________________
http://www.ShrimadRajchandra.org
વર્ષ ૨૭ મું
૩૯૭
સમીપવર્તી હોય, તોપણ કાર્યસિદ્ધિ મંત્રાદિથી થઈ ગણાય; પણ એ વાતમાં કંઈ સહેજ પણ ચિત્ત થવાનું કારણ નથી; નિષ્ફળ વાર્તા છે. આત્માના કલ્યાણ સંબંધનો એમાં કોઈ મુખ્ય પ્રસંગ નથી. મુખ્ય પ્રસંગ, વિસ્મૃતિનો હેતુ એવી કથા થાય છે. માટે તે પ્રકારના વિચારનો કે શોધનો નિર્ધાર લેવાની ઇચ્છા કરવા કરતાં ત્યાગી દેવી સારી છે; અને તે ત્યાગ્યે સહેજે નિર્ધાર થાય છે.
આત્મામાં વિશેષ આકુળતા ન થાય તેમ રાખશો. જે થવા યોગ્ય હશે તે થઈ રહેશે. અને આકુળતા કરતાં પણ જે થવા યોગ્ય હશે તે થશે. તેની સાથે આત્મા પણ અપરાધી થશે.
૪૯૫
મુંબઈ, ચૈત્ર વદ ૧૧, ભોમ, ૧૯૫૦
શ્રી ત્રિભોવન,
જે કારણ વિષે લખ્યું હતું, તે કારણના વિચારમાં હજુ ચિત્ત છે; અને તે વિચાર હજુ સુધી ચિત્તસમાધાનરૂપ એટલે પૂરો થઈ શક્યો ન હોવાથી તમને પત્ર લખવાનું થયું નથી. વળી કોઈ પ્રમાદદોષ' જેવો કંઈ પ્રસંગદોષ વર્તે છે, કે જેને લીધે કંઈ પણ પરમાર્થવાત લખવા સંબંધમાં ચિત્ત મુઝાઈ, લખતાં સાવ અટકવું થાય છે. તેમ જ જે કાર્યપ્રવૃત્તિ છે, તે કાર્યપ્રવૃત્તિમાં અને અપરમાર્થ-પ્રસંગમાં ઉદાસીનબળ યથાયોગ્ય જાણે મારાથી થતું નથી, એમ લાગી આવી પોતાના દોષવિચારમાં પડી જઈ પત્ર લખવું અટકી જાય છે, અને ઘણું કરી ઉપર જે વિચારનું સમાધાન થયું નથી, એમ લખ્યું છે તે તે જ કારણ છે.
જો કોઈ પણ પ્રકારે બને તો આ ત્રાસરૂપ સંસારમાં વધતો વ્યવસાય ન કરવો; સત્સંગ કરવો યોગ્ય છે.
મને એમ લાગે છે કે જીવને મૂળપણે જોતાં જો મુમુક્ષુતા આવી હોય તો નિત્ય પ્રત્યે તેનું સંસારબળ ઘટ્યા કરે. સંસારમાં ધનાદિ સંપત્તિ ઘટે કે નહીં તે અનિયત છે, પણ સંસાર પ્રત્યે જે જીવની ભાવના તે મોળી પડ્યા કરે; અનુક્રમે નાશ પામવા યોગ્ય થાય; આ કાળમાં એ વાત ઘણું કરી જોવામાં આવતી નથી. કોઈ જાદા સ્વરૂપમાં મુમુક્ષુ, અને જાદા સ્વરૂપમાં મુનિ વગેરે જોઈ વિચાર થાય છે કે આવા સંગે કરી જીવની ઊર્ધ્વદશા થવી ઘટે નહીં: પણ અધોદશા થવી ઘટે. વળી સત્સંગનો કંઈ પ્રસંગ થયો છે એવા જીવની વ્યવસ્થા પણ કાળદોષથી પલટતાં વાર નથી લાગતી. એવું પ્રગટ જોઈને ચિત્તમાં ખેદ થાય છે; અને મારા ચિત્તની વ્યવસ્થા જોતાં મને પણ એમ થાય છે કે મને કોઈ પણ પ્રકારે આ વ્યવસાય ઘટતો નથી, અવશ્ય ઘટતો નથી. જરૂર - અત્યંત જરૂર - આ જીવનો કોઈ પ્રમાદ છે; નહીં તો પ્રગટ જાણ્યું છે એવું જે ઝેર તે પીવાને વિષે જીવની પ્રવૃત્તિ કેમ હોય ? અથવા એમ નહીં તો ઉદાસીનપ્રવૃત્તિ હોય, તોપણ તે પ્રવૃત્તિયે હવે તો કોઈ પ્રકારે પણ પરિસમાપ્તપણું ભજે એમ થવા યોગ્ય છે, નહીં તો જરૂર જીવનો કોઈ પણ પ્રકારે દોષ છે.
વધારે લખવાનું થઈ શકતું નથી, એટલે ચિત્તમાં ખેદ થાય છે. નહીં તો પ્રગટપણે કોઈ મુમુક્ષુને આ જીવના દોષ પણ જેટલા બને તેટલા પ્રકારે વિદિત કરી જીવનો તેટલો તો ખેદ ટાળવો. અને તે વિદિત દોષની પરિસમાપ્તિ માટે તેનો સંગરૂપ ઉપકાર ઇચ્છવો.
વારંવાર મને મારા દોષ માટે એમ લાગે છે કે જે દોષનું બળ પરમાર્થથી જોતાં મેં કહ્યું છે, પણ બીજા આધુનિક જીવોના દોષ આગળ મારા દોષનું અત્યંત અલ્પપણું લાગે છે; જોકે એમ માનવાની કંઈ બુદ્ધિ નથી; તથાપિ સ્વભાવે એમ કંઈ લાગે છે; છતાં કોઈ વિશેષ અપરાધીની પેઠે જ્યાં સુધી અમે આ વ્યવહાર કરીએ છીએ ત્યાં સુધી અમારા આત્મામાં લાગ્યા કરીશું. તમને અને તમારા સંગમાં વર્તતા કોઈ પણ મુમુક્ષુને કંઈ પણ વિચારવાજોગ જરૂર આ વાત લાગે છે.
܀܀܀܀܀