________________
૪૫૦
http://www.ShrimadRajchandra.org
શ્રીમદ્ રાજચંદ્ર
વિચારી જો દયા ઉપકારાદિ કારણે કંઈ પ્રેમદશા રાખતાં ચિત્તમાં વિવેકીને ક્લેશ પણ થયા વિના રહેવો ન જોઈએ, ત્યારે તેનો વિશેષ વિચાર કયા પ્રકારે કરવો ?
૫૬૭
શ્રી વીતરાગને પરમભક્તિએ નમસ્કાર
મુંબઈ, ફાગણ સુદ ૧૫, ૧૯૫૧
બે તાર, બે પત્ર તથા બે પત્તાં મળ્યાં છે. શ્રી જિન જેવા પુરુષે ગૃહવાસમાં જે પ્રતિબંધ કર્યો નથી તે પ્રતિબંધ ન થવા, આવવાનું કે પત્ર લખવાનું થયું નથી તે માટે અત્યંત દીનપણે ક્ષમા ઇચ્છું છું. સંપૂર્ણ વીતરાગતા નહીં હોવાથી આ પ્રમાણે વર્તનાં અંતરમાં વિક્ષેપ થયો છે, જે વિક્ષેપ પણ શમાવવો ઘટે એ પ્રકારે જ્ઞાનીએ માર્ગ દીઠો છે.
જે આત્માનો અંતર્વ્યાપાર (અંતર્પરિણામની ધારા) તે, બંધ અને મોક્ષની (કર્મથી આત્માનું બંધાવું અને તેથી આત્માનું છૂટવું) વ્યવસ્થાનો હેતુ છે; માત્ર શરીરચેષ્ટા બંધમોક્ષની વ્યવસ્થાનો હેતુ નથી. વિશેષ રોગાદિ યોગે જ્ઞાનીપુરુષના દેહને વિષે પણ નિર્બળપણું, મંદપણું, મ્લાનતા, કંપ, સ્વેદ, મૂર્છા, બાહ્ય વિભ્રમાદિ દેષ્ટ થાય છે; તથાપિ જેટલું જ્ઞાને કરીને, બોધે કરીને, વૈરાગ્યે કરીને આત્માનું નિર્મળપણું થયું છે, તેટલા નિર્મળપણાએ કરી તે રોગને અંતર્પરિણામે જ્ઞાની વેદે છે, અને વેદતાં કદાપિ બાહ્ય સ્થિતિ ઉન્મત્ત જોવામાં આવે તોપણ અંતર્પરિણામ પ્રમાણે કર્મબંધ અથવા નિવૃત્તિ થાય છે. આત્મા જ્યાં અત્યંત શુદ્ધ એવા નિજપર્યાયને સહજ સ્વભાવે ભજે ત્યાં -
܀܀܀܀܀
૫૮
[અપૂર્ણ)
મુંબઇ, ફાગણ, ૧૯૫૧ આત્મસ્વરૂપનો નિર્ણય થવામાં અનાદિથી જીવની ભૂલ થતી આવી છે, જેથી હમણાં થાય તેમાં આશ્ચર્ય
લાગતું નથી.
સર્વ ક્લેશથી અને સર્વ દુઃખથી મુક્ત થવાનો આત્મજ્ઞાન સિવાય બીજો કોઈ ઉપાય નથી. સદ્વિચાર વિના આત્મજ્ઞાન થાય નહીં, અને અસત્સંગ-પ્રસંગથી જીવનું વિચારબળ પ્રવર્તતું નથી એમાં કિંચિત્માત્ર સંશય નથી. આત્મપરિણામની સ્વસ્થતાને શ્રી તીર્થંકર 'સમાધિ કહે છે,
આત્મપરિણામની અસ્વસ્થતાને શ્રી તીર્થંકર 'અસમાધિ કહે છે.
આત્મપરિણામની સહજ સ્વરૂપે પરિણતિ થવી તેને શ્રી તીર્થંકર “ધર્મ' કહે છે.
આત્મપરિણામની કંઈ પણ ચપળ પરિણતિ થવી તેને શ્રી તીર્થંકર ‘કર્મ’ કહે છે.
શ્રી જિન તીર્થકરે જેવો બંધ અને મોક્ષનો નિર્ણય કર્યો છે. તેવો નિર્ણય વેદાંતાદિ દર્શનમાં દૃષ્ટિગોચર થતો નથી; અને જેવું શ્રી જિનને વિષે યથાર્થવક્તાપણું જોવામાં આવે છે, તેવું યથાર્થવક્તાપણું બીજામાં જોવામાં આવતું નથી.
આત્માના અંતર્વ્યાપાર (શુભાશુભ પરિણામધારા) પ્રમાણે બંધમોક્ષની વ્યવસ્થા છે, શારીરિક ચેષ્ટા પ્રમાણે તે નથી. પૂર્વે ઉત્પન્ન કરેલાં વેદનીય કર્મના ઉદય પ્રમાણે રોગાદિ ઉત્પન્ન થાય છે, અને તે પ્રમાણે નિર્બળ, મંદ, સ્લાન, ઉષ્ણ, શીત આદિ શરીરચેષ્ટા થાય છે.
વિશેષ રોગના ઉદયથી અથવા શારીરિક મંદબળથી જ્ઞાનીનું શરીર કંપાય, નિર્બળ થાય, મ્લાન થાય, મંદ થાય, રૌદ્ર લાગે, તેને ભ્રમાદિનો ઉદય પણ વર્તે, તથાપિ જે પ્રમાણે જીવને વિષે બોધ અને વૈરાગ્યની વાસના થઈ હોય છે તે પ્રમાણે તે રોગને જીવ તે તે પ્રસંગમાં ઘણું કરી વેદે છે.