________________
http://www.ShrimadRajchandra.org
વર્ષ ૨૮ મું
૪૫૯
સત્સંગ નૈષ્ઠિક શ્રી સોભાગ તથા શ્રી ડુંગર પ્રત્યે નમસ્કારપૂર્વક,
સહજ દ્રવ્ય અત્યંત પ્રકાશિત થયે એટલે સર્વ કર્મનો ક્ષય થયે જ અસંગતા કહી છે અને સુખસ્વરૂપતા કહી છે. જ્ઞાની પુરુષોનાં તે વચન અત્યંત સાચાં છે; કેમકે સત્સંગથી પ્રત્યક્ષ, અત્યંત પ્રગટ તે વચનોનો અનુભવ થાય છે. નિર્વિકલ્પ ઉપયોગનો લક્ષ સ્થિરતાનો પરિચય કર્યાથી થાય છે. સુધારસ, સત્યમાગમ, સત્શાસ્ત્ર, સદ્વિચાર અને વૈરાગ્ય-ઉપશમ એ સૌ તે સ્થિરતાના હેતુ છે.
܀܀
૫૮૬
મુંબઈ, ચૈત્ર વદ ૧૨, રવિ, ૧૯૫૧
વધારે વિચારનું સાધન થવા આ પત્ર લખ્યું છે.
પૂર્ણજ્ઞાની શ્રી ઋષભદેવાદિ પુરુષોએ પણ પ્રારબ્ધોદય ભોગવ્યે ક્ષય થયો છે; તો અમ જેવાને તે પ્રારબ્ધોદય ભોગવવો જ પડે એમાં કંઈ સંશય નથી. માત્ર ખેદ એટલો થાય છે કે, અમને આવા પ્રારબ્ધોદયમાં શ્રી ઋષભદેવાદિ જેવી અવિષમતા રહે એટલું બળ નથી; અને તેથી પ્રારબ્ધોદય છતાં વારંવાર તેથી અપરિપક્વ કાળે છૂટવાની કામના થઈ આવે છે, કે જો આ વિષમ પ્રારબ્ધોદયમાં કંઈ પણ ઉપયોગની યથાતથ્યતા ન રહી તો ફરી આત્મસ્થિરતા થતાં વળી અવસર ગવેષવો જોઈશે; અને પશ્ચાત્તાપપૂર્વક દેહ છૂટશે; એવી ચિંતા ઘણી વાર થઈ આવે છે.
આ પ્રારબ્ધોદય મટી નિવૃત્તિકર્મ વેદવારૂપ પ્રારબ્ધનો ઉદય થવા આશય રહ્યા કરે છે, પણ તે તરતમાં એટલે એકથી દોઢ વર્ષમાં થાય એમ તો દેખાતું નથી; અને પળ પળ જવી કઠણ પડે છે. એકથી દોઢ વર્ષ પછી પ્રવૃત્તિકર્મ વેદવારૂપ ઉદય કેવળ પરિક્ષીણ થશે, એમ પણ લાગતું નથી; કંઈક ઉદય વિશેષ મોળો પડશે એમ લાગે છે.
આત્માની કેટલીક અસ્થિરતા રહે છે. ગયા વર્ષનો મોતી સંબંધી વ્યાપાર લગભગ પતવા આવ્યો છે. આ વર્ષનો મોતી સંબંધી વ્યાપાર ગયા વર્ષ કરતાં લગભગ બમણો થયો છે. ગયા વર્ષ જેવું તેમાં પરિણામ આવવું કઠણ છે. થોડા દિવસ કરતાં હાલ ઠીક છે; અને આ વર્ષે પણ તેનું ગયા વર્ષ જેવું નહીં તોપણ કંઈક ઠીક પરિણામ આવશે એમ સંભવ રહે છે; પણ ઘણો વખત તેના વિચારમાં વ્યતીત થવા જેવું થાય છે; અને તે માટે શોચ થાય છે, કે આ એક પરિગ્રહની કામનાના બળવાન પ્રવર્તન જેવું થાય છે; તે શમાવવું ઘટે છે; અને કંઈક કરવું પડે એવાં કારણો રહે છે. હવે જેમ તેમ કરી તે પ્રારબ્ધોદય તરત ક્ષય થાય તો સારું એમ મનમાં ઘણી વાર રહ્યા કરે છે.
અત્રે જે આડત તથા મોતી સંબંધી વેપાર છે, તેમાંથી મારાથી છૂટવાનું બને અથવા તેનો ઘણો પ્રસંગ ઓછો થવાનું થાય તેવો કોઈ રસ્તો ધ્યાનમાં આવે તો લખશો; ગમે તો આ વિષે સમાગમમાં વિશેષતાથી જણાવી શકાય તો જણાવશો. આ વાત લક્ષમાં રાખશો.
ત્રણ વર્ષની લગભગથી એવું વર્તાયા કરે છે, કે પરમાર્થ સંબંધી કે વ્યવહાર સંબંધી કંઈ પણ લખતાં કંટાળો આવી જાય છે; અને લખતાં લખતાં કલ્પિત જેવું લાગવાથી વારંવાર અપૂર્ણ છોડી દેવાનું થાય છે. પરમાર્થમાં ચિત્ત જે વખતે એકાગ્રવત્ હોય ત્યારે જો પરમાર્થ સંબંધી લખવાનું અથવા કહેવાનું બને તો તે યથાર્થ કહેવાય, પણ ચિત્ત અસ્થિરવત્ હોય, અને પરમાર્થસંબંધી લખવાનું કે કહેવાનું કરવામાં આવે તો તે ઉદીરણા જેવું થાય, તેમ જ અંતવૃત્તિનો યથાતથ્ય તેમાં ઉપયોગ નહીં હોવાથી તે આત્મબુદ્ધિથી લખ્યું કે કહ્યું નહીં હોવાથી કલ્પિતરૂપ કહેવાય; જેથી તથા તેવાં બીજાં કારણોથી પરમાર્થ સંબંધી લખવાનું તથા કહેવાનું ઘણું ઓછું થઈ ગયું છે. આ સ્થળે