________________
૫૪
http://www.ShrimadRajchandra.org
શ્રીમદ્ રાજચંદ્ર
રાખી આત્મચારિત્રની ઉત્તમતા વર્ણવતાં આ મૃગાપુત્ર ચરિત્ર અહીં આગળ પૂર્ણતા પામે છે. સંસારપરિભ્રમણનિવૃત્તિ અને સાવદ્ય ઉપકરણનિવૃત્તિનો પવિત્ર વિચાર તત્ત્વજ્ઞાનીઓ નિરંતર કરે છે.
ઇતિ અંતર્દર્શને સંસારભાવનારૂપ ષષ્ઠ ચિત્રે મૃગાપુત્રચરિત્ર સમાપ્ત.
܀܀܀܀܀
સપ્તમ ચિત્ર
આસવભાવના
દ્વાદશ અવિરતિ, ષોડશ કષાય, નવ નોકષાય, પંચ મિથ્યાત્વ અને પંચદશ યોગ એ સઘળાં મળી સત્તાવન આસવદ્વાર એટલે પાપને પ્રવેશ કરવાનાં પ્રનાળ છે.
દૃષ્ટાંતઃ- મહાવિદેહમાં વિશાળ પુંડરિકિણી, નગરીના રાજ્યસિંહાસન પર પુંડરિક અને કુંડરિક બે ભાઈઓ સ્થિર હતા. એક વેળા મહા તત્ત્વવિજ્ઞાની મુનિરાજ વિહાર કરતાં ત્યાં આવ્યા. મુનિના વૈરાગ્ય વચનામૃતથી કુંડરિક દીક્ષાનુરક્ત થયો; અને ઘેર આવ્યા પછી પુંડરિકને રાજ સોંપી ચારિત્ર અંગીકૃત કર્યું, સરસનીરસ આહાર કરતાં થોડા કાળે તે રોગગ્રસ્ત થયો; તેથી તે ચારિત્રપરિણામે ભંગ થયો. પુંડરિકિણી મહા નગરીની અશોકવાડીમાં આવીને એણે ઓઘો મુખપટી વૃક્ષે વળગાડી મૂક્યાં. નિરંતર તે પરિચિંતવન કરવા મંડ્યો કે પુંડરિક મને રાજ આપશે કે નહીં આપે ? વનરક્ષકે કુંડરિકને ઓળખ્યો. તેણે જઈને પુંડરિકને વિદિત કર્યું કે, આકુલવ્યાકુલ થતો તમારો ભાઈ અશોક બાગમાં રહ્યો છે. પુંડરિકે આવી કુંડરિકના મનોભાવ જોયા; અને તેને ચારિત્રથી ડોલતો જોઈ કેટલોક ઉપદેશ આપી પછી રાજ સોંપી દઈને ઘેર આવ્યો. કુંડરિકની આજ્ઞાને સામંત કે મંત્રી કોઈ અવલંબન ન કરતાં, તે સસ્ર વર્ષ પ્રવ્રજ્યા પાળી પતિત થયો તે માટે તેને ધિક્કારતા હતા. કુંડરિકે રાજ્યમાં આવ્યા પછી અતિ આહાર કર્યો. રાત્રીએ એથી કરીને તે બહુ પીડાયો અને વમન થયું; અભાવથી પાસે કોઈ આવ્યું નહીં, એથી તેના મનમાં પ્રચંડભાવ આવ્યો. તેણે નિશ્ચય કર્યો કે, આ દરદથી મને જો શાંતિ થાય તો પછી પ્રભાતે એ સઘળાને હું જોઈ લઈશ. એવાં મહા દુર્ધ્યાનથી મરીને સાતમી નરકે તે અપયઠાંણ પાથડે તેત્રીશ સાગરોપમને આયુષ્ય અનંત દુઃખમાં જઈ ઉપજ્યો. કેવાં વિપરીત આસવદ્વાર ।।
ઇતિ સપ્તમ ચિત્રે આસવભાવના સમાપ્ત.
܀܀܀܀܀
અષ્ટમ ચિત્ર
સંવરભાવના
સંવરભાવના- ઉપર કહ્યાં તે આસવદ્વાર અને પાપપ્રનાલને સર્વ પ્રકારે રોકવાં (આવતા કર્મ સમૂહને અટકાવવા) તે સંવરભાવ.
દૃષ્ટાંતઃ- (૧) (કુંડરિકનો અનુસંબંધ) કુંડરિકના મુખપટી ઇત્યાદિ સાજને ગ્રહણ કરીને પુંડરિકે નિશ્ચય કર્યો કે, મારે મહર્ષિ ગુરુ કને જવું; અને ત્યાર પછી જ અન્નજળ ગ્રહણ કરવાં. અણવાણે ચરણે પરવરતાં પગમાં કંકર, કંટક ખૂંચવાથી લોહીની ધારાઓ ચાલી તોપણ તે ઉત્તમ ધ્યાને સમતા ભાવે રહ્યો. એથી એ મહાનુભાવ પુંડરિક ચ્યવીને સમર્થ સર્વાર્થસિદ્ધ વિમાને તેત્રીશ સાગરોપમના અત્યુગ્ર આયુષ્ય દેવરૂપે ઊપજ્યો. આસ્રવથી શી કુંડરિકની દુઃખદશા ! અને સંવરથી શી પુંડરિકની સુખદશા |