________________
http://www.ShrimadRajchandra.org
વર્ષ ૨૫ મું
૩૩૮
અત્યંત પરિણામમાં ઉદાસીનતા પરિણમ્યા કરે છે.
૩૨૧
મુંબઈ, ફાગણ સુદ ૧૩, શુક્ર, ૧૯૪૮
જેમ જેમ તેમ થાય છે, તેમ તેમ પ્રવૃત્તિ-પ્રસંગ પણ વધ્યા કરે છે. જે પ્રવૃત્તિનો પ્રસંગ પ્રાપ્ત થશે, એમ નહીં ધારેલું તે પણ પ્રાપ્ત થયા કરે છે; અને એથી એમ માનીએ છીએ કે ઉતાવળે પૂર્વે નિબંધન કરેલાં એવાં કર્મો નિવૃત્ત થવાને માટે ઉદયમાં આવે છે.
૩૩૯
મુંબઈ, ફાગણ સુદ ૧૪, ૧૯૪૮
કોઈનો દોષ નથી, અમે કર્મ બાંધ્યાં માટે અમારો દોષ છે.
જ્યોતિષની આમ્નાય સંબંધી કેટલીક વિગત લખી તે વાંચી છે. ઘણો ભાગ તેનો જાણવામાં છે. તથાપિ
ચિત્ત તેમાં જરાય પ્રવેશ કરી શકતું નથી, અને તે વિષેનું વાંચવું, સાંભળવું કદાપિ ચમત્કારિક હોય, તોપણ બોજારૂપ લાગે છે. થોડી પણ તેમાં રુચિ રહી નથી.
અમને તો માત્ર અપૂર્વ એવા સના જ્ઞાન વિષે જ રુચિ રહે છે. બીજું જે કંઈ કરવામાં આવે છે, કે અનુસરવામાં આવે છે, તે બધું આસપાસનાં બંધનને લઈને કરવામાં આવે છે.
હાલ જે કંઈ વ્યવહાર કરીએ છીએ, તેમાં દેહ અને મનને બાહ્ય ઉપયોગ વર્તાવવો પડે છે. આત્મા તેમાં વર્તતો નથી. ક્વચિત્ પૂર્વકર્માનુસાર વર્તાવું પડે છે તેથી અત્યંત આકુળતા આવી જાય છે. જે કંઈ પૂર્વે નિબંધન કરવામાં આવ્યાં છે, તે કર્મો નિવૃત્ત થવા અર્થે સેવીએ છીએ.
હાલ જે કરીએ છીએ તે વેપાર વિષે મને વિચાર આવ્યા કરેલ, અને ત્યાર પછી અનુક્રમે તે કામની શરૂઆત થઈ ત્યારથી તે અત્યાર સુધીમાં કામની દિન પ્રતિદિન કંઈ વૃદ્ધિ થયા કરી છે.
અમે આ કામ પ્રેરેલું માટે તે સંબંધી .... બને તેટલું મજૂરી જેવું કામ પણ કર્યાનું રાખ્યું છે. કામની હવે ઘણી હદ વધી ગયેલી હોવાથી નિવૃત્ત થવાની અત્યંત બુદ્ધિ થઈ જાય છે. પણ ... ને દોષબુદ્ધિ આવી જવાનો સંભવ; તે અનંત સંસારનું કારણ ને થાય એમ જાણી જેમ બને તેમ ચિત્તનું સમાધાન કરી તે મજૂરી જેવું કામ પણ કર્યા જવું એમ હાલ તો ધાર્યું છે.
આ કામની પ્રવૃત્તિ કરતી વખતે જેટલી અમારી ઉદાસીન દશા હતી તેથી આજ વિશેષ છે, અને તેથી અમે ઘણું કરીને તેમની વૃત્તિને ન અનુસરી શકીએ એવું છે; તથાપિ જેટલું બન્યું છે તેટલું અનુસરણ તો જેમ તેમ ચિત્ત સમાધાન કરી રાખ્યા કર્યું છે.
કોઈ પણ જીવ પરમાર્થને ઇચ્છે અને વ્યાવહારિક સંગમાં પ્રીતિ રાખે, ને પરમાર્થ પ્રાપ્ત થાય એમ તો કોઈ કાળે બને જ નહીં. આ કામની નિવૃત્તિ પૂર્વકર્મ જોતાં તો હાલ થાય તેવું દેખાતું નથી.
આ કામ પછી ‘ત્યાગ' એવું અમે તો જ્ઞાનમાં જોયું હતું; અને હાલ આવું સ્વરૂપ દેખાય છે, એટલી આશ્ચર્યવાર્તા છે. અમારી વૃત્તિને પરમાર્થ આડે અવકાશ નથી, તેમ છતાં ઘણો ખરો કાળ આ કામમાં ગાળીએ છીએ; અને તેનું કારણ માત્ર તેમને દોષબુદ્ધિ ન આવે એટલું જ છે; તથાપિ અમારી વર્તના જ એવી છે, કે જીવ તેનો જો ખ્યાલ ન કરી શકે તો તેટલું કામ કરતાં છતાં પણ દોષબુદ્ધિ જ રહ્યા કરે.
܀܀܀܀
૩૪૦
મુંબઈ. ફાગણ સુદ ૧૫, દિવ, ૧૯૪૮
જેમાં ચાર પ્રશ્ન લખવામાં આવ્યાં છે તે, તથા સ્વાભાવિક ભાવ વિષે જિનનો જે ઉપદેશ છે તે વિષે લખ્યું
છે, તે પત્ર ગઈ કાલે પ્રાપ્ત થયું છે.