________________
૪૫૬
http://www.ShrimadRajchandra.org
શ્રીમદ્ રાજચંદ્ર
વેદાંતના સિદ્ધાંતમાં તથા જિનના આગમના સિદ્ધાંતમાં જુદાપણું છે, તોપણ જિનનાં આગમ વિશેષ વિચારનું સ્થળ જાણી વેદાંતનું પૃથક્કરણ થવા તે આગમ વાંચવા, વિચારવા યોગ્ય છે. એ જ વિનંતિ.
૫૭૮
મુંબઈ, ચૈત્ર સુદ ૧૪, શનિ, ૧૯૫૧
મુંબઈમાં નાણાંભીડ વિશેષ છે. સટ્ટાવાળાઓને ઘણું નુકસાન ગયું છે. તમને સૌને ભલામણ છે, કે સટ્ટા જેવે રસ્તે ન ચડાય તેનું પૂરતું ધ્યાન રાખશો, માતુશ્રી તથા પિતાશ્રીને પાયલાગણ,
૫૭૯
રાયચંદના યથાયોગ્ય
મુંબઈ, ચૈત્ર સુદ ૧૫, ૧૯૫૧
પરમ સ્નેહી શ્રી સોભાગ પ્રત્યે, શ્રી સાયલા.
મોરબીથી લખેલો કાગળ ૧ પહોંચ્યો છે. રવિવારે અત્રેથી એક પત્તું મોરબી લખ્યું છે. તે તમને સાયલે મળ્યું હશે.
શ્રી ડુંગર સાથે આ તરફ આવવાનો વિચાર રાખ્યો છે. તે વિચાર પ્રમાણે આવવામાં શ્રી ડુંગરે પણ કંઈ વિક્ષેપ ન કરવો યોગ્ય છે; કેમકે અત્રે મને વિશેષ ઉપાધિ હાલ તરત નહીં રહે એવું સંભવે છે. દિવસ તથા રાતનો ઘણો ભાગ નિવૃત્તિમાં ગાળવો હોય તો મારાથી તેમ બની શકવા હાલ સંભવ છે.
પરમ પુરુષની આજ્ઞાના નિર્વાહને અર્થે તથા ઘણા જીવોના હિતને માટે થઈ, આજીવિકાદિ સંબંધી તમે કંઈ લખો છો, અથવા પૂછો છો તેમાં મૌન જેવી રીતે વર્તવું થાય છે, તે સ્થળે બીજો કંઈ હેતુ નથી, જેથી મારા તેવા મૌનપણા માટે ચિત્તમાં અવિક્ષેપના રાખશો, અને અત્યંત પ્રયોજન વિના અથવા મારી ઇચ્છા જાણ્યા વિના તે પ્રકાર મારા પ્રત્યે લખવાનું કે પૂછવાનું ન બને તો સારું. કેમકે તમારે અને મારે એવી દશાએ વર્તવું વિશેષ જરૂરનું છે, અને તે આજીવિકાદિ કારણથી તમારે વિશેષ ભયાકુળ થવું તે પણ યોગ્ય નથી. મારા પરની કૃપાથી આટલી વાત ચિત્તમાં તમે દૃઢ કરો તો બની શકે તેવી છે. બાકી કોઈ રીતે ક્યારે પણ ભિન્નભાવની બુદ્ધિથી મૌનપણું ધારણ કરવું મને સૂઝે એમ સંભવતું નથી, એવો નિશ્ચય રાખજો. આટલી ભલામણ દેવી તે પણ ઘટારત નથી, તથાપિ સ્મૃતિમાં વિશેષતા થવા લખ્યું છે.
આવવાનો વિચાર કરી મિતિ લખશો. જે કંઈ પૂછવું કરવું હોય તે સમાગમે પુછાય તો કેટલાક ઉત્તર આપી શકાય. હાલ પત્ર દ્વારા વધારે લખવાનું બની શકતું નથી.
ટપાલ વખત થવાથી આ પત્ર પૂરું કર્યું છે. શ્રી ડુંગરને પ્રણામ કહેશો. અને અમારા પ્રત્યે લૌકિક દૃષ્ટિ રાખી, આવવાના વિચારમાં કંઈ શિથિલતા કરશો નહીં, એટલી વિનંતિ કરશો.
આત્મા સૌથી અત્યંત પ્રત્યક્ષ છે, એવો પરમ પુરુષે કરેલો નિશ્ચય તે પણ અત્યંત પ્રત્યક્ષ છે. એ જ વિનંતી,
આજ્ઞાંકિત રાયચંદના પ્રણામ પ્રાપ્ત થાય.