________________
૪૬૨
http://www.ShrimadRajchandra.org
શ્રીમદ્ રાજચંદ્ર
હોય છે. સામાન્ય મુમુક્ષુ જીવ વૈરાગ્યના ઉદ્ભવને અર્થે વિષય આરાધવા જતાં તો ઘણું કરી બંધાવા સંભવ છે,
કેમકે જ્ઞાનીપુરુષ પણ તે પ્રસંગોને માંડ માંડ જીતી શક્યા છે, તો જેની માત્ર વિચારદશા છે, એવા પુરુષનો ભાર નથી કે તે વિષયને એવા પ્રકારે જીતી શકે.
܀܀܀܀܀
૫૯૨
મુંબઈ, વૈશાખ સુદ, ૧૯૫૧
આર્ય શ્રી સોભાગ પ્રત્યે, સાયલા,
કાગળ મળ્યો છે.
શ્રી અંબાલાલ પ્રત્યે સુધારસ સંબંધી વાતચીત કરવાનો અવસર તમને પ્રાપ્ત થાય તો કરશો.
જે દેહ પૂર યુવાવસ્થામાં અને સંપૂર્ણ આરોગ્યતામાં દેખાતાં છતાં પણ ક્ષણભંગુર છે, તે દેહમાં પ્રીતિ કરીને શું કરીએ ?
જગતના સર્વ પદાર્થ કરતાં જે પ્રત્યે સર્વોત્કૃષ્ટ પ્રીતિ છે, એવો આ દેહ છે તે પણ દુઃખનો હેતુ છે, તો બીજા પદાર્થમાં સુખના હેતુની શું કલ્પના કરવી ?
જે પુરુષોએ વસ્ત્ર જેમ શરીરથી જાદું છે, એમ આત્માથી શરીર જાદું છે એમ દીઠું છે, તે પુરુષો ધન્ય છે. બીજાની વસ્તુ પોતાથી ગ્રહણ થઈ હોય, તે જ્યારે એમ જણાય કે બીજાની છે, ત્યારે તે આપી દેવાનું જ કાર્ય મહાત્મા પુરુષો કરે છે.
દુષમકાળ છે એમાં સંશય નથી.
તથારૂપ પરમજ્ઞાની આપ્તપુરુષનો પ્રાયે વિરહ છે.
વિરલા જીવો સમ્ય દૃષ્ટિપણું પામે એવી કાળસ્થિતિ થઈ ગઈ છે; જ્યાં સહજસિદ્ધ આત્મચારિત્રદશા વર્તે છે એવું કેવળજ્ઞાન પામવું કઠણ છે, એમાં સંશય નથી.
પ્રવૃત્તિ વિરામ પામતી નથી; વિરક્તપણું ઘણું વર્તે છે.
વનને વિષે અથવા એકાંતને વિષે સહજસ્વરૂપને અનુભવતો એવો આત્મા નિર્વિષય કેવળ પ્રવર્તે એમ કરવામાં સર્વ ઇચ્છા રોકાણી છે.
૫૯૩
મુંબઈ, વૈશાખ સુદ ૧૫, બુધ, ૧૯૫૧
આત્મા અત્યંત સહજ સ્વસ્થતા પામે એ જ સર્વ જ્ઞાનનો સાર શ્રી સર્વજ્ઞે કહ્યો છે.
૨૬ સ્વ
અનાદિકાળથી જીવે અસ્વસ્થતા નિરંતર આરાધી છે, જેથી સ્વસ્થતા પ્રત્યે આવવું તેને દુર્ગમ પડે છે. શ્રી જિને એમ કહ્યું છે, કે યથાપ્રવૃત્તિકરણ સુધી જીવ અનંતી વાર આવ્યો છે, પણ જે સમયે ગ્રંથિભેદ થવા સુધી આવવાનું થાય છે ત્યારે ક્ષોભ પામી પાછો સંસારપરિણામી થયા કર્યો છે. ગ્રંથિભેદ થવામાં જે વીર્યગતિ જોઈએ તે થવાને અર્થે જીવે નિત્યપ્રત્યે સત્સમાગમ, સદ્વિચાર અને સગ્રંથનો પરિચય નિરંતરપણે કરવો શ્રેયભૂત છે,
આ દેહનું આયુષ્ય પ્રત્યક્ષ ઉપાધિયોગે વ્યતીત થયું જાય છે. એ માટે અત્યંત શોક થાય છે, અને તેનો અલ્પકાળમાં જો ઉપાય ન કર્યો તો અમ જેવા અવિચારી પણ થોડા સમજવા.
જે જ્ઞાનથી કામ નાશ પામે તે જ્ઞાનને અત્યંત ભક્તિએ નમસ્કાર હો.
હ સ્વ૰ યથાયોગ્ય
܀܀܀܀܀