________________
http://www.ShrimadRajchandra.org
વર્ષ ૨૭ મું ૫૨૭
૪૨૩
મુંબઈ, ભાદ્રપદ વદ ૧૨, બુધ, ૧૯૫૦
પૂજ્ય શ્રી સૌભાગભાઈ,
શ્રી સાયલા.
અત્રે કુશળતા છે. આપનો કાગળ ૧ આજે આવ્યો તે પહોંચ્યો છે. પ્રશ્નોના ઉત્તર હવે તરતમાં લખશું. આપે આજના કાગળમાં સમાચાર લખ્યા છે તે વિષે રેવાશંકરભાઈ રાજકોટ છે ત્યાં લખ્યું છે, જેઓ પરભારો આપને ઉત્તર લખશે.
ગોસળિયાના દોહરા પહોંચ્યા છે. તેનો ઉત્તર લખવા જેવું વિશેષપણે નથી. એક અધ્યાત્મદશાના અંકુરે એ દોહરા ઉત્પન્ન થયા સંભવે છે. પણ તે એકાંત સિદ્ધાંતરૂપ નથી.
શ્રી મહાવીર સ્વામીથી હાલનું જૈન શાસન પ્રવર્ત્ય છે, તેઓ વધારે ઉપકારી ? કે પ્રત્યક્ષ હિતમાં પૂરનાર અને અહિતથી નિવારનાર એવા અધ્યાત્મમૂર્તિ સદ્ગુરુ વધારે ઉપકારી ? તે પ્રશ્ન માકુભાઈ તરફથી છે. અત્ર એટલો વિચાર રહે છે કે મહાવીરસ્વામી સર્વજ્ઞ છે અને પ્રત્યક્ષ પુરુષ આત્મજ્ઞ-સમ્યક્દૃષ્ટિ છે, અર્થાત્ મહાવીરસ્વામી વિશેષ ગુણસ્થાનકે વર્તતા એવા હતા. મહાવીરસ્વામીની પ્રતિમાની વર્તમાનમાં ભક્તિ કરે, તેટલા જ ભાવથી પ્રત્યક્ષ સદ્ગુરુની ભક્તિ કરે એ બેમાં હિતયોગ્ય વિશેષ કોણ કહેવા યોગ્ય છે ? તેનો ઉત્તર તમે બન્ને વિચારીને સવિસ્તર લખશોજી.
પ્રથમ સગપણ-સંબંધમાં સૂચના કરી હતી, એટલે સહેજ રેવાશંકરભાઈને અમે લખ્યું હતું, કેમકે તે વખતે વિશેષ લખાય તે અનવાર આર્તધ્યાન કહેવા યોગ્ય છે. આજે આપે સ્પષ્ટ લખવાથી રેવાશંકરભાઈને મેં સ્પષ્ટ લખ્યું છે. વ્યાવહારિક જંજાળમાં અમે ઉત્તર આપવા યોગ્ય નહીં હોવાથી રેવાશંકરભાઈને આ પ્રસંગનું લખ્યું છે. જેઓ વળતી ટપાલે આપને ઉત્તર લખશે. એ જ વિનંતિ. ગોસળિયાને પ્રણામ.
૫૨૮
લિ આ૰ સ્વ૰ પ્રણામ.
મુંબઈ, આસો સુદ ૧૧, બુધ, ૧૯૫૦
સ્વપ્નેય જેને સંસારસુખની ઇચ્છા રહી નથી, અને સંપૂર્ણ નિસારભૂત જેને સંસારનું સ્વરૂપ ભાસ્યું છે, એવા જ્ઞાનીપુરુષ પણ વારંવાર આત્માવસ્થા સંભાળી સંભાળીને ઉદય હોય તે પ્રારબ્ધ વેદે છે, પણ આત્માવસ્થાને વિષે પ્રમાદ થવા દેતા નથી, પ્રમાદના અવકાશ યોગે જ્ઞાનીને પણ અંશે વ્યામોહ થવાનો સંભવ જે સંસારથી કહ્યો છે, તે સંસારમાં સાધારણ જીવે રહીને તેનો વ્યવસાય લૌકિકભાવે કરીને આત્મહિત ઇચ્છવું એ નહીં બનવા જેવું જ કાર્ય છે; કેમકે લૌકિકભાવ આડે આત્માને નિવૃત્તિ જ્યાં નથી આવતી, ત્યાં હિતવિચારણા બીજી રીતે થવી સંભવતી નથી. એકની નિવૃત્તિ તો બીજાનું પરિણામ થવું સંભવે છે. અહિતહેતુ એવો સંસારસંબંધી પ્રસંગ; લૌકિકભાવ, લોકચેષ્ટા એ સૌની સંભાળ જેમ બને તેમ જતી કરીને, તેને સંક્ષેપીને આત્મહિતને અવકાશ આપવો ઘટે છે.
આત્મહિત માટે સત્સંગ જેવું બળવાન બીજું નિમિત્ત કોઈ જણાતું નથી, છતાં તે સત્સંગ પણ, જે જીવ લૌકિકભાવી અવકાશ લેતો નથી તેને, પ્રાયે નિષ્ફળ જાય છે, અને સહેજ સત્સંગ ફળવાન થયો હોય તો પણ વિશેષ વિશેષ લોકાવેશ રહેતો હોય તો તે ફળ નિર્મૂળ થઈ જતાં વાર લાગતી નથી; અને સ્ત્રી, પુત્ર, આરંભ, પરિગ્રહના પ્રસંગમાંથી જો નિજબુદ્ધિ છોડવાનો પ્રયાસ કરવામાં ન આવે તો સત્સંગ ફળવાન થવાનો સંભવ શી રીતે બને ? જે પ્રસંગમાં મહા જ્ઞાનીપુરુષો સંભાળીને ચાલે છે, તેમાં આ જીવે તો અત્યંત અત્યંત સંભાળથી, સંક્ષેપીને ચાલવું, એ વાત ન જ ભૂલવા જેવી છે એમ નિશ્ચય કરી, પ્રસંગે પ્રસંગે, કાર્યે કાર્યો અને પરિણામે પરિણામે તેનો લક્ષ