________________
http://www.ShrimadRajchandra.org
વર્ષ ૨૮ મું
૫૯૪
893
મુંબઈ, વૈશાખ સુદ ૧૫, બુધ, ૧૯૫૧
સર્વ કરતાં જેમાં અધિક સ્નેહ રહ્યા કરે છે એવી આ કાયા તે રોગ, જરાદિથી સ્વાત્માને જ દુઃખરૂપ થઈ પડે છે; તો પછી તેથી દૂર એવાં ધનાદિથી જીવને તથારૂપ (યથાયોગ્ય) સુખવૃત્તિ થાય એમ માનતાં વિચારવાનની બુદ્ધિ જરૂર ક્ષોભ પામવી જોઈએ; અને કોઈ બીજા વિચારમાં જવી જોઈએ; એવો જ્ઞાનીપુરુષોએ નિર્ણય કર્યો છે, તે યથાયોગ્ય છે.
܀܀܀܀܀
૫૯૫
મુંબઈ, વૈશાખ વદ ૩, ગુરુ, ૧૯૫૧
વેદાંતાદિમાં આત્મસ્વરૂપની જે વિચારણા કહી છે, તે વિચારણા કરતાં શ્રી જિનાગમમાં જે આત્મસ્વરૂપની વિચારણા કહી છે, તેમાં ભેદ પડે છે. સર્વ વિચારણાનું ફળ આત્માનું સહજસ્વભાવે પરિણામ થવું એ જ છે, સંપૂર્ણ રાગદ્વેષના ક્ષય વિના સંપૂર્ણ આત્મજ્ઞાન પ્રગટે નહીં એવો નિશ્ચય જિને કહ્યો છે તે, વેદાંતાદિ કરતાં બળવાન પ્રમાણભૂત છે.
܀܀܀܀܀
૫૯૬
મુંબઈ, વૈશાખ વદ ૭, ગુરુ, ૧૯૫૧
સર્વ કરતાં વીતરાગનાં વચનને સંપૂર્ણ પ્રતીતિનું સ્થાન કહેવું ઘટે છે. કેમકે જ્યાં રાગાદિ દોષનો સંપૂર્ણ ક્ષય હોય ત્યાં સંપૂર્ણ જ્ઞાનસ્વભાવ પ્રગટવા યોગ્ય નિયમ ઘટે છે.
શ્રી જિનને સર્વ કરતાં ઉત્કૃષ્ટ વીતરાગતા સંભવે છે; પ્રત્યક્ષ તેમનાં વચનનું પ્રમાણ છે માટે, જે કોઈ પુરુષને જેટલે અંશે વીતરાગતા સંભવે છે, નેટલે અંશે તે પુરુષનું વાક્ય માન્યતાયોગ્ય છે. સાંખ્યાદિ દર્શને બંધમોક્ષની જે જે વ્યાખ્યા ઉપદેશી છે, તેથી બળવાન પ્રમાણસિદ્ધ વ્યાખ્યા શ્રી જિન વીતરાગે કહી છે, એમ જાણું છું,
૫૯૭
મુંબઈ, વૈશાખ વદ ૩, ગુરુ, ૧૯૫૧
અમારા ચિત્તને વિષે વારંવાર એમ આવે છે અને એમ પરિણામ સ્થિર રહ્યા કરે છે કે જેવો આત્મકલ્યાણનો નિર્ધાર શ્રી વર્ધમાન સ્વામીએ કે શ્રી ઋષભાદિએ કર્યો છે, તેવો નિર્ધાર બીજા સંપ્રદાયને વિષે નથી.
વેદાંતાદિ દર્શનનો લક્ષ આત્મજ્ઞાન ભણી અને સંપૂર્ણ મોક્ષ પ્રત્યે જતો જોવામાં આવે છે, પણ તેનો યથાયોગ્ય નિર્ધાર સંપૂર્ણપણે તેમાં જણાતો નથી, અંશે જણાય છે, અને કંઈ કંઈ તે પણ પર્યાયફેર દેખાય છે. જોકે વેદાંતને વિષે ઠામઠામ આત્મચર્યાં જ વિવેચી છે, તથાપિ તે ચર્ચા સ્પષ્ટપણે અવિરુદ્ધ છે, એમ હજા સુધી લાગી શકતું નથી. એમ પણ બને કે વખતે વિચારના કોઈ ઉદયભેદથી વેદાંતનો આશય બીજું સ્વરૂપે સમજવામાં આવતો હોય અને તેથી વિરોધ ભાસતો હોય, એવી આશંકા પણ ફરી ફરી ચિત્તમાં કરવામાં આવી છે, વિશેષ વિશેષ આત્મવીર્ય પરિણમાવીને તેને અવિરોધ જોવા માટે વિચાર કર્યા કરેલ છે, તથાપિ એમ જણાય છે કે વેદાંત જે પ્રકારે આત્મસ્વરૂપ કહે છે, તે પ્રકારે સર્વથા વેદાંત અવિરોધપણું પામી શકતું નથી. કેમકે તે કહે છે તે જ પ્રમાણે આત્મસ્વરૂપ નથી; કોઈ તેમાં મોટો ભેદ જોવામાં આવે છે; અને તે તે પ્રકારે સાંખ્યાદિ દર્શનોને વિષે પણ ભેદ જોવામાં આવે છે. એકમાત્ર શ્રી જિને કહ્યું છે તે આત્મસ્વરૂપ વિશેષ વિશેષ અવિરોધી જોવામાં આવે છે અને તે પ્રકારે વેદવામાં આવે છે; સંપૂર્ણપણે અવિરોધી જિનનું કહેલું આત્મસ્વરૂપ હોવા યોગ્ય છે, એમ ભાસે છે. સંપૂર્ણપણે અવિરોધી જ છે, એમ કહેવામાં નથી આવતું તેનો હેતુ માત્ર એટલો જ છે કે, સંપૂર્ણપણે આત્માવસ્થા પ્રગટી નથી. જેથી જે અવસ્થા અપ્રગટ છે, તે અવસ્થાનું અનુમાન વર્તમાનમાં કરીએ છીએ જેથી તે અનુમાન પર અત્યંત ભાર ન દેવા યોગ્ય ગણી વિશેષ વિશેષ અવિરોધી છે, એમ જણાવ્યું છે; સંપૂર્ણ અવિરોધી હોવા યોગ્ય છે, એમ લાગે છે.