________________
399
http://www.ShrimadRajchandra.org
શ્રીમદ્ રાજચંદ્ર
૪૩૪
ભક્તિપૂર્વક પ્રણામ પહોંચે.
મુંબઈ, ફાગણ વદ ૯, શનિ, ૧૯૪૯
અત્ર ઉપાધિજોગ છે. ઘણું કરી આવતી કાલે કંઈ લખાશે તો લખીશું. એ જ વિનંતી.
܀܀
અત્યંત ઉક્તિ
૪૩૫
મુંબઇ, ફાગણ વદ ૦)), ૧૯૪૯
“મણિરત્નમાળા” તથા “યોગકલ્પદ્રુમ’ વાંચવા આ જોડે મોકલ્યાં છે. જે કંઈ બાંધેલાં કર્મ છે, તે ભોગવ્યા વિના નિરુપાયતા છે. ચિંતારહિત પરિણામે જે કંઈ ઉદય આવે તે વેદવું, એવો શ્રી તીર્થકરાદિ જ્ઞાનીઓનો ઉપદેશ છે.
૪૩૬
‘સમતા, રમતાં, ઊરપતા, સાયકતા, સુખભાસ;
વૈદકતા, ચૈતન્યતા, એ સબ જીવ વિલાસ.'
મુંબઈ, ચૈત્ર સુદ ૧, ૧૯૪૯
જે તીર્થંકરદેવ સ્વરૂપસ્થ આત્માપણું થઈ વક્તવ્યપણે જે પ્રકારે તે આત્મા કહી શકાય તે પ્રમાણે અત્યંત યથાસ્થિત કહ્યો છે, તે તીર્થંકરને બીજી સર્વ પ્રકારની અપેક્ષાનો ત્યાગ કરી નમસ્કાર કરીએ છીએ.
પૂર્વે ઘણાં શાસ્ત્રોનો વિચાર કરવાથી તે વિચારનાં ફળમાં સત્પુરુષને વિષે જેનાં વચનથી ભક્તિ ઉત્પન્ન થઈ છે, તે તીર્થંકરનાં વચનને નમસ્કાર કરીએ છીએ.
ઘણા પ્રકારે જીવનો વિચાર કરવાથી, તે જીવ આત્મારૂપ પુરુષ વિના જાણ્યો જાય એવો નથી, એવી નિચળ શ્રદ્ધા ઉત્પન્ન થઈ તે તીર્થંકરના માર્ગબોધને નમસ્કાર કરીએ છીએ.
ભિન્ન ભિન્ન પ્રકારે તે જીવનો વિચાર થવા અર્થે. તે જીવ પ્રાપ્ત થવા અર્થે, યોગાદિક અનેક સાધનોનો બળવાન પરિશ્રમ કર્યે છતે, પ્રાપ્તિ ન થઈ, તે જીવ જે વડે સહજ પ્રાપ્ત થાય છે, તે જ કહેવા વિષે જેનો ઉદ્દેશ છે, તે તીર્થંકરનાં ઉદેશવચનને નમસ્કાર કરીએ છીએ.
અપૂર્ણ
૪૩૭
આ જગતને વિષે જેને વિષે વિચારશક્તિ વાચાસહિત વર્તે છે. એવાં મનુષ્યપ્રાણી કલ્યાણનો વિચાર કરવાને સર્વથી અધિક યોગ્ય છે; તથાપિ પ્રાયે જીવને અનંતવાર મનુષ્યપણું મળ્યાં છતાં તે કલ્યાણ સિદ્ધ થયું નથી, જેથી વર્તમાન સુધી જન્મમરણનો માર્ગ આરાધવો પડ્યો છે. અનાદિ એવા આ લોકને વિષે જીવની અનંતકોટી સંખ્યા છે; સમયે સમયે અનંત પ્રકારની જન્મમરણાદિ સ્થિતિ તે જીવોને વિષે વર્ત્યા કરે છે; એવો અનંતકાળ પૂર્વે વ્યતીત થયો છે. અનંતકોટી જીવના પ્રમાણમાં આત્મકલ્યાણ જેણે આરાધ્યું છે, કે જેને પ્રાપ્ત થયું છે, એવા જીવ અત્યંત થોડા થયા છે, વર્તમાને તેમ છે, અને હવે પછીના કાળમાં પણ તેવી જ સ્થિતિ સંભવે છે, તેમ જ છે. અર્થાત્ કલ્યાણની પ્રાપ્તિ જીવને ત્રણે કાળને વિષે અત્યંત દુર્લભ છે; એવો જે શ્રી તીર્થંકરદેવાદિ જ્ઞાનીનો ઉપદેશ તે સત્ય છે. એવી, જીવસમુદાયની જે ભ્રાંતિ તે અનાદિ સંયોગે છે, એમ ઘટે છે, એમ જ