ્યવહારમાં રહી જીવે અંતરપરિણતિ પર કેટલું બળ રાખવું જોઈએ તે પણ વિચારવા યોગ્ય છે, અને અવશ્ય તેમ કરવા યોગ્ય છે.
વધારે શું લખીએ ? જેટલી પોતાની શક્તિ હોય તે સર્વ શક્તિથી એક લક્ષ રાખીને, લૌકિક અભિનિવેશને સંક્ષેપ કરીને, કંઈ પણ અપૂર્વ નિરાવરણપણું દેખાતું નથી માટે સમજણનું માત્ર અભિમાન છે એમ જીવને સમજાવીને, જે પ્રકારે જીવ જ્ઞાન, દર્શન, ચારિત્રને વિષે સતત જાગૃત થાય તે જ કરવામાં વૃત્તિ જોડવી, અને રાત્રિદિવસ તે જ ચિંતામાં પ્રવર્તવું એ જ વિચારવાન જીવનું કર્તવ્ય છે; અને તેને માટે સત્સંગ, સશાસ્ત્ર અને સરળતાદિ નિજગુણો ઉપકારભૂત છે, એમ વિચારીને તેનો આશ્રય કરવો યોગ્ય છે.
જ્યાં સુધી લૌકિક અભિનિવેશ એટલે દ્રવ્યાદિ લોભ, તૃષ્ણા, દૈહિક માન, કુળ, જાતિ આદિ સંબંધી મોહ કે વિશેષત્વ માનવું હોય, તે વાત ન છોડવી હોય, પોતાની બુદ્ધિએ સ્વેચ્છાએ અમુક ગચ્છાદિનો આગ્રહ રાખવો હોય, ત્યાં સુધી જીવને અપૂર્વ ગુણ કેમ ઉત્પન્ન થાય ? તેનો વિચાર સુગમ છે.
વધારે લખી શકાય એવો ઉદય હાલ અત્રે નથી, તેમ વધારે લખવું કે કહેવું તે પણ કોઈક પ્રસંગમાં થવા દેવું યોગ્ય છે, એમ છે. તમારી વિશેષ જિજ્ઞાસાથી પ્રારબ્ધોદય વેદતાં જે કંઈ લખી શકાત તે કરતાં કંઈક ઉદીરણા કરીને વિશેષ લખ્યું છે. એ જ વિનંતિ.
܀܀܀܀
૩૭૮
મુંબઈ, ચૈત્ર સુદ ૨, સોમ, ૧૯૫૨
જેમાં ક્ષણવારમાં હર્ષ અને ક્ષણવારમાં શોક થઈ આવે એવા આ વ્યવહારમાં જે જ્ઞાનીપુરુષો સમદશાથી વર્તે છે, તેને અત્યંત ભક્તિથી ધન્ય કહીએ છીએ; અને સર્વ મુમુક્ષુ જીવને એ જ દશા ઉપાસવા યોગ્ય છે, એમ નિશ્ચય દેખીને પરિણતિ કરવી ઘટે છે. એ જ વિનંતિ. શ્રી ડુંગર આદિ મુમુક્ષુને નમસ્કાર,
܀܀܀܀܀