________________
http://www.ShrimadRajchandra.org
વર્ષ ૨૭ મું
૪૧૧
એમ એ ત્રણ પ્રશ્નોનું સંક્ષેપ સમાધાન લખ્યું છે, તે વિશેષ કરી વિચારશો. વિશેષ કંઈ સમાધાન જાણવા ઇચ્છા થાય તે લખશો. જેમ વૈરાગ્ય ઉપશમનું વર્ધમાનપણું થાય તેમ હાલ તો કર્તવ્ય છે.
܀܀܀܀܀
૫૧૦
મુંબઈ, અસાડ સુદ ૬, રવિ, ૧૯૫૦
શ્રી સ્તંભતીર્થસ્થિત, શુભેચ્છાસંપન્ન શ્રી ત્રિભુવનદાસ પ્રત્યે યથાયોગ્યપૂર્વક વિનંતિ કે--
બંધવૃત્તિઓને ઉપશમાવવાનો તથા નિવર્તાવવાનો જીવને અભ્યાસ, સંતત અભ્યાસ કર્તવ્ય છે, કારણ કે વિના વિચારે, વિના પ્રયાસે તે વૃત્તિઓનું ઉપશમવું અથવા નિવર્તવું કેવા પ્રકારથી થાય ? કારણ વિના કોઈ કાર્ય સંભવતું નથી; તો આ જીવે તે વૃત્તિઓનાં ઉપશમન કે નિવર્તનનો કોઈ ઉપાય કર્યો ન હોય એટલે તેનો અભાવ ન થાય એ સ્પષ્ટ સંભવરૂપ છે. ઘણી વાર પૂર્વકાળે વૃત્તિઓના ઉપશમનનું તથા નિવર્તનનું જીવે અભિમાન કર્યું છે, પણ તેવું કંઈ સાધન કર્યુ નથી, અને હજી સુધી તે પ્રકારમાં જીવ કંઈ ઠેકાણું કરતો નથી, અર્થાત્ જા તેને તે અભ્યાસમાં કંઈ રસ દેખાતો નથી; તેમ કડવાશ લાગતાં છતાં તે કડવાશ ઉપર પગ દઈ આ જીવ ઉપશમન, નિવર્તનમાં પ્રવેશ કરતો નથી. આ વાત વારંવાર આ દુષ્ટપરિણામી જીવે વિચારવા યોગ્ય છે; વિસર્જન કરવા યોગ્ય કોઈ રીતે નથી.
પુત્રાદિ સંપત્તિમાં જે પ્રકારે આ જીવને મોહ થાય છે તે પ્રકાર કેવળ નીરસ અને નિંદવા યોગ્ય છે. જીવ જો જરાય વિચાર કરે તો સ્પષ્ટ દેખાય એવું છે કે, કોઈને વિષે પુત્રપણું ભાવી આ જીવે માઠું કર્યામાં મણા રાખી નથી, અને કોઈને વિષે પિતાપણું માનીને પણ તેમ જ કર્યું છે, અને કોઈ જીવ હા સુધી તો પિતાપુત્ર થઈ શક્યા દીઠા નથી. સૌ કહેતા આવે છે કે આનો આ પુત્ર અથવા આનો આ પિતા, પણ વિચારતાં આ વાત કોઈ પણ કાળે ન બની શકે તેવી સ્પષ્ટ લાગે છે. અનુત્પન્ન એવો આ જીવ તેને પુત્રપણે ગણવો, કે ગણાવવાનું ચિત્ત રહેવું એ સૌ જીવની મૂઢતા છે, અને તે મૂઢતા કોઈ પણ પ્રકારે સત્સંગની ઇચ્છાવાળા જીવને ઘટતી નથી.
જે મોહાદિ પ્રકાર વિષે તમે લખ્યું તે બન્નેને ભ્રમણનો હેતુ છે, અત્યંત વિટંબણાનો હેતુ છે. જ્ઞાનીપુરુષ પણ એમ વર્તે તો જ્ઞાન ઉપર પગ મૂકવા જેવું છે, અને સર્વ પ્રકારે અજ્ઞાનનિદ્રાનો તે હેતુ છે. એ પ્રકારને વિચારે બન્નેને સીધો ભાવ કર્તવ્ય છે. આ વાત અલ્પકાળમાં ચેતવાયોગ્ય છે. જેટલો બને તેટલો તમે કે બીજા તમ સંબંધી સત્સંગી નિવૃત્તિનો અવકાશ લેશો તે જ જાવને હિતકારી છે.
૫૧૧ ဒီ
મોહમયી, અસાડ સુદ ૬, રવિ, ૧૯૫૦
શ્રી અંજારસ્થિત, પરમ સ્નેહી શ્રી સુભાગ્ય.
આપનો સવિગત કાગળ ૧, તથા પત્તું ૧ પ્રાપ્ત થયું છે. તેમાં લખેલાં પ્રશ્નો મુમુક્ષુ જીવે વિચારવા યોગ્ય છે.
જે જે સાધન આ જીવે પૂર્વ કાળે કર્યાં છે, તે તે સાધન જ્ઞાનીપુરુષની આજ્ઞાથી થયાં જણાતાં નથી, એ વાત અંદેશારહિત લાગે છે. જો એમ થયું હોત તો જીવને સંસારપરિભ્રમણ હોય નહીં. જ્ઞાનીપુરુષની આજ્ઞા છે તે, ભવમાં જવાને આડા પ્રતિબંધ જેવી છે, કારણ જેને આત્માર્થ સિવાય બીજો કોઈ અર્થ નથી, અને આત્માર્થ પણ સાધી પ્રારબ્ધવશાત્ જેનો દેહ છે, એવા જ્ઞાનીપુરુષની આજ્ઞા તે ફક્ત આત્માર્થમાં જ સામા જીવને પ્રેરે છે; અને આ જીવે તો પૂર્વ કાળે કંઈ આત્માર્થ જાણ્યો નથી; ઊલટો આત્માર્થ વિસ્મરણપણે ચાલ્યો આવ્યો છે. તે પોતાની કલ્પના કરી સાધન કરે તેથી આત્માર્થ ન થાય, અને ઊલટું આત્માર્થ સાધું છું એવું દુષ્ટ અભિમાન