________________
http://www.ShrimadRajchandra.org
વર્ષ ૨૯ મું
363
જે જ્ઞાનીપુરુષ, તેના પરમઉપશમરૂપ ચરણારવિંદ તેને નમસ્કાર કરી, વારંવાર તેને ચિંતવી, તે જ માર્ગમાં પ્રવૃત્તિની તમે ઇચ્છા કર્યાં કરો એવો ઉપદેશ કરી, આ પત્ર પૂરો કરું છું.
܀܀܀܀܀
૪૬૭
વિપરીત કાળમાં એકાકી હોવાથી ઉદાસ ! ! !
ખંભાત, ભાદરવા, ૧૯૪૯
અનાદિકાળથી વિપર્યયબુદ્ધિ હોવાથી, અને કેટલીક જ્ઞાનીપુરુષની ચેષ્ટા અજ્ઞાનીપુરુષના જેવી જ દેખાતી હોવાથી જ્ઞાનીપુરુષને વિષે વિભ્રમ બુદ્ધિ થઈ આવે છે, અથવા જીવથી જ્ઞાનીપુરુષ પ્રત્યે તે તે ચેષ્ટાનો વિકલ્પ આવ્યા કરે છે. બીજી બાજુઓથી જ્ઞાનીપુરુષનો જો યથાર્થ નિશ્ચય થયો હોય તો કોઈ વિકલ્પને ઉત્પન્ન કરવાવાળી એવી જ્ઞાનીની ઉન્મત્તાદિ ભાવવાળી ચેષ્ટા પ્રત્યક્ષ દીઠામાં આવે તોપણ બીજી બાજુના નિશ્ચયના બળને લીધે તે ચેષ્ટા અવિકલ્પપણાને ભજે છે; અથવા જ્ઞાનીપુરુષની ચેષ્ટાનું કોઈ અગમ્યપણું જ એવું છે કે, અધૂરી અવસ્થાએ કે અધૂરા નિશ્ચયે જીવને વિભ્રમ તથા વિકલ્પનું કારણ થાય છે, પણ વાસ્તવપણે તથા પૂરા નિશ્ચયે તે વિભ્રમ અને વિકલ્પ ઉત્પન્ન થવા યોગ્ય નથી; માટે આ જીવનો અધૂરો જ્ઞાનીપુરુષ પ્રત્યેનો નિશ્ચય છે, એ જ આ જીવનો દોષ છે.
જ્ઞાનીપુરુષ બધી રીતે અજ્ઞાનીપુરુષથી ચેષ્ટાપણે સરખા હોય નહીં, અને જો હોય તો પછી જ્ઞાની નથી એવો નિશ્ચય કરવો તે યથાર્થ કારણ છે; તથાપિ જ્ઞાની અને અજ્ઞાની પુરુષમાં કોઈ એવાં વિલક્ષણ કારણોનો ભેદ છે, કે જેથી જ્ઞાનીનું, અજ્ઞાનીનું એકપણું કોઈ પ્રકારે થાય નહીં. અજ્ઞાની છતાં જ્ઞાનીનું સ્વરૂપ જે જીવ મનાવતો હોય તે તે વિલક્ષણપણા દ્વારાએ નિશ્ચયમાં આવે છે; માટે જ્ઞાનીપુરુષનું જે વિલક્ષણપણું છે તેનો પ્રથમ નિશ્ચય વિચારવા યોગ્ય છે; અને જો તેવા વિલક્ષણ કારણનું સ્વરૂપ જાણી જ્ઞાનીનો નિશ્ચય થાય છે, તો પછી અજ્ઞાની જેવી ક્વચિત્ જે જે જ્ઞાનીપુરુષની ચેષ્ટા જોવામાં આવે છે તેને વિષે નિર્વિકલ્પપણું પ્રાપ્ત હોય છે; તેમ નહીં તો જ્ઞાનીપુરુષની તે ચેષ્ટા તેને વિશેષ ભક્તિ અને સ્નેહનું કારણ થાય છે.
પ્રત્યેક જીવ, એટલે જ્ઞાની, અજ્ઞાની જો બધી અવસ્થામાં સરખા જ હોય તો પછી જ્ઞાની, અજ્ઞાની એ નામમાત્ર થાય છે; પણ તેમ હોવા યોગ્ય નથી. જ્ઞાનીપુરુષ અને અજ્ઞાનીપુરુષને વિષે અવશ્ય વિલક્ષણપણું હોવા યોગ્ય છે. જે વિલક્ષણપણું યથાર્થ નિશ્ચય થયે જીવને સમજવામાં આવે છે; જેનું કંઈક સ્વરૂપ અત્રે જણાવવા યોગ્ય છે. જ્ઞાનીપુરુષ અને અજ્ઞાનીપુરુષનું વિલક્ષણપણું મુમુક્ષુ જીવને તેમની એટલે જ્ઞાની, અજ્ઞાની પુરુષની દશા દ્વારા સમજાય છે. તે દશાનું વિલક્ષણપણું જે પ્રકારે થાય છે, તે જણાવવા યોગ્ય છે. એક તો મૂળદશા, અને બીજી ઉત્તરદશા, એવા બે ભાગ જીવની દશાના થઈ શકે છે.
܀܀܀܀܀
૪૬૮
(પૂર્ણ)
મુંબઈ, ભાદ્રપદ, ૧૯૪૯
અજ્ઞાનદશા વર્તી હોય અને તે દશાને જ્ઞાનદશા જીવે ભ્રમાદિ કારણથી માની લીધી હોય ત્યારે તેવા તેવા દેહને દુઃખ થવાના પ્રસંગોમાં અથવા તેવાં બીજાં કારણોમાં જીવ દેહની શાતાને ભજવાની ઇચ્છા કરે છે, અને તેમ વર્તવાનું કરે છે. સાચી જ્ઞાનદશા હોય તો તેને દેહને દુઃખપ્રાપ્તિનાં કારણો વિષે વિષમતા થતી નથી, અને તે દુઃખને ટાળવા એટલી બધી ચીવટ પણ હોતી નથી.