________________
http://www.ShrimadRajchandra.org
વર્ષ ૨૦ મું
૩૭૫
સત્સંગના ઇચ્છાવાન જીવોની પ્રત્યે કંઈ પણ ઉપકારક સંભાળ થતી હોય તો તે થવા યોગ્ય છે. પણ અવ્યવસ્થાને લીધે અમે તે કારણોમાં અશક્ત થઈ વર્તીએ છીએ, તે અંતઃકરણથી કહીએ છીએ કે ક્ષમા યોગ્ય છે. એ જ વિનંતી.
܀܀܀܀܀
૪૫૨
મુંબઈ, પ્રથમ અસાડ સુદ ૧૨, ૧૯૪૯
ઉપાધિના કારણથી હાલ અત્રે સ્થિતિ સંભવે છે.
અત્રે સુખવૃત્તિ છે. દુઃખ કલ્પિત છે.
લિત રાયચંદના પહ
૪૫૩
મુંબઈ, પ્રથમ અસાડ વદ ૩, રવિ, ૧૯૪૯
મુમુક્ષુજનના પરમબંધવ, પરમસ્નેહી શ્રી સૌભાગ્ય, મોરબી.
અત્રે સમાધિનો યથાયોગ્ય અવકાશ નથી. હાલ કોઈ પૂર્વોપાર્જિત પ્રારબ્ધ એવા હૃદયમાં વર્તે છે.
ગઈ સાલના માર્ગશીર્ષ માસમાં અત્રે આવવું થયું, ત્યારથી ઉત્તરોત્તર ઉપાધિજોગ વિશેષાકાર થતો આવ્યો છે, અને ઘણું કરી તે ઉપાધિયોગ વિશેષ પ્રકારે કરી ઉપયોગથી વેદવો પડ્યો છે.
આ કાળ સ્વભાવે કરી તીર્થંકરાદિકે દુષમ કહ્યો છે. તેમાં વિશેષ કરી પ્રયોગે અનાર્યપણાયોગ્ય થયેલાં એવાં, આવાં ક્ષેત્રો વિષે તે કાળ બળવાનપણે વર્તે છે. લોકોની આત્મપ્રત્યયયોગ્ય બુદ્ધિ અત્યંત હણાઈ જવા યોગ્ય થઈ છે, એવા સર્વ પ્રકારના દુષમયોગને વિષે વ્યવહાર કરતાં પરમાર્થનું વીસરવું અત્યંત સુલભ છે. અને પરમાર્થનું અવીસરવું અત્યંત અત્યંત દુર્લભ છે. આનંદઘનજીએ ચૌદમા જિનના સ્તવનને વિષે કહ્યું છે, તેમાં આવા ક્ષેત્રનું દુષમપણું એટલી વિશેષતા છે; અને આનંદઘનજીના કાળ કરતાં વર્તમાનકાળ વિશેષ દુષમપરિણામી વર્તે છે; તેમાં જો કોઈ આત્મપ્રત્યયી પુરુષને બચવા યોગ્ય ઉપાય હોય તો તે એકમાત્ર નિરંતર અવિચ્છિન્ન ધારાએ સત્સંગનું ઉપાસવું એ જ જણાય છે.
પ્રાયે સર્વ કામના પ્રત્યે ઉદાસીનપણું છે, એવા અમને પણ આ સર્વ વ્યવહાર અને કાળાદિ ગળકાં ખાતાં ખાતાં સંસારસમુદ્ર માંડ તરવા દે છે, તથાપિ સમયે સમયે તે પરિશ્રમનો અત્યંત પ્રસ્વેદ ઉત્પન્ન થયા કરે છે; અને ઉત્તાપ ઉત્પન્ન થઈ સત્સંગરૂપ જળની તૃષા અત્યંતપણે રહ્યા કરે છે; અને એ જ દુઃખ લાગ્યા કરે છે.
એમ છતાં પણ આવો વ્યવહાર ભજતાં દ્વેષપરિણામ તે પ્રત્યે કરવા યોગ્ય નથી; એવો જે સર્વ જ્ઞાનીપુરુષોનો અભિપ્રાય તે, તે વ્યવહાર પ્રાયે સમતાપણે કરાવે છે. આત્મા તેને વિષે જાણે કંઈ કરતો નથી, એમ લાગ્યા કરે છે.
આ જે ઉપાધિ ઉદયવર્તી છે, તે સર્વ પ્રકારે કષ્ટરૂપ છે, એમ પણ વિચારતાં લાગતું નથી. પૂર્વોપાર્જિત પ્રારબ્ધ જે વડે શાંત થાય છે, તે ઉપાધિ પરિણામે આત્મપ્રત્યયી કહેવા યોગ્ય છે.
મનમાં એમ ને એમ રહ્યા કરે છે કે અલ્પ કાળમાં આ ઉપાધિયોગ મટી બાહ્યામાંંતર નિગૂંથતા પ્રાપ્ત થાય તો વધારે યોગ્ય છે, તથાપિ તે વાત અલ્પ કાળમાં બને એવું સૂઝતું નથી, અને જ્યાં સુધી તેમ ન થાય ત્યાં સુધી તે ચિંતના મટવી સંભવી નથી.
બીજો બધો વ્યવહાર વર્તમાનમાં જ મૂકી દીધો હોય તો તે બને એવું છે. બે ત્રણ ઉદય વ્યવહાર એવા છે કે જે ભોગવ્યે જ નિવૃત્તિ થાય એવા છે; અને કષ્ટે પણ તે વિશેષકાળની સ્થિતિમાંથી અલ્પકાળમાં વેદી શકાય નહીં એવા છે; અને તે કારણે કરી મૂર્ખની પેઠે આ વ્યવહાર ભજ્યા કરીએ છીએ.