________________
૩૫૪
http://www.ShrimadRajchandra.org
શ્રીમદ્ રાજચંદ્ર
એમ કહે કે ‘આજે અમૃતના મેહ વૂઠ્યા', તો તે કહેવું સાપેક્ષ છે, યથાર્થ છે, તથાપિ શબ્દના ભાવાર્થે યથાર્થ છે, શબ્દથી પરભારા અર્થે યથાર્થ નથી; તેમ જ તીર્થંકરાદિકની ભિક્ષા સંબંધમાં તેવું છે; તથાપિ એમ જ માનવું યોગ્ય છે કે, આત્મસ્વરૂપે પૂર્ણ એવા પુરુષના પ્રભાવજોગે તે બનવું અત્યંત સંભવિત છે. સર્વત્ર એમ બન્યું છે એમ કહેવાનો અર્થ નથી, એમ બનવું સંભવિત છે, એમ ઘટે છે, એમ કહેવાનો હેતુ છે. સર્વ મહત્ પ્રભાવજોગ પૂર્ણ આત્મસ્વરૂપ જ્યાં છે ત્યાં આધીન છે. એ નિશ્ચયાત્મક વાત છે, નિસંદેહ અંગીકારવા યોગ્ય વાત છે. પૂર્ણ આત્મસ્વરૂપ જ્યાં વર્તે છે, ત્યાં જો સર્વ મહત પ્રભાવજોગ વર્તતા ન હોય તો પછી તે બીજે કર્યે સ્થળે વર્તે ? તે વિચારવા યોગ્ય છે. તેવું તો બીજું કોઈ સ્થળ સંભવતું નથી, ત્યારે સર્વ મહત્ પ્રભાવજોગનો અભાવ થશે. પૂર્ણ આત્મસ્વરૂપનું પ્રાપ્ત થવું એ અભાવરૂપ નથી, તો પછી મહત્ એવા પ્રભાવજોગનો અભાવ તો ક્યાંથી હોય ? અને જો કદાપિ એમ કહેવામાં આવે કે આત્મસ્વરૂપનું પૂર્ણ પ્રાપ્તપણું તો ઘટે છે, મહત્ પ્રભાવજોગનું પ્રાપ્તપણું ઘટતું નથી, તો તે કહેવું એક વિસંવાદ સિવાય બીજું કંઈ નથી; કારણ કે તે કહેનાર શુદ્ધ આત્મસ્વરૂપના મહપણાથી અત્યંત હીન એવા પ્રભાવજોગને મહત્ જાણે છે, અંગીકાર કરે છે; અને તે એમ સૂચવે છે કે તે વક્તા આત્મસ્વરૂપનો જાણનાર નથી.
તે આત્મસ્વરૂપથી મહત્ એવું કંઈ નથી. એવો આ સૃષ્ટિને વિષે કોઈ પ્રભાવજોગ ઉત્પન્ન થયો નથી, છે નહીં, અને થવાનો નથી કે જે પ્રભાવજોગ પૂર્ણ આત્મસ્વરૂપને પણ પ્રાપ્ત ન હોય; તથાપિ તે પ્રભાવજોગને વિષે વર્તવામાં આત્મસ્વરૂપને કંઈ કર્તવ્ય નથી, એમ તો છે; અને જો તેને તે પ્રભાવજોગને વિષે કંઈ કર્તવ્ય ભાસે છે તો તે પુરુષ આત્મસ્વરૂપના અત્યંત અજ્ઞાનને વિષે વર્તે છે, એમ જાણીએ છીએ. કહેવાનો હેતુ એમ છે કે સર્વ પ્રકારના પ્રભાવજોગ આત્મારૂપ મહાભાગ્ય એવા તીર્થંકરને વિષે ઘટે છે, હોય છે. તથાપિ તેને વિકાસવાનો એક અંશ પણ તેને વિષે ઘટતો નથી; સ્વાભાવિક કોઈ પુણ્યપ્રકારવશાત્ સુવર્ણવૃષ્ટિ ઇત્યાદિ થાય એમ કહેવું અસંભવિત નથી; અને તીર્થંકરપદને તે બાધરૂપ નથી. જે તીર્થંકર છે. તે આત્મસ્વરૂપ વિના અન્ય પ્રભાવાદિને કરે નહીં, અને જે કરે તે આત્મારૂપ એવા તીર્થંકર કહેવા યોગ્ય નહીં; એમ જાણીએ છીએ, એમ જ છે.
જિનનાં કહેલાં શાસ્ત્રો જે ગણાય છે, તેને વિષે અમુક બોલ વિચ્છેદ ગયાનું કથન છે, અને તેમાં મુખ્ય એવા કેવળજ્ઞાનાદિ દશ બોલ છે; અને તે દશ બોલ વિચ્છેદ દેખાડવાનો આશય આ કાળને વિષે “સર્વથા મુક્તપણું ન હોય' એમ બતાવવાનો છે. તે દશ બોલ પ્રાપ્ત હોય, અથવા એક બોલ તેમાંનો પ્રાપ્ત હોય તો તે ચરમશરીરી જીવ કહેવો ઘટે એમ જાણી, તે વાત વિચ્છેદરૂપ ગણી છે, તથાપિ તેમ એકાંત જ કહેવા યોગ્ય નથી, એમ અમને ભાસે છે, એમ જ છે. કારણ કે ક્ષાયિક સમકિતનો એને વિષે નિષેધ છે. તે ચરમશરીરીને જ હોય એમ તો ઘટતું નથી; અથવા તેમ એકાંત નથી. મહાભાગ્ય એવા શ્રેણિક ક્ષાયિક સમકિતી છતાં ચરમશરીરી નહોતા એવું તે જ જિનશાસ્ત્રોને વિષે કથન છે. જિનકલ્પીવિહાર વ્યવચ્છેદ, એમ શ્વેતાંબરનું કથન છે; દિગંબરનું કથન નથી. ‘સર્વથા મોક્ષ થવો' એમ આ કાળે બને નહીં એમ બેયનો અભિપ્રાય છે; તે પણ અત્યંત એકાંતપણે કહી શકાતો નથી. ચરમશરીરીપણું જાણીએ કે આ કાળમાં નથી, તથાપિ અશરીરીભાવપણે આત્મસ્થિતિ છે તો તે ભાવનયે ચરમશરીરીપણું નહીં, પણ સિદ્ધપણું છે; અને તે અશરીરીભાવ આ કાળને વિષે નથી એમ અત્રે કહીએ, તો આ કાળમાં અમે પોતે નથી, એમ કહેવા તુલ્ય છે. વિશેષ શું કહીએ ? એ કેવળ એકાંત નથી. કદાપિ એકાંત હો તોપણ આગમ જેણે ભાખ્યાં છે, તે જ આશયી સત્પુરુષે કરી તે ગમ્ય કરવા યોગ્ય છે, અને તે જ આત્મસ્થિતિનો ઉપાય છે. એ જ વિનંતિ. ગોશળિયાને યથાયોગ્ય.