________________
http://www.ShrimadRajchandra.org
વર્ષ ૨૭ મું
૪૧૯
૫૨૨
મુંબઈ, ભા. સુદ ૩, રવિ, ૧૯૫૦
જીવને જ્ઞાનીપુરુષનું ઓળખાણ થયે તથાપ્રકારે અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભ મોળાં પડવાનો પ્રકાર બનવા યોગ્ય છે, કે જેમ બની અનુક્રમે તે પરિક્ષીણપણાને પામે છે. સત્પુરુષનું ઓળખાણ જેમ જેમ જીવને થાય છે, તેમ તેમ મતાભિગ્રહ, દુરાગ્રહનાદિ ભાવ મોળા પડવા લાગે છે; અને પોતાના દોષ જોવા ભણી ચિત્ત વળી આવે છે; વિકથાદિ ભાવમાં નીરસપણું લાગે છે, કે જુગુપ્સા ઉત્પન્ન થાય છે; જીવને અનિત્યાદિ ભાવના ચિંતવવા પ્રત્યે બળવીર્ય સ્ફુરવા વિષે જે પ્રકારે જ્ઞાનીપુરુષ સમીપે સાંભળ્યું છે, તેથી પણ વિશેષ બળવાન પરિણામથી તે પંચવિષયાદિને વિષે અનિત્યાદિ ભાવ દૃઢ કરે છે. અર્થાત્ સત્પુરુષ મળ્યે આ સત્પુરુષ એટલું જાણી, સત્પુરુષને જાણ્યા પ્રથમ જેમ આત્મા પંચવિષયાદિને વિષે રક્ત હતો તેમ રક્ત ત્યાર પછી નથી રહેતો, અને અનુક્રમે તે રક્તભાવ મોળો પડે એવા વૈરાગ્યમાં જીવ આવે છે; અથવા સત્પુરુષનો યોગ થયા પછી આત્મજ્ઞાન કંઈ દુર્લભ નથી; તથાપિ સત્પુરુષને વિષે, તેનાં વચનને વિષે, તે વચનના આશયને વિષે, પ્રીતિ ભક્તિ થાય નહીં ત્યાં સુધી આત્મવિચાર પણ જીવમાં ઉદય આવવા યોગ્ય નથી; અને સત્પુરુષનો જીવને યોગ થયો છે, એવું ખરેખરું તે જીવને ભાસ્યું છે, એમ પણ કહેવું કઠણ છે.
જીવને સત્પુરુષનો યોગ થયે તો એવી ભાવના થાય કે અત્યાર સુધી જે મારાં પ્રયત્ન કલ્યાણને અર્થે હતાં તે સૌ નિષ્ફળ હતાં, લક્ષ વગરનાં બાણની પેઠે હતાં, પણ હવે સત્પુરુષનો અપૂર્વ યોગ થયો છે, તો મારાં સર્વ સાધન સફળ થવાનો હેતુ છે. લોકપ્રસંગમાં રહીને જે નિષ્ફળ, નિર્લક્ષ સાધન કર્યાં તે પ્રકારે હવે સત્પુરુષને યોગે ન કરતાં જરૂર અંતરાત્મામાં વિચારીને દૃઢ પરિણામ રાખીને, જીવે આ યોગને, વચનને વિષે જાગૃત થવા યોગ્ય છે, જાગૃત રહેવા યોગ્ય છે; અને તે તે પ્રકાર ભાવી, જીવને દૃઢ કરવો કે જેથી તેને પ્રાપ્ત જોગ ‘અફળ’ ન જાય, અને સર્વ પ્રકારે એ જ બળ આત્મામાં વર્ધમાન કરવું, કે આ યોગથી જીવને અપૂર્વ ફળ થવા યોગ્ય છે, તેમાં અંતરાય કરનાર ‘હું જાણું છું, એ મારું અભિમાન, કુળધર્મને અને કરતા આવ્યા છીએ તે ક્રિયાને કેમ ત્યાગી શકાય એવો લોકમય, સત્પુરુષની ભક્તિ આદિને વિષે પણ લૌકિકભાવ, અને કદાપિ કોઈ પંચવિષયાકાર એવાં કર્મ જ્ઞાનીને ઉદયમાં દેખી તેવો ભાવ પોતે આરાધવાપણું એ આદિ પ્રકાર છે,' તે જ અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભ છે. એ પ્રકાર વિશેષપણે સમજવા યોગ્ય છે; તથાપિ અત્યારે જેટલું બન્યું તેટલું લખ્યું છે.
ઉપશમ, ક્ષયોપશમ અને ક્ષાયિક સમ્યકૃત્વને માટે સંક્ષેપમાં વ્યાખ્યા કહી હતી, તેને અનુસરતી ત્રિભોવનના સ્મરણમાં છે.
જ્યાં જ્યાં આ જીવ જન્મ્યો છે, ભવના પ્રકાર ધારણ કર્યા છે. ત્યાં ત્યાં તથાપ્રકારના અભિમાનપણે વર્ષો છે; જે અભિમાન નિવૃત્ત કર્યાં સિવાય તે તે દેહનો અને દેહના સંબંધમાં આવતા પદાર્થોનો આ જીવે ત્યાગ કર્યો છે, એટલે હજી સુધી તે જ્ઞાનવિચારે કરી ભાવ ગાળ્યો નથી, અને તે તે પૂર્વસંજ્ઞાઓ હજી એમ ને એમ આ જીવના અભિમાનમાં વર્તી આવે છે, એ જ એને લોક આખાની અધિકરણક્રિયાનો હેતુ કહ્યો છે. જે પણ વિશેષપણે અત્ર લખવાનું બની શક્યું નથી. પત્રાદિ માટે નિયમિતપણા વિષે વિચાર કરીશ.
૫૨૩
મુંબઈ, ભાદરવા સુદ ૪, સોમ, ૧૯૫૦
શ્રી સાયલા ગામે સ્થિત, સત્સંગયોગ્ય, પરમસ્નેહી શ્રી સોભાગ તથા ડુંગર પ્રત્યે,
શ્રી મોહમયીપુરીથી ....ના આત્મસ્વરૂપ સ્મૃતિપૂર્વક યથાયોગ્ય પ્રાપ્ત થાય. અત્રે સમાધિ છે. તમારો લખેલો કાગળ આજે એક મળ્યો છે.