________________
http://www.ShrimadRajchandra.org
વર્ષ ૨૬ મું
૩૬૫
એવું સ્વરૂપ જેનું ભાસ્યું છે તેવા પુરુષને વિષે નિષ્કામ શ્રદ્ધા છે જેને, તે પુરુષને બીજરુચિસમ્યક્ત્વ છે. તેવા પુરુષની નિષ્કામ ભક્તિ અબાઘાએ પ્રાપ્ત થાય, એવા ગુણો જે જીવમાં હોય તે જીવ માર્ગાનુસારી હોય એમ જિન કહે છે.
અમારો અભિપ્રાય કંઈ પણ દેહ પ્રત્યે હોય તો તે માત્ર એક આત્માર્થે જ છે, અન્ય અર્થે નહીં બીજા કોઈ પણ પદાર્થ પ્રત્યે અભિપ્રાય હોય તો તે પદાર્થ અર્થે નહીં, પણ આત્માર્થે છે. તે આત્માર્થ તે પદાર્થની પ્રાપ્તિ-અપ્રાપ્તિને વિષે હોય એમ અમને લાગતું નથી. ‘આત્માપણું' એ ધ્વનિ સિવાય બીજો કોઈ ધ્વનિ કોઈ પણ પદાર્થના ગ્રહણત્યાગમાં સ્મરણજોગ નથી. અનવકાશ આત્માપણું જાણ્યા વિના, તે સ્થિતિ વિના અન્ય સર્વ ક્લેશરૂપ છે.
܀܀܀܀܀
૪૩૨
અંબાલાલનો લખેલો કાગળ પહોંચ્યો હતો.
મુંબઈ, ફાગણ સુદ ૭, ગુરુ, ૧૯૪૯
આત્માને વિભાવથી અવકાશિત કરવાને અર્થે અને સ્વભાવમાં અનવકાશપણે રહેવાને અર્થે કોઈ પણ મુખ્ય ઉપાય હોય તો આત્મારામ એવા જ્ઞાનીપુરુષનો નિષ્કામ બુદ્ધિથી ભક્તિયોગરૂપ સંગ છે. તે સફળ થવાને અર્થે નિવૃત્તિક્ષેત્રમાં તેવો જોગ પ્રાપ્ત થવો એ કોઈ મોટા પુણ્યનો જોગ છે, અને તેવો પુણ્યજોંગ ઘણા પ્રકારના અંતરાયવાળો પ્રાયે આ જગતને વિષે દેખાય છે. માટે અમને વારંવાર સમીપમાં છીએ એમ સંભારી જેમાં આ સંસારનું ઉદાસીનપણું કહ્યું હોય તે હાલ વાંચો, વિચારો. આત્માપણે કેવળ આત્મા વર્તે એમ જે ચિંતવન રાખવું તે લક્ષ છે. શાસ્ત્રના પરમાર્થરૂપ છે.
આ આત્મા પૂર્વે અનંત કાળ વ્યતીત કર્યે જાણ્યો નથી, તે ઉપરથી એમ લાગે છે કે તે જાણવાનું કાર્ય સર્વથી વિકટ છે; અથવા તો જાણવાના તથારૂપ યોગો પરમ દુર્લભ છે. જીવ અનંતકાળથી એમ જાણ્યા કરે છે કે હું અમુકને જાણું છું, અમુકને નથી જાણતો એમ નથી, એમ છતાં જે રૂપે પોતે છે તે રૂપનું નિરંતર વિસ્મરણ ચાલ્યું આવે છે, એ વાત બહુ બહુ પ્રકારે વિચારવા યોગ્ય છે, અને તેનો ઉપાય પણ બહુ પ્રકારે વિચારવા યોગ્ય છે.
܀܀܀܀܀
૪૩૩
મુંબઈ, ફાગણ સુદ ૧૪, ૧૯૪૯
શ્રી કૃષ્ણાદિના સમ્યક્ત્વ સંબંધી પ્રશ્નનું આપનું પત્ર પહોંચ્યું છે. તથા તેના આગલા દિવસનાં અત્રેનાં પત્તાંથી આપને ખુલાસો પ્રાપ્ત થયો તે વિષેનું આપનું પત્તું પહોંચ્યું છે. બરાબર અવલોકનથી તે પત્તાં દ્વારા શ્રી કૃષ્ણાદિનાં પ્રશ્નોનો આપને સ્પષ્ટ ખુલાસો થશે એમ સંભવ છે.
જેને વિષે પરમાર્થ ધર્મની પ્રાપ્તિનાં કારણો પ્રાપ્ત થવાં અત્યંત દુષમ થાય તે કાળને તીર્થંકરદેવે દુષમ કહ્યો છે, અને આ કાળને વિષે તે વાત સ્પષ્ટ દેખાય છે. સુગમમાં સુગમ એવો કલ્યાણનો ઉપાય તે, જીવને પ્રાપ્ત થવો આ કાળને વિષે અત્યંત દુષ્કર છે. મુમુક્ષુપણું, સરળપણું, નિવૃત્તિ, સત્સંગ આદિ સાધનો આ કાળને વિષે પરમ દુર્લભ જાણી પૂર્વના પુરુષોએ આ કાળને હુંડાઅવસર્પિણીકાળ કહ્યો છે; અને તે વાત પણ સ્પષ્ટ છે. પ્રથમનાં ત્રણ સાધનોનો સંયોગ તો ક્વચિત્ પણ પ્રાપ્ત થવો બીજા અમુક કાળમાં સુગમ હતો; પરંતુ સત્સંગ તો સર્વ કાળમાં દુર્લભ જ દેખાય છે; તો પછી આ કાળને વિષે સત્સંગ સુલભ ક્યાંથી હોય ? પ્રથમનાં ત્રણ સાધન કોઈ રીતે આ કાળમાં જીવ પામે તોપણ ધન્ય છે.
યોગ્ય છે.
કાળ સંબંધી તીર્થંકરવાણી સત્ય કરવાને અર્થે ‘આવો” ઉદય અમને વર્તે છે, અને તે સમાધિરૂપે વેદવા
આત્મસ્વરૂપ.