________________
૪૬૪
http://www.ShrimadRajchandra.org
શ્રીમદ્ રાજચંદ્ર
સંપૂર્ણ આત્મસ્વરૂપ કોઈ પણ પુરુષને વિષે પ્રગટવું જોઈએ, એવો આત્માને વિષે નિશ્ચય પ્રતીતિભાવ આવે છે; અને તે કેવા પુરુષને વિષે પ્રગટવું જોઈએ, એમ વિચાર કરતાં જિન જેવા પુરુષને પ્રગટવું જોઈએ એમ સ્પષ્ટ લાગે છે. કોઈને પણ આ સૃષ્ટિમંડળને વિષે આત્મસ્વરૂપ સંપૂર્ણ પ્રગટવા યોગ્ય હોય તો શ્રી વર્ધમાનસ્વામીને વિષે પ્રથમ પ્રગટવા યોગ્ય લાગે છે, અથવા તે દશાના પુરુષોને વિષે સૌથી પ્રથમ સંપૂર્ણ આત્મસ્વરૂપ-
[અપૂર્ણ]
૫૯૮
મુંબઈ, વૈશાખ વદ ૧૦, રવિ, ૧૯૫૧
પરમ સ્નેહી શ્રી સૌભાગ પ્રત્યે નમસ્કારપૂર્વક - શ્રી સાયલા.
આજે પત્ર ૧ મળ્યું છે.
"અલ્પકાળમાં ઉપાધિ રહિત થવા ઇચ્છનારે આત્મપરિણતિને કયા વિચારમાં આણવી ઘટે છે કે જેથી તે ઉપાધિરહિત થઈ શકે ?' એ પ્રશ્ન અમે લખ્યું હતું. તેના ઉત્તરમાં તમે લખ્યું કે “જ્યાં સુધી રાગબંધન છે ત્યાં સુધી ઉપાધિરહિત થવાતું નથી, અને તે બંધન આત્મપરિણતિથી ઓછું પડી જાય તેવી પરિણતિ રહે તો અલ્પકાળમાં ઉપાધિરહિત થવાય.' એ પ્રમાણે ઉત્તર લખ્યો તે યથાર્થ છે. અહીં પ્રશ્નમાં વિશેષતા એટલી છે કે પરાણે ઉપાધિયોગ પ્રાપ્ત થતો હોય, તે પ્રત્યે રાગદ્વેષાદિ પરિણતિ ઓછી હોય, ઉપાધિ કરવા ચિત્તમાં વારંવાર ખેદ રહેતો હોય, અને તે ઉપાધિને ત્યાગ કરવામાં પરિણામ રહ્યાં કરતાં હોય, તેમ છતાં હૃદયબળથી ઉપાધિપ્રસંગ વર્તતો હોય તો તે શા ઉપાયે નિવૃત્ત કરી શકાય ?' એ પ્રશ્ન વિષે જે લક્ષ પહોંચે તે લખશો.
'ભાવાËપ્રકાશ' ગ્રંથ અમે વાંચ્યો છે, તેમાં સંપ્રદાયના વિવાદનું કંઈક સમાધાન થઈ શકે એવી રચના કરી છે, પણ તારતમ્ય વાસ્તવ જ્ઞાનવાનની રચના નથી. એમ મને લાગે છે.
શ્રી ડુંગરે ‘અખે પુરુષ એક વરખ હે' એ સવૈયો લખાવ્યો તે વાંચ્યો છે. શ્રી ડુંગરને એવા સરૈયાનો વિશેષ અનુભવ છે, તથાપિ એવા સવૈયામાં પણ ઘણું કરીને છાયા જેવો ઉપદેશ જોવામાં આવે છે, અને તેથી અમુક નિર્ણય કરી શકાય, અને કદી નિર્ણય કરી શકાય તો તે પૂર્વાપર અવિરોધ રહે છે, એમ ઘણું કરીને લક્ષમાં આવતું નથી. જીવના પુરુષાર્થધર્મને કેટલીક રીતે એવી વાણી બળવાન કરે છે, એટલો તે વાણીનો ઉપકાર કેટલાક જીવો પ્રત્યે થવો સંભવે છે.
શ્રી નવલચંદનાં હાલ બે પત્તાં અત્રે આવ્યાં હતાં, કંઈક ધર્મ પ્રકારને જાણવા વિષે હાલ તેમની ઇચ્છા થઈ છે, તથાપિ તે અભ્યાસવત્ અને દ્રવ્યાકાર જેવી હાલ સમજવી યોગ્ય છે. જો કોઈ પૂર્વના કારણયોગથી એ પ્રકાર પ્રત્યે તેમનો લક્ષ વધશે તો ભાવપરિણામે ધર્મવિચાર કરવાનું બની શકે એવો તેનો ક્ષયોપશમ છે.
તમારા આજના પત્રમાં છેવટે શ્રી ડુંગરે જે સાખી લખાવી છે, ‘વ્યવહારની ઝાળ પાંદડે પાંદડે પરજળી' એ પદ જેમાં પહેલું છે તે યથાર્થ છે. ઉપાધિથી ઉદાસ થયેલા ચિત્તને ધીરજનો હેતુ થાય એવી સાખી છે.
તમારું તથા શ્રી ડુંગરનું અત્રે આવવા વિષે વિશેષ ચિત્ત છે એમ લખ્યું તે વિશેષ કરી જાણ્યું. શ્રી ડુંગરનું ચિત્ત એવા પ્રકારમાં શિથિલ કેટલીક વાર થાય છે, તેમ આ પ્રસંગમાં કરવાનું કારણ દેખાતું નથી. કંઈક શ્રી ડુંગરને દ્રવ્ય બહાર)ર્થી માનદશા એવા પ્રસંગમાં આડી આવતી હોવી જોઈએ એમ અમને લાગે છે, પણ તે એવા વિચારવાનને રહે તે ઘટારત નથી; પછી બીજા સાધારણ જીવીને વિષે તેવા દોષની નિવૃત્તિ સત્સંગથી પણ કેમ થાય ?