________________
૧૦૦
http://www.ShrimadRajchandra.org
શ્રીમદ્ રાજચંદ્ર
એ ધર્મમતસ્થાપકોએ એમ બોધ કર્યો જણાય છે કે, અમે જે કહીએ છીએ તે સર્વજ્ઞવાણીરૂપ અને સત્ય છે. બાકીના સઘળા મતો અસત્ય અને કુતર્કવાદી છે; પરસ્પર તેથી તે મતવાદીઓએ યોગ્ય કે અયોગ્ય ખંડન કર્યું છે; વેદાંતના ઉપદેશક આ જ બોધે છે; સાંખ્યનો પણ આ જ બોધ છે. બુદ્ધનો પણ આ જ બોધ છે; ન્યાયમતવાળાનો પણ આ જ બોધ છે; વૈશેષિકનો આ જ બોધ છે; શક્તિપંથીનો આ જ બોધ છે; વૈષ્ણવાદિકનો આ જ બોધ છે; ઇસ્લામીનો આ જ બોધ છે; અને ક્રાઈસ્ટનો આ જ બોધ છે કે આ અમારું કથન તમને સર્વસિદ્ધિ આપશે. ત્યારે આપણે હવે શો વિચાર કરવો ?
૧
વાદી પ્રતિવાદી બન્ને સાચા હોતા નથી, તેમ બન્ને ખોટા હોતા નથી. બહુ તો વાદી કંઈક વધારે સાચો અને પ્રતિવાદી કંઈક ઓછો ખોટો હોય. કેવળ બન્નેની વાત ખોટી હોવી ન જોઈએ. આમ વિચાર કરતાં તો એક ધર્મમત સાચો ઠરે, અને બાકીના ખોટા ઠરે.
જિજ્ઞાસુ- એ એક આશ્ચર્યકારક વાત છે. સર્વને અસત્ય અને સર્વને સત્ય કેમ કહી શકાય ? જો સર્વને અસત્ય એમ કહીએ તો આપણે નાસ્તિક કરીએ અને ધર્મની સચ્ચાઈ જાય. આ તો નિશ્ચય છે કે ધર્મની સચ્ચાઈ છે, તેમ સૃષ્ટિ પર તેની આવશ્યકતા છે. એક ધર્મમત સત્ય અને બાકીના સર્વ અસત્ય કેમ કહીએ તો તે વાત સિદ્ધ કરી બતાવવી જોઈએ. સર્વ સત્ય કહીએ તો તો એ રેતીની ભીંત કરી; કારણ તો આટલા બધા મતભેદ શા માટે પડે ? સર્વ એક જ પ્રકારના મતો સ્થાપવા શા માટે યત્ન ન કરે ? એમ અન્યોન્યના વિરોધાભાસ વિચારથી થોડી વાર અટકવું પડે છે.
તોપણ તે સંબંધી યથામતિ હું કંઈ ખુલાસો કરું છું, એ ખુલાસો સત્ય અને મધ્યસ્થ ભાવનાનો છે. એકાંતિક કે મતાંતિક નથી; પક્ષપાતી કે અવિવેકી નથી; પણ ઉત્તમ અને વિચારવા જેવો છે. દેખાવે એ સામાન્ય લાગશે; પરંતુ સૂક્ષ્મ વિચારથી બહુ ભેદવાળો લાગશે,
શિક્ષાપાઠ ૫૯. ધર્મના મતભેદ-ભાગ ૨
આટલું તો તમારે સ્પષ્ટ માનવું કે ગમે તે એક ધર્મ આ સૃષ્ટિ પર સંપૂર્ણ સત્યતા ધરાવે છે. હવે એક દર્શનને સત્ય કહેતાં બાકીના ધર્મમતને કેવળ અસત્ય કહેવા પડે; પણ હું એમ કહી ન શકું. શુદ્ધ આત્મજ્ઞાનદાતા નિશ્ચયનય વડે તો તે અસત્યરૂપ કરે; પરંતુ વ્યવહારનયે તે અસત્ય ઠરાવી શકાય નહીં. એક સત્ય અને બાકીના અપૂર્ણ અને સદોષ છે એમ હું કહું છું. તેમજ કેટલાક કુતર્કવાદી અને નાસ્તિક છે તે કેવળ અસત્ય છે; પરંતુ જેઓ પરલોક સંબંધી કે પાપ સંબંધી કંઈ પણ બોધ કે ભય બતાવે છે તે જાતના ધર્મમતને અપૂર્ણ અને સદોષ કહી શકાય છે. એક દર્શન જે નિર્દોષ અને પુર્ણ કહેવાનું છે તેની વાત હમણાં એક બાજુ રાખીએ.
હવે તમને શંકા થશે કે સદોષ અને અપૂર્ણ એવું કથન એના પ્રવર્તકે શા માટે બોધ્યું હશે ? તેનું સમાધાન થવું જોઈએ. એ ધર્મમતવાળાઓની જ્યાં સુધી બુદ્ધિની ગતિ પહોંચી ત્યાં સુધી તેમણે વિચાર કર્યાં. અનુમાન, તર્ક અને ઉપમાદિક આધાર વડે તેઓને જે કથન સિદ્ધ જણાયું તે પ્રત્યક્ષરૂપે જાણે સિદ્ધ છે એવું તેમણે દર્શાવ્યું. જે પક્ષ લીધો તેમાં મુખ્ય એકાંતિક વાદ લીધો; ભક્તિ, વિશ્વાસ, નીતિ, જ્ઞાન કે ક્રિયા એમાંના એક વિષયને વિશેષ વર્ણવ્યો, એથી બીજા માનવા યોગ્ય વિષયો તેમણે દૂષિત કરી દીધા. વળી જે વિષયો તેમણે વર્ણવ્યા તે સર્વ ભાવભેદે તેઓએ કંઈ જાણ્યા નહોતા, પણ પોતાની મહાબુદ્ધિ અનુસારે બહુ વર્ણવ્યા. તાર્કિક સિદ્ધાંત દષ્ટાંતાદિકથી સામાન્ય બુદ્ધિવાળા આગળ કે જડભરત આગળ તેઓએ સિદ્ધ કરી બતાવ્યો. કીર્તિ, લોકહિત, કે ભગવાન
૧. દ્વિતીયાવૃત્તિમાં આટલો ભાગ વધારે છે - અથવા પ્રતિવાદી કંઈક વધારે સાચો અને વાદી કંઈક ઓછો ખોટો હોય '