________________
૩૪૦
http://www.ShrimadRajchandra.org
શ્રીમદ્ રાજચંદ્ર
પણ પતિવ્રતા એવી સ્ત્રીનો પતિ પ્રત્યેનો સ્નેહ તે પ્રધાનને વિષે પણ પ્રધાન એવો ગણવામાં આવ્યો છે. તે સ્નેહ એવો પ્રધાનપ્રધાન શા માટે ગણવામાં આવ્યો છે ? ત્યારે જેણે સિદ્ધાંત બળવાનપણે દર્શાવવા તે દૃષ્ટાંતને ગ્રહણ કર્યું છે, એવો સિદ્ધાંતકાર કહે છે કે તે સ્નેહને એટલા માટે અમે પ્રધાનને વિષે પણ પ્રધાન ગણ્યો છે કે બીજાં બધાં ઘરસંબંધી (અને બીજાં પણ) કામ કરતાં છતાં તે પતિવ્રતા એવી મહિલાનું ચિત્ત પતિને વિષે જ લીનપણે, પ્રેમપણે, સ્મરણપણે, ધ્યાનપણે, ઇચ્છાપણે વર્તે છે, એટલા માટે
પણ સિદ્ધાંતકાર કહે છે કે એ સ્નેહનું કારણ તો સંસારપ્રત્યયી છે, અને અત્ર તો તે અસંસારપ્રત્યયી કરવાને અર્થે કહેવું છે; માટે તે સ્નેહ લીનપણે, પ્રેમપણે, સ્મરણપણે, ધ્યાનપણે, ઇચ્છાપણે જ્યાં કરવા યોગ્ય છે, જ્યાં તે સ્નેહ અસંસાર પરિણામને પામે છે, તે કહીએ છીએ.
તે સ્નેહ તો પતિવ્રતારૂપ એવા મુમુક્ષુએ જ્ઞાની સંબંધી શ્રવણરૂપ જે ઉપદેશાદિ ધર્મ તેની પ્રત્યે તે જ પ્રકારે કરવા યોગ્ય છે, અને તે પ્રત્યે તે પ્રકારે જે જીવ વર્તે છે, ત્યારે ‘કાંતા’ એવા નામની સમકિત સંબંધી જે દૃષ્ટિ તેને વિષે તે જીવ સ્થિત છે, એમ જાણીએ છીએ.
એવા અર્થને વિષે પૂરિત એવાં એ બે પદ છે; તે પદ તો ભક્તિપ્રધાન છે, તથાપિ તે પ્રકારે ગૂઢ આશયે જીવનું નિદિધ્યાસન ન થાય તો ક્વચિત્ બીજું એવું પદ તે જ્ઞાનપ્રધાન જેવું ભાસે છે, અને તમને ભાસશે એમ જાણી તે બીજા પદનો તેવા પ્રકારનો ભાસ બાધ થવાને અર્થે ફરી પત્રની પૂર્ણતાએ માત્ર પ્રથમનું એક જ પદ લખી પ્રધાનપણે ભક્તિને જણાવી છે.
ભક્તિપ્રધાન દશાએ વર્તવાથી જીવના સ્વચ્છંદાદિ દોષ સુગમપણે વિલય થાય છે; એવો પ્રધાન આશય જ્ઞાની પુરુષોનો છે.
તે ભક્તિને વિષે નિષ્કામ એવી અલ્પ પણ ભક્તિ જો જીવને ઉત્પન્ન થઈ હોય છે તો તે ઘણા દોષથી નિવૃત્ત કરવાને યોગ્ય એવી હોય છે. અલ્પ એવું જ્ઞાન, અથવા જ્ઞાનપ્રધાનદશા તે અસુગમ એવા માર્ગ પ્રત્યે, સ્વચ્છંદાદિ દોષ પ્રત્યે, અથવા પદાર્થ સંબંધી ભ્રાંતિ પ્રત્યે પ્રાપ્ત કરે છે, ઘણું કરીને એમ હોય છે; તેમાં પણ આ કાળને વિષે તો ઘણા કાળ સુધી જીવનપર્યંત પણ વે ભક્તિપ્રધાન દશા આરાધવા યોગ્ય છે; એવો નિશ્ચય જ્ઞાનીઓએ કર્યો જણાય છે. અમને એમ લાગે છે, અને એમ જ છે.)
હૃદયને વિષે જે મૂર્તિસંબંધી દર્શન કરવાની તમને ઇચ્છા છે, તેને પ્રતિબંધ કરનારી એવી પ્રારબ્ધસ્થિતિ (તમને) છે; અને તે સ્થિતિને પરિપક્વ થવાને વિષે હજુ વાર છે; વળી તે મૂર્તિના પ્રત્યક્ષપણામાં તો હાલ ગૃહાશ્રમ વર્તે છે, અને ચિત્રપટને વિષે સંન્યસ્તાશ્રમ વર્તે છે, એ એક ધ્યાનનો મુખ્ય એવો બીજો પ્રતિબંધ છે, તે મૂર્તિથી તે આત્મસ્વરૂપ પુરુષની દશા ફરી ફરી તેનાં વાક્યાદિનાં અનુસંધાને વિચારવાને યોગ્ય છે, અને તેનું તે હ્રદયદર્શનથી પણ મોટું ફળ છે. આ વાતને અત્ર સંક્ષેપ કરવી પડે છે.
'ભૂંગી ઇલિકાને ચટકાવે, તે ભુંગી જંગ જોવે રે’
એ વાક્ય પરંપરાગત છે. એમ થવું કોઈ પ્રકારે સંભવિત છે, તથાપિ તે પ્રોફેસરનાં ગવેષણ પ્રમાણે ધારીએ કે તેમ થતું નથી, તોપણ અત્ર કંઈ હાનિ નથી, કારણ કે દૃષ્ટાંત તેવી અસર કરવાને યોગ્ય છે, તો પછી સિદ્ધાંતનો જ અનુભવ કે વિચાર કર્તવ્ય છે. ઘણું કરીને એ દૃષ્ટાંત સંબંધી કોઈને જ વિકલ્પ હશે; એટલે તે દૃષ્ટાંત માન્ય છે, એમ જણાય છે. લોકષ્ટિએ અનુભવગમ્ય છે, એટલે સિદ્ધાંતને વિષે તેનું બળવાનપણું જાણી મહત્ પુરુષો તે દૃષ્ટાંત આપતા આવ્યા છે, અને કોઈ પ્રકારે તેમ થવું સંભાવ્ય પણ જાણીએ છીએ. એક સમય પણ કદાપિ તે દૃષ્ટાંત સિદ્ધ ન થાય એવું છે એમ ઠરે તોપણ ત્રણે કાળને વિષે નિરાબાધ, અખંડ-સિદ્ધ એવી વાત તેના સિદ્ધાંતપદની તો છે.