________________
http://www.ShrimadRajchandra.org
વર્ષ ૨૭ મું
૪૭૮
૩૮૯
મુંબઈ, કારતક સુદ ૧૩, ૧૯૫૦
ઉપાધિના યોગથી ઉદયાધીનપણે બાહ્ય ચિત્તની ક્વચિત્ અવ્યવસ્થાને લીધે તમ મુમુક્ષુ પ્રત્યે જેમ વર્તવું જોઈએ તેમ અમારાથી વર્તી શકાતું નથી. તે ક્ષમા યોગ્ય છે, ખચીત ક્ષમા યોગ્ય છે.
એ જ નમ્ર વિનંતી.
આ સ્વ પ્રણામ.
૪૭૯
મુંબઈ, માગશર સુદ ૩, સોમ, ૧૯૫૦
વાણીનું સંયમન શ્રેયરૂપ છે, તથાપિ વ્યવહારનો સંબંધ એવા પ્રકારનો વર્તે છે કે, કેવળ તેવું સંયમન રાજ્યે પ્રસંગમાં આવતા જીવોને ક્લેશનો હેતુ થાય; માટે બહુ કરી સપ્રયોજન સિવાયમાં સંયમન રાખવું થાય, તો તેનું પરિણામ કોઈ પ્રકારે શ્રેયરૂપ થવું સંભવે છે.
નીચેનું વાક્ય તમારી પાસે લખેલાં વચનોમાં લખશો.
“જીવનું મૂઢપણું ફરી ફરી, ક્ષણે ક્ષણે, પ્રસંગે-પ્રસંગે વિચારવામાં જો સચેતપણું ન રાખવામાં આવ્યું તો આવો જોગ બન્યો તે પણ વૃથા છે."
કૃષ્ણદાસાદિ મુમુક્ષુને નમસ્કાર.
૪૮૦
મુંબઈ, પોષ સુદ ૫, ૧૯૫૦
કોઈ પણ જીવને કંઈ પણ પરિશ્રમ દેવો, એ અપરાધ છે. અને તેમાં મુમુક્ષુજીવને તેના અર્થ સિવાય પરિશ્રમ દેવો એ જરૂર અપરાધ છે, એવો અમારા ચિત્તનો સ્વભાવ રહે છે. તથાપિ પરિશ્રમનો હેતુ એવાં કામનો પ્રસંગ તમને ક્વચિત્ જણાવવાનું થાય છે, જે વિષેના પ્રસંગમાં અમારા પ્રત્યે તમને નિશંકતા છે, તથાપિ તમને તેને પ્રસંગે ક્વચિત પરિશ્રમનું કારણ થાય એ અમારા ચિત્તમાં સહન થતું નથી; તોપણ પ્રવર્તીએ છીએ. તે અપરાધ ક્ષમા યોગ્ય છે; અને એવી અમારી કોઈ પ્રવૃત્તિ પ્રત્યે ક્વચિત્ પણ અસ્નેહ ન થાય તેટલો લક્ષ પણ રાખવો ઘટે છે.
સાથેનો ભાઈ રેવાશંકરનો કાગળ છે તે અમારી પ્રેરણાથી લખાયો છે. જે રીતે કોઈનું મન ન દુભાય તેમ કરી તે કાર્ય કરવાની જરૂર છે. અને તે વિષેના પ્રસંગમાં કંઈ પણ ચિત્તવ્યાકુળતા ન થાય તેટલો લક્ષ યોગ્ય છે.
૪૮૧
પોષ વદ ૧, મંગળ, ૧૯૫૦
આજે આ પત્ર લખવાનો હેતુ થાય છે તે અમને ચિત્તમાં વિશેષ ખેદ રહે છે, તે છે. ખેદનું કારણ આ વ્યવહારરૂપ પ્રારબ્ધ વર્તે છે, તે કોઈ રીતે છે, કે જેને લીધે મુમુક્ષુ જીવ પ્રત્યે ક્વચિત્ તેવો પરિશ્રમ આપવાનો પ્રસંગ થાય છે. અને તેવો પરિશ્રમ આપતાં અમારી ચિત્તવૃત્તિ સંકોચ પામતી પામતી પ્રારબ્ધ ઉદયે વર્તે છે. તથાપિ તે વિષેનો સંસ્કારિત ખેદ ઘણો વખત સ્ફુરિતપણું પામ્યા કરે છે.
ક્યારે પણ તેવા પ્રસંગે અમે લખ્યું હોય અથવા શ્રી રેવાશંકરે અમારી ઇચ્છા લઈ લખ્યું હોય તો તે કોઈ વ્યાવહારિક દૃષ્ટિનું કાર્ય નથી, કે જે ચિત્ત-આકુળતા કરવા પ્રત્યે પ્રેરાયું હોય એવો નિશ્ચય સ્મરણયોગ્ય છે.