________________
૩૮૨
http://www.ShrimadRajchandra.org
શ્રીમદ્ રાજચંદ્ર
૪૬૬
પેટલાદ, ભાદરવા સુદ ૬, ૧૯૪૯
૧. જેની પાસેથી ધર્મ માગવો, તે પામ્યાની પૂર્ણ ચોકસી કરવી એ વાક્યને સ્થિર ચિત્તથી વિચારવું.
૨. જેની પાસેથી ધર્મ માગવો તેવા પૂર્ણજ્ઞાનીનું ઓળખાણ જીવને થયું હોય ત્યારે તેવા જ્ઞાનીઓનો સત્સંગ કરવો અને સત્સંગ થાય તે પૂર્ણ પુણ્યોદય સમજવો. તે સત્સંગમાં તેવા પરમજ્ઞાનીએ ઉપદેશેલો શિક્ષાબોધ ગ્રહણ કરવો એટલે જેથી કદાગ્રહ, મતમતાંતર, વિશ્વાસઘાત અને અસત્ વચન એ આદિનો તિરસ્કાર થાય; અર્થાત્ તેને ગ્રહણ કરવાં નહીં. મતનો આગ્રહ મૂકી દેવો. આત્માનો ધર્મ આત્મામાં છે. આત્મત્વપ્રાપ્તપુરુષનો બોધેલો ધર્મ આત્મતામાર્ગરૂપ હોય છે. બાકીના માર્ગના મતમાં પડવું નહીં.
૩. આટલું થતાં છતાં જો જીવથી સત્સંગ થયા પછી કદાગ્રહ, મતમતાંતરાદિ દોષ ન મૂકી શકાતો હોય તો પછી તેણે છૂટવાની આશા કરવી નહીં.
અમે પોતે કોઈને આદેશવાત એટલે આમ કરવું એમ કહેતા નથી. વારંવાર પૂછો તોપણ તે સ્મ્રુતિમાં હોય છે. અમારા સંગમાં આવેલાં કોઈ જીવોને હજુ સુધી અમે એમ જણાવ્યું નથી કે આમ વર્તે, કે આમ કરો. માત્ર શિક્ષાબોધ તરીકે જણાવ્યું હશે.
૪. અમારો ઉદય એવો છે કે એવી ઉપદેશવાત કરતાં વાણી પાછી ખેંચાઈ જાય છે. સાધારણ પ્રશ્ન પૂછે તો તેમાં વાણી પ્રકાશ કરે છે; અને ઉપદેશવાતમાં તો વાણી પાછી ખેંચાઈ જાય છે, તેથી અમે એમ જાણીએ છીએ કે હજુ તેવો હૃદય નથી.
૫. પૂર્વે થઈ ગયેલા અનંતજ્ઞાનીઓ જોકે મહાજ્ઞાની થઈ ગયા છે, પણ તેથી કંઈ જીવનો દોષ જાય નહીં; એટલે કે અત્યારે જીવમાં માન હોય તે પૂર્વે થઈ ગયેલા જ્ઞાની કહેવા આવે નહીં; પરંતુ હાલ જે પ્રત્યક્ષ જ્ઞાની બિરાજમાન હોય તે જ દોષને જણાવી કહાવી શકે. જેમ દૂરના ક્ષીરસમુદ્રથી અત્રેના તૃષાતુરની તૃષા છીપે નહીં, પણ એક મીઠા પાણીનો કળશો અત્રે હોય તો તેથી તૃષા છીપે.
૬. જીવ પોતાની કલ્પનાથી કલ્પે કે ધ્યાનથી કલ્યાણ થાય કે સમાધિથી કે યોગથી કે આવા આવા પ્રકારથી, પણ તેથી જીવનું કંઈ કલ્યાણ થાય નહીં. જીવનું કલ્યાણ થવું તો જ્ઞાનીપુરુષના લક્ષમાં હોય છે, અને તે પરમ સત્સંગે કરી સમજી શકાય છે; માટે તેવા વિકલ્પ કરવા મૂકી દેવા.
૭. જીવે મુખ્યમાં મુખ્ય આ વાત વિશેષ ધ્યાન આપવા જેવી છે, કે સત્સંગ થયો હોય તો સત્સંગમાં સાંભળેલ શિક્ષાબોધ પરિણામ પામી, સહેજે જીવમાં ઉત્પન્ન થયેલ કદાગ્રહાદિ દોષો તો છૂટી જવા જોઈએ, કે જેથી સત્સંગનું અવર્ણવાદપણું બોલવાનો પ્રસંગ બીજા જીવોને આવે નહીં.
૮. જ્ઞાનીપુરુષે કહેવું બાકી નથી રાખ્યું, પણ જીવે કરવું બાકી રાખ્યું છે. એવો યોગાનુયોગ કોઈક જ વેળા ઉદયમાં આવે છે. તેવી વાંછાએ રહિત મહાત્માની ભક્તિ તો કેવળ કલ્યાણકારક જ નીવડે છે; પણ કોઈ વેળા તેવી વાંછા મહાત્મા પ્રત્યે થઈ અને તેવી પ્રવૃત્તિ થઈ ચૂકી, તોપણ તે જ વાંછા જો અસત્પુરુષમાં કરી હોય અને જે ફળ થાય છે, તે કરતાં આનું ફળ જાદું થવાનો સંભવ છે. સત્પુરુષ પ્રત્યે તેવા કાળમાં જો નિઃશંકપણું રહ્યું હોય, તો કાળે કરીને તેમની પાસેથી સન્માર્ગની પ્રાપ્તિ હોઈ શકે છે. એક પ્રકારે અમને પોતાને એ માટે બહુ શોચ રહેતો હતો, પણ તેનું કલ્યાણ વિચારીને શોચ વિસ્મરણ કર્યો છે.
૯. મન, વચન, કાયાના જોગમાંથી જેને કેવળીસ્વરૂપભાવ થતાં અહંભાવ મટી ગયો છે, એવા