________________
http://www.ShrimadRajchandra.org
વર્ષ ૧૭ મું
શિક્ષાપાઠ ૯૪. તત્ત્વાવબોધ-ભાગ ૧૩
૧૨૫
જે જે હું કહી ગયો તે તે કંઈ કેવળ જૈનકુળથી જન્મ પામેલા પુરુષને માટે નથી, પરંતુ સર્વને માટે છે, તેમ આ પણ નિઃશંક માનજો કે હું કહું છું તે અપક્ષપાતે અને પરમાર્થબુદ્ધિથી કહું છું.
તમને જે ધર્મતત્ત્વ કહેવાનું છે, તે પક્ષપાત કે સ્વાર્થબુદ્ધિથી કહેવાનું મને કંઈ પ્રયોજન નથી. પક્ષપાત કે સ્વાર્થથી હું તમને અધર્મતત્ત્વ બોધી અધોગતિને શા માટે સાધું ? વારંવાર હું તમને નિગ્રંથનાં વચનામૃતો માટે કહું છું, તેનું કારણ તે વચનામૃતો તત્ત્વમાં પરિપૂર્ણ છે, તે છે. જિનેશ્વરોને એવું કોઈ પણ કારણ નહોતું કે જે નિમિત્તે તેઓ મૃષા કે પક્ષપાતી બોધે; તેમ એઓ અજ્ઞાની ન હતા, કે એથી મૃષા બોધાઈ જવાય. આશંકા કરશો કે એ અજ્ઞાની નહોતા એ શા ઉપરથી જણાય ? તો તેના ઉત્તરમાં એઓના પવિત્ર સિદ્ધાંતોના રહસ્યને મનન કરવાનું કહું છું; અને એમ જે કરશે તે તો પુનઃ આશંકા લેશ પણ નહીં કરે. જૈનમતપ્રવર્તકોએ મને કંઈ ભૂરશી દક્ષણા આપી નથી; તેમ એ મારા કંઈ કુટુંબપરિવારી પણ નથી કે એ માટે પક્ષપાતે હું કંઈ પણ તમને કહું. તેમજ અન્યમતપ્રવર્તકો પ્રતિ મારે કંઈ વૈરબુદ્ધિ નથી કે મિથ્યા એનું ખંડન કરું. બન્નેમાં તો મંદમતિ મધ્યસ્થરૂપ છું. બહુ બહુ મનનથી અને મારી મતિ જ્યાં સુધી પહોંચી ત્યાં સુધીના વિચારથી હું વિનયથી એમ કહું છું કે, પ્રિય ભવ્યો ! જૈન જેવું એક્કે પૂર્ણ અને પવિત્ર દર્શન નથી; વીતરાગ જેવો એક્કે દેવ નથી, તરીને અનંત દુઃખથી પાર પામવું હોય તો એ સર્વજ્ઞ દર્શનરૂપ કલ્પવૃક્ષને સેવો.
܀܀܀܀܀
શિક્ષાપાઠ ૯૫. તત્ત્વાવબોધ-ભાગ ૧૪
જૈન એ એટલી બધી સૂક્ષ્મ વિચારસંકળનાથી ભરેલું દર્શન છે કે જેમાં પ્રવેશ કરતાં પણ બહુ વખત જોઈએ. ઉપર ઉપરથી કે કોઈ પ્રતિપક્ષીના કહેવાથી અમુક વસ્તુ સંબંધી અભિપ્રાય બાંધવો કે આપવો એ વિવેકીનું કર્તવ્ય નથી. એક તળાવ સંપૂર્ણ ભર્યું હોય; તેનું જળ ઉપરથી સમાન લાગે છે; પણ જેમ જેમ આગળ ચાલીએ છીએ તેમ તેમ વધારે વધારે ઊંડાપણું આવતું જાય છે; છતાં ઉપર તો જળ સપાટ જ રહે છે; તેમ જગતના સઘળા ધર્મમતો એક તળાવરૂપ છે. તેને ઉપરથી સામાન્ય સપાટી જોઈને સરખા કહી દેવા એ ઉચિત નથી. એમ કહેનારા તત્ત્વને પામેલા પણ નથી. જૈનના અક્કેકા પવિત્ર સિદ્ધાંત પર વિચાર કરતાં આયુષ્ય પૂર્ણ થાય, તોપણ પાર પામીએ નહીં તેમ રહ્યું છે. બાકીના સઘળા ધર્મમતોના વિચાર જિનપ્રણીત વચનામૃતસિંધુ આગળ એક બિંદુરૂપ પણ નથી. જૈન જેણે જાણ્યો અને સેવ્યો તે કેવળ નીરાગી અને સર્વજ્ઞ થઇ જાય છે. એના પ્રવર્તકો કેવા પવિત્ર પુરુષો હતા ! એના સિદ્ધાંતો કેવા અખંડ સંપૂર્ણ અને દયામય છે ? એમાં દૂષણ કાંઈ જ નથી. કેવળ નિર્દોષ તો માત્ર જેનું દર્શન છે. એવો એક્કે પારમાર્થિક વિષય નથી કે જે જૈનમાં નહીં હોય અને એવું એક્કે તત્ત્વ નથી કે જે જૈનમાં નથી. એક વિષયને અનંત ભેદે પરિપૂર્ણ કહેનાર તે જૈન દર્શન છે. પ્રયોજનભૂત તત્ત્વ એના જેવું ક્યાંય નથી. એક દેહમાં બે આત્મા નથી; તેમ આખી સૃષ્ટિમાં બે જૈન એટલે જૈનની તુલ્ય એક્કે દર્શન નથી. આમ કહેવાનું કારણ શું ? તો માત્ર તેની પરિપૂર્ણતા, નીરાગિતા, સત્યતા અને જગતહિતસ્વિતા.
܀܀܀܀܀