________________
399
http://www.ShrimadRajchandra.org
શ્રીમદ્ રાજચંદ્ર
કોઈ દ્રવ્યમાં, કોઈ ક્ષેત્રમાં, કોઈ કાળમાં, કોઈ ભાવમાં સ્થિતિ થાય એવો પ્રસંગ જાણે ક્યાંય દેખાતો નથી. કેવળ સર્વ પ્રકારનું તેમાંથી અપ્રતિબદ્ધપણું જ યોગ્ય છે, તથાપિ નિવૃત્તિ ક્ષેત્ર, અને નિવૃત્તિ કાળને, સત્સંગને અને આત્મવિચારને વિષે અમને પ્રતિબદ્ધ રુચિ રહે છે. તે જોગ કોઈ પ્રકારે પણ જેમ બને તેમ થોડા કાળમાં થાય તે જ ચિંતનામાં અહોરાત્ર વર્તીએ છીએ.
આપના સમાગમની હાલમાં વિશેષ ઇચ્છા રહે છે, તથાપિ તે માટે કંઈ પ્રસંગ વિના યોગ ન કરવો એમ રાખવું પડ્યું છે. અને તે માટે બહુ વિક્ષેપ રહે છે.
તમને પણ ઉપાધિજોગ વર્તે છે. તે વિકટપણે વેદાય એવો છે, તથાપિ મૌનપણે સમતાથી તે વેદવો એવો નિશ્ચય રાખજો. તે કર્મ વેદવાથી અંતરાયનું બળ હળવું થશે.
શું લખીએ ? અને શું કહીએ ? એક આત્મવાર્તામાં જ અવિચ્છિન્ન કાળ વર્તે એવા તમારા જેવા પુરુષના સત્સંગના અમે દાસ છીએ. અત્યંત વિનયપણે અમારો ચરણ પ્રત્યયી નમસ્કાર સ્વીકારજો. એ જ વિનંતી.
જ
દાસાનુદાસ રાયચંદના પ્રણામ વાંચજો.
૪૫૪
મુંબઈ, પ્રથમ અસાડ વદ ૪, સોમ, ૧૯૪૯
સંસાર સ્પષ્ટ પ્રીતિથી કરવાની ઇચ્છા થતી હોય તો તે પુરુષ જ્ઞાનીનાં વચન સાંભળ્યાં નથી; અથવા જ્ઞાનીપુરુષનાં દર્શન પણ તેણે કર્યાં નથી, એમ તીર્થંકર કહે છે.
જેની કેડનો ભંગ થયો છે, તેનું પ્રાથે બધું બળ પરિક્ષીણપણાને ભજે છે, જેને જ્ઞાનીપુરુષનાં વચનરૂપ લાકડીનો પ્રહાર થયો છે તે પુરુષને વિષે તે પ્રકારે સંસાર સંબંધી બળ હોય છે, એમ તીર્થંકર કહે છે.
જ્ઞાનીપુરુષને જોયા પછી સ્ત્રીને જોઈ જો રાગ ઉત્પન્ન થતો હોય તો જ્ઞાનીપુરુષને જોયા નથી, એમ તમે જાણો. જ્ઞાનીપુરુષનાં વચનને સાંભળ્યા પછી સ્ત્રીનું સજીવન શરીર અજીવનપણે ભાસ્યા વિના રહે નહીં. ખરેખર પૃથ્વીનો વિકાર ધનાદિ સંપત્તિ ભાસ્યા વિના રહે નહીં.
જ્ઞાનીપુરુષ સિવાય તેનો આત્મા બીજે ક્યાંય ક્ષણભર સ્થાયી થવાને વિષે ઇચ્છે નહીં.
એ આદિ વચનો તે પૂર્વે જ્ઞાનીપુરુષો માર્ગાનુસારી પુરુષને બોંધતા હતા.
જે જાણીને, સાંભળીને તે સરળ જવો આત્માને વિષે અવધારતા હતા.
પ્રાણત્યાગ જેવા પ્રસંગને વિષે પણ તે વચનોને અપ્રધાન ન કરવા યોગ્ય જાણતા હતા, વર્તતા હતા.
તમ સર્વ મુમુક્ષુભાઈઓને અમારા ભક્તિભાવે નમસ્કાર પહોંચે. અમારો આવો ઉપાધિજોગ જોઈ જીવમાં
ક્લેશ પામ્યા વિના જેટલો બને તેટલો આત્માસંબંધી અભ્યાસ વધારવાનો વિચાર કરજો.
સર્વથી સ્મરણજોગ વાત તો ઘણી છે, તથાપિ સંસારમાં સાવ ઉદાસીનતા, પરના અલ્પગુણમાં પણ પ્રીતિ, પોતાના અલ્પદોષને વિષે પણ અત્યંત ક્લેશ, દોષના વિલયમાં, અત્યંત વીર્યનું સ્ફુરવું, એ વાતો સત્સંગમાં અખંડ એક શરણાગતપણે ધ્યાનમાં રાખવા યોગ્ય છે. જેમ બને તેમ નિવૃત્તિકાળ, નિવૃત્તિક્ષેત્ર, નિવૃત્તિદ્રવ્ય, અને નિવૃત્તિભાવને ભજજો. તીર્થંકર ગૌતમ જેવા જ્ઞાનીપુરુષને પણ સંબોધતા હતા કે સમયમાત્ર પણ પ્રમાદ યોગ્ય નથી.
પ્રણામ.