________________
http://www.ShrimadRajchandra.org
વર્ષ ૨૮ મું મું
૫૩૩
મુંબઈ, કાર્તિક સુદ ૧, ૧૯૫૧
મતિજ્ઞાનાદિનાં પ્રશ્નો વિષે સમાધાન પત્ર દ્વારાએ થવું કઠણ છે. કેમકે તેને વિશેષ વાંચવાની કે ઉત્તર લખવાની પ્રવૃત્તિ હમણાં થઈ શકતી નથી.
મહાત્માના ચિત્તનું સ્થિરપણું પણ રહેવું જેમાં કઠણ છે એવા દુષમ કાળમાં તમ સૌ પ્રત્યે અનુકંપા ઘટે છે એમ વિચારી લોકના આવેશે પ્રવૃત્તિ કરતાં તમે પ્રશ્નાદિ લખવારૂપ ચિત્તમાં અવકાશ આપ્યો એ મારા મનને સંતોષ થયો છે.
૫૩૪
નિષ્કપટ દાસાનુદાસભાવે
મુંબઈ, કાર્તિક સુદ ૩, બુધ, ૧૯૫૧
શ્રી સત્પુરુષને નમસ્કાર
શ્રી સૂર્યપુરસ્થિત, વૈરાગ્યચિત્ત, સત્સંગયોગ્ય શ્રી લલ્લુજી પ્રત્યે,
શ્રી મોહમયી ભૂમિથી જીવન્મુક્તદશાઇચ્છક શ્રી.......ના આત્મસ્મૃતિપૂર્વક યથાયોગ્ય પ્રાપ્ત થાય. વિશેષ વિનંતિ કે તમારા લખેલા ત્રણ પત્રો થોડા થોડા દિવસને અંતરે પહોંચ્યાં છે.
આ જીવ અત્યંત માયાના આવરણે દિશામૂઢ થયો છે, અને તે યોગે કરી તેની પરમાર્થદૃષ્ટિ ઉદય પ્રકાશતી નથી. અપરમાર્થને વિષે પરમાર્થનો દેઢાગ્રહ થયો છે; અને તેથી બોધ પ્રાપ્ત થવાના યોગે પણ તેમાં બોધ પ્રવેશ થાય એવો ભાવ સ્ફુરતો નથી, એ આદિ જીવની વિષમ દશા કહી, પ્રભુ પ્રત્યે દીનત્વ કહ્યું છે કે ‘હે નાથ ! હવે મારી કોઈ ગતિ (માર્ગ) મને દેખાતી નથી. કેમકે