________________
૪૬૦
http://www.ShrimadRajchandra.org
શ્રીમદ્ રાજચંદ્ર
સહજ પ્રશ્ન થશે, કે ચિત્ત અસ્થિરવત્ થઈ જવાનો હેતુ શો છે ? પરમાર્થમાં જે ચિત્ત વિશેષ એકાગ્રવત્ રહેતું તે ચિત્ત પરમાર્થમાં અસ્થિરવત્ થવાનું કારણ કંઈ પણ જોઈએ. જો પરમાર્થ સંશયનો હેતુ લાગ્યો હોય, તો તેમ બને, અથવા કોઈ તથાવિધ આત્મીય મંદ થવારૂપ તીવ્ર પ્રારબ્ધોદયના બળથી તેમ થાય. આ બે હેતુથી પરમાર્થવિચાર કરતાં, લખતાં કે કહેતાં ચિત્ત અસ્થિરવત્ વર્તે. તેમાં પ્રથમ કહ્યો તે હેતુ વર્તવાનો સંભવ નથી. માત્ર બીજો હેતુ કહ્યો તે સંભવે છે. આત્મવીય મંદ થવારૂપ તીવ્ર પારખ્યોદય હોવાથી તે હેતુ ટાળવાનો પુરુષાર્થ છતાં કાળક્ષેપ થયા કરે છે; અને તેવા ઉદય સુધી તે અસ્થિરતા ટળવી કઠણ છે; અને તેથી પરમાર્થસ્વરૂપ ચિત્ત વિના તે સંબંધી લખવું, કહેવું એ કલ્પિત જેવું લાગે છે, તોપણ કેટલાક પ્રસંગમાં વિશેષ સ્થિરતા રહે છે. વ્યવહાર સંબંધી કંઈ પણ લખતાં તે અસારભૂત અને સાક્ષાત્ ભ્રાંતિરૂપ લાગવાથી તે સંબંધી જે કંઈ લખવું કે કહેવું તે તુચ્છ છે, આત્માને વિકળતાનો હેતુ છે, અને જે કંઈ લખવું કહેવું છે તે ન કહ્યું હોય તોપણ ચાલી શકે એવું છે, માટે જ્યાં સુધી તેમ વર્તે ત્યાં સુધી તો જરૂર તેમ વર્તવું ઘટે છે; એમ જાણી ઘણી વ્યાવહારિક વાત લખવા, કરવા, કહેવાની ટેવ નીકળી ગઈ છે. માત્ર જે વ્યાપારાદિ વ્યવહારમાં તીવ્ર પ્રારબ્ધોદયે પ્રવૃત્તિ છે ત્યાં કંઈક પ્રવૃત્તિ થાય છે. જોકે તેનું પણ યથાર્થપણું જણાતું નથી.
શ્રી જિન વીતરાગે દ્રવ્ય-ભાવ સંયોગથી ફરી ફરી છૂટવાની ભલામણ કહી છે; અને તે સંયોગનો વિશ્વાસ પરમજ્ઞાનીને પણ કર્તવ્ય નથી; એવો નિશ્વળ માર્ગ કહ્યો છે, તે શ્રી જિન વીતરાગના ચરણકમળને વિષે અત્યંત નમ્ર પરિણામથી નમસ્કાર છે.
જે પ્રશ્ન આજના પત્રમાં બીડ્યાં છે તેનો સમાગમે ઉત્તર પૂછશો. દર્પણ, જળ, દીપક, સૂર્ય અને ચક્ષુના સ્વરૂપ પર વિચાર કરશો તો કેવળજ્ઞાનથી પદાર્થનું જે પ્રકાશકપણું થાય છે એમ જિને કહ્યું છે તે સમજવાને કંઈક સાધન થશે.
܀܀܀܀
૫૮૭
મુંબઈ, ચૈત્ર વદ ૧૨, રવિ, ૧૯૫૧
“કેવળજ્ઞાનથી પદાર્થ કેવા પ્રકારે દેખાય છે ?’ એ પ્રશ્નનો ઉત્તર વિશેષ કરી સમાગમમાં સમજવાથી સ્પષ્ટ સમજી શકાય તેવો છે, તોપણ સંક્ષેપમાં નીચે લખ્યો છે-
જેમ દીવો જ્યાં જ્યાં હોય છે, ત્યાં ત્યાં પ્રકાશકપણે હોય છે. તેમ જ્ઞાન જ્યાં જ્યાં હોય છે ત્યાં ત્યાં પ્રકાશકપણે હોય છે. દીવાનો સહજ સ્વભાવ જ જેમ પદાર્થપ્રકાશક હોય છે, તેમ જ્ઞાનનો સહજ સ્વભાવ પણ પદાર્થપ્રકાશક છે. દીવો દ્રવ્યપ્રકાશક છે, અને જ્ઞાન દ્રવ્ય, ભાવ બન્નેને પ્રકાશક છે. દીવાના પ્રગટવાથી તેના પ્રકાશની સીમામાં જે કોઈ પદાર્થ હોય છે તે સહજે દેખાઈ રહે છે; તેમ જ્ઞાનના વિદ્યમાનપણાથી પદાર્થનું સહેજે દેખાવું થાય છે. જેમાં યથાતથ્ય અને સંપૂર્ણ પદાર્થનું સહેજે દેખાઈ રહેવું થાય છે, તેને ‘કેવળજ્ઞાન’ કહ્યું છે. જોકે પરમાર્થથી એમ કહ્યું છે કે કેવળજ્ઞાન પણ અનુભવમાં તો માત્ર આત્માનુભવકર્તા છે, વ્યવહારનયથી લોકાલોક પ્રકાશક છે. આરસો, દીવો, સૂર્ય અને ચક્ષુ જેમ પદાર્થપ્રકાશક છે, તેમ જ્ઞાન પણ પદાર્થપ્રકાશક છે.
܀܀
૫૮૮
મુંબઈ, ચૈત્ર વદ ૧૨, રવિ, ૧૯૫૧
શ્રી જિન વીતરાગે દ્રવ્ય-ભાવ સંયોગથી ફરી ફરી છૂટવાની ભલામણ કહી છે, અને તે સંયોગનો વિશ્વાસ પરમજ્ઞાનીને પણ કર્તવ્ય નથી, એવો અખંડમાર્ગ કહ્યો છે, તે શ્રી જિન વીતરાગના ચરણકમળ પ્રત્યે અત્યંત ભક્તિથી નમસ્કાર.