________________
http://www.ShrimadRajchandra.org
વર્ષ ૨૬ મું
૩૭૯
શરીર હોય તેવા સમયમાં જીવે જો તેનાથી પોતાનું જુદાપણું જાણી, તેનું અનિત્યાદિ સ્વરૂપ જાણી, તે પ્રત્યેથી મોહ- મમત્વાદિ ત્યાગ્યાં હોય, તો તે મોટું શ્રેય છે; તથાપિ તેમ ન બન્યું હોય તો કંઈ પણ વ્યાધિ ઉત્પન્ન થયે તેવી ભાવના ભાવતાં જીવને નિશ્ચળ એવું ઘણું કરી કર્મબંધન થતું નથી; અને મહાવ્યાધિના ઉત્પત્તિકાળે તો દેહનું મમત્વ જીવે જરૂર ત્યાગી જ્ઞાનીપુરુષના માર્ગની વિચારણાએ વર્તવું. એ રૂડો ઉપાય છે. જોકે દેહનું તેવું મમત્વ ત્યાગવું કે ઓછું કરવું એ મહા દુષ્કર વાત છે, તથાપિ જેનો તેમ કરવા નિશ્ચય છે, તે વહેલે મોઢે ફળીભૂત થાય છે,
જ્યાં સુધી દેહાદિકથી કરી જીવને આત્મકલ્યાણનું સાધન કરવું રહ્યું છે, ત્યાં સુધી તે દેહને વિષે અપારિણામિક એવી મમતા ભજવી યોગ્ય છે. એટલે કે આ દેહના કોઈ ઉપચાર કરવા પડે તો તે ઉપચાર દેહના મમત્વાર્થે કરવાની ઇચ્છાએ નહીં, પણ તે દેહે કરી જ્ઞાનીપુરુષના માર્ગનું આરાધન થઈ શકે છે, એવો કોઈ પ્રકારે તેમાં રહેલો લાભ, તે લાભને અર્થે, અને તેવી જ બુદ્ધિએ તે દેહની વ્યાધિના ઉપચારે પ્રવર્તવામાં બાધ નથી. જે કંઈ તે મમતા છે તે અપારિણામિક મમતા છે, એટલે પરિણામે સમતા સ્વરૂપ છે; પણ તે દેહની પ્રિયતાર્થે, સાંસારિક સાધનમાં પ્રધાન ભોગનો એ હેતુ છે, તે ત્યાગવો પડે છે, એવા આર્તધ્યાને કોઈ પ્રકારે પણ તે દેહમાં બુદ્ધિ ન કરવી એવી જ્ઞાનીપુરુષોના માર્ગની શિક્ષા જાણી આત્મકલ્યાણનો તેવા પ્રસંગે લક્ષ રાખવો યોગ્ય છે.
સર્વ પ્રકારે જ્ઞાનીના શરણમાં બુદ્ધિ રાખી નિર્ભયપણાને, નિઃભેદપણાને ભજવાની શિક્ષા શ્રી તીર્થંકર જેવાએ કહી છે, અને અમે પણ એ જ કહીએ છીએ. કોઈ પણ કારણે આ સંસારમાં ક્લેશિત થવા યોગ્ય નથી, અવિચાર અને અજ્ઞાન એ સર્વ ક્લેશનું, મોહનું, અને માઠી ગતિનું કારણ છે. સદ્વિચાર, અને આત્મજ્ઞાન તે આત્મગતિનું કારણ છે.
તેનો પ્રથમ સાક્ષાત્ ઉપાય જ્ઞાનીપુરુષની આજ્ઞાને વિચારવી એ જ જણાય છે.
܀܀܀܀܀
૪૬૧
પ્રણામ પહોંચે.
મુંબઈ, શ્રાવણ સુદ ૪, મંગળ, ૧૯૪૯
પરમસ્નેહી શ્રી સુભાગ્ય,
આપને પ્રતાપે અત્રે કુશળતા છે. આ તરફ દંગો ઉત્પન્ન થવા વિષેની વાત સાચી છે. હરિ-ઇચ્છાથી અને આપની કૃપાથી અને કુશળક્ષેમ છે.
શ્રી ગોસળિયાને અમારા પ્રણામ કહેશો. ઈશ્વર-ઈચ્છા હશે તો શ્રાવણ વદ ૧ ની લગભગ અત્રેથી થોડા દિવસ માટે બહાર નીકળવાનો વિચાર આવે છે. કયે ગામ, અથવા કઈ તરફ જવું તે હજુ કંઈ સૂઝયું નથી. કાઠિયાવાડમાં આવવાનું સૂઝે એમ ભાસતું નથી.
આપને એક વાર તે માટે અવકાશનું પુછાવ્યું હતું, તેનો યથાયોગ્ય ઉત્તર આવ્યો નથી. ગોસળિયા બહાર નીકળવાની ઓછી બીક રાખતા હોય અને આપને નિરુપાધિ જેવો અવકાશ હોય, તો પાંચ પંદર દિવસ કોઈ ક્ષેત્રે નિવૃત્તિવાસનો વિચાર થાય છે, તે ઈશ્વરેચ્છાથી કરીએ.
કોઈ જીવ સામાન્ય મુમુક્ષુ થાય છે, તેને પણ આ સંસારના પ્રસંગમાં પ્રવર્તવા પ્રત્યયીનું વીર્ય મંદ પડી જાય છે, તો અમને તે પ્રત્યયી ઘણી મંદતા વર્ષે તેમાં આશ્ચર્ય લાગતું નથી; તથાપિ કોઈ પૂર્વે પ્રારબ્ધ ઉપાર્જન થવાનો એવો જ પ્રકાર હશે કે જેથી તે પ્રસંગમાં પ્રવર્તવાનું રહ્યા કરે. પણ તે કેવું રહ્યા કરે ? કે જે ખાસ સંસારસુખની ઈચ્છાવાળા હોય તેને પણ તેવું કરવું ન પોષાય, એવું રહ્યા કરે છે. જોકે એ વાતનો ખેદ યોગ્ય નથી, અને ઉદાસીનતા જ ભજીએ છીએ, તથાપિ તે કારણે એક બીજો ભેદ ઉત્પન્ન થાય છે, તે એ કે સત્સંગ, નિવૃત્તિનું અપ્રધાનપણું રહ્યા