________________
http://www.ShrimadRajchandra.org
૩૯૮
શ્રીમદ્ રાજચંદ્ર
૪૯૬
મુંબઈ, ચૈત્ર વદ ૧૪, શુક્ર, ૧૯૫૦
જે મુમુક્ષુજીવ ગૃહસ્થ વ્યવહારમાં વર્તતા હોય, તેણે તો અખંડ નીતિનું મૂળ પ્રથમ આત્મામાં સ્થાપવું જોઈએ. નહીં તો ઉપદેશાદિનું નિષ્ફળપણું થાય છે.
દ્રવ્યાદિ ઉત્પન્ન કરવા આદિમાં સાંગોપાંગ ન્યાયસંપન્ન રહેવું તેનું નામ નીતિ છે. એ નીતિ મૂકતાં પ્રાણ જાય એવી દશા આવ્યે ત્યાગ વૈરાગ્ય ખરા સ્વરૂપમાં પ્રગટે છે, અને તે જ જીવને સત્પુરુષનાં વચનનું તથા આજ્ઞાધર્મનું અદ્ભુત સામર્થ્ય, માહાત્મ્ય અને રહસ્ય સમજાય છે; અને સર્વ વૃત્તિઓ નિજપણે વર્તવાનો માર્ગ સ્પષ્ટ સિદ્ધ થાય છે.
દેશ, કાળ, સંગ આદિનો વિપરીત યોગ ઘણું કરીને તમને વર્તે છે. માટે વારંવાર, પળે પળે તથા કાર્યે કાર્યો સાવચેતીથી નીતિ આદિ ધર્મોમાં વર્તવું ઘટે છે. તમારી પેઠે જે જીવ કલ્યાણની આકાંક્ષા રાખે છે, અને પ્રત્યક્ષ સત્પુરુષનો નિશ્ચય છે, તેને પ્રથમ ભૂમિકામાં એ નીતિ મુખ્ય આધાર છે. જે જીવ સત્પુરુષનો નિશ્ચય થયો છે એમ માને છે, તેને વિષે ઉપર કહી તે નીતિનું જો બળવાનપણું ન હોય અને કલ્યાણની યાચના કરે તથા વાર્તા કરે, તો એ નિશ્ચય માત્ર સત્પુરુષને વંચવા બરોબર છે. જોકે સત્પુરુષ તો નિરાકાંક્ષી છે એટલે, તેને છેતરાવાપણું કંઈ છે નહીં, પણ એવા પ્રકારે પ્રવર્તત જીવ તે અપરાધયોગ્ય થાય છે. આ વાત પર વારંવાર તમારે તથા તમારા સમાગમને ઇચ્છતા હોય તે મુમુક્ષુઓએ લક્ષ કર્તવ્ય છે. કઠણ વાત છે માટે ન બને, એ કલ્પના મુમુક્ષુને અહિતકારી છે અને છોડી દેવા યોગ્ય છે.
܀܀܀
૪૯૭
મુંબઈ, ચૈત્ર વદ ૧૪, શુક્રવાર, ૧૯૫૦
ઉપદેશની આકાંક્ષા રહ્યા કરે છે, તેવી આકાંક્ષા મુમુક્ષુજીવને હિતકારી છે, જાગૃતિનો વિશેષ હેતુ છે. જેમ જેમ જીવમાં ત્યાગ વૈરાગ્ય અને આશ્રયભક્તિનું બળ વધે છે, તેમ તેમ સત્પુરુષનાં વચનનું અપૂર્વ અને અદ્ભુત સ્વરૂપ ભાસે છે; અને બંધનિવૃત્તિના ઉપાયો સહજમાં સિદ્ધ થાય છે. પ્રત્યક્ષ સત્પુરુષના ચરણારવિંદનો યોગ કેટલાક સમય સુધી રહે તો પછી વિયોગમાં પણ ત્યાગ વૈરાગ્ય અને આશ્રયભક્તિની ધારા બળવાન રહે છે; નહીં તો માઠા દેશ, કાળ, સંગાદિના યોગથી સામાન્ય વૃત્તિના જીવો ત્યાગ વૈરાગ્યાદિનાં બળમાં વધી શકતાં નથી, અથવા મંદ પડી જાય છે, કે સર્વથા નાશ કરી દે છે.
૪૯૮
મુંબઈ, વૈશાખ સુદ ૧, રવિ, ૧૯૫૦
શ્રી ત્રિભોવનાદિ.
‘યોગવાસિષ્ઠ’ વાંચવામાં હરકત નથી. આત્માને વારંવાર સંસારનું સ્વરૂપ કારાગૃહ જેવું ક્ષણે ક્ષણે ભાસ્યા કરે એ મુમુક્ષુતાનું મુખ્ય લક્ષણ છે. યોગવાસિષ્ઠાદિ જે જે ગ્રંથ તે કારણનાં પોષક છે, તે વિચારવામાં હરકત નથી. મૂળ વાત તો એ છે કે જીવને વૈરાગ્ય આવતાં છતાં પણ જે તેનું અત્યંત શિથિલપણું છે - ઢીલાપણું છે - તે ટાળતાં તેને અત્યંત વસમું લાગે છે, અને ગમે તે પ્રકારે પણ એ જ પ્રથમ ટાળવા યોગ્ય છે.
૪૯૯
મુંબઈ, વૈશાખ સુદ ૯, ૧૯૫૦
જે વ્યવસાયે કરી જીવને ભાવનિદ્રાનું ઘટવું ન થાય તે વ્યવસાય કોઈ પ્રારબ્ધયોગે કરવો પડતો હોય તો તે ફરી ફરી પાછા હઠીને, ‘મોટું ભયંકર હિંસાવાળું દુષ્ટ કામ જ આ કર્યા કરું છું' એવું ફરી ફરી વિચારીને અને જીવમાં ઢીલાપણાથી જ ઘણું કરી મને આ પ્રતિબંધ છે' એમ ફરી ફરી નિશ્ચય કરીને જેટલો બને તેટલો વ્યવસાય સંક્ષેપ કરતા જઈ પ્રવર્તવું થાય, તો બોધનું ફળવું થવું સંભવે છે.