________________
http://www.ShrimadRajchandra.org
વર્ષ ૨૩ મું
૨૨૫
કારણથી જ્યોતિષાદિક તરફ હાલ ચિત્ત નથી. ગમે તેવાં ભવિષ્યજ્ઞાન અથવા સિદ્ધિઓની ઇચ્છા નથી. તેમ તેઓનો ઉપયોગ કરવામાં ઉદાસીનતા રહે છે. તેમાં પણ હાલ તો અધિક જ રહે છે. માટે એ જ્ઞાન સંબંધે ચિત્તની સ્વસ્થતાએ વિચારી માગેલા પ્રશ્નો સંબંધી લખીશ અથવા સમાગમે જણાવીશ.
જે પ્રાણીઓ એવા પ્રશ્નના ઉત્તર પામવાથી આનંદ માને છે તેઓ મોહાધીન છે, અને તેઓ પરમાર્થનાં પાત્ર થવાં દુર્લભ છે એમ માન્યતા છે, તો તેવા પ્રસંગમાં આવવું પણ ગમતું નથી પણ પરમાર્થ હેતુએ પ્રવૃત્તિ કરવી પડશે તો કંઈ પ્રસંગે કરીશ. ઇચ્છા તો નથી થતી.
આપની સમાગમ અધિક કરીને ઇચ્છું છું, ઉપાધિમાં એ એક સારી વિશ્રાંતિ છે. કુશળતા છે, ઇચ્છું છું.
વિ રાયચંદના પ્રણામ.
૧૩૪
વાણિયા, વિ. ભાદ્ર. સુદ ૮. રવિ, ૧૯૪૬
બન્ને ભાઈઓ,
દેહધારીને વિટંબના એ તો એક ધર્મ છે. ત્યાં ખેદ કરીને આત્મવિસ્મરણ શું કરવું ? ધર્મભક્તિયુક્ત એવા જે તમે તેની પાસે એવી પ્રયાચના કરવાનો યોગ માત્ર પૂર્વકર્મે આપ્યો છે. આત્મેચ્છા એથી કંપિત છે. નિરુપાયતા આગળ સહનશીલતા જ સુખદાયક છે.
આ ક્ષેત્રમાં આ કાળે આ દેહધારીનો જન્મ થવો યોગ્ય નહોતો. જોકે સર્વ ક્ષેત્રે જન્મવાની તેણે ઇચ્છા રૂંધી જ છે, તથાપિ થયેલા જન્મ માટે શોક દર્શાવવા આમ રુદનવાક્ય લખ્યું છે. કોઈ પણ પ્રકારે વિદેહી દશા વગરનું, યથાયોગ્ય જીવન્મુક્ત દશા વગરનું, યથાયોગ્ય નિગ્રંથ દશા વગરનું ક્ષણ એકનું જીવન પણ ભાળવું જીવને સુલભ લાગતું નથી તો પછી બાકી રહેલું અધિક આયુષ્ય કેમ જશે, એ વિલંબના આભેચ્છાની છે.
યથાયોગ્ય દશાનો હજુ મુમુક્ષુ છું. કેટલીક પ્રાપ્તિ છે. તથાપિ સર્વ પૂર્ણતા પ્રાપ્ત થયા વિના આ જીવ શાંતિને પામે એવી દશા જણાતી નથી. એક પર રાગ અને એક પર દ્વેષ એવી સ્થિતિ એક રોમમાં પણ તેને પ્રિય નથી. અધિક શું કહેવું ? પરના પરમાર્થ સિવાયનો દેહુ જ ગમતો નથી તો ? આત્મકલ્યાણમાં પ્રવૃત્તિ કરશો.
વિશ્વ રાયચંદના યથાયોગ્ય.
ધર્મેચ્છક ભાઈઓ,
܀܀܀܀܀
૧૩૫
વવાણિયા, બી. ભા. સુદ ૧૪, રવિ, ૧૯૪૬
મુમુક્ષુતાનાં અંશોએ ગ્રહાયેલું તમારું હૃદય પરમ સંતોષ આપે છે. અનાદિકાળનું પરિભ્રમણ હવે સમાપ્તતાને પામે એવી જિજ્ઞાસા, એ પણ એક કલ્યાણ જ છે. કોઈ એવો યથાયોગ્ય સમય આવી રહેશે કે જ્યારે ઇચ્છિત વસ્તુની પ્રાપ્તિ થઈ રહેશે.
નિરંતર વૃત્તિઓ લખતા રહેશો. જિજ્ઞાસાને ઉત્તેજન આપતા રહેશો, અને નીચેની ધર્મકથા શ્રવણ કરી હશે તથાપિ ફરી ફરી તેનું સ્મરણ કરશો.
સમ્યદશાનાં પાંચ લક્ષણો છે
શમ.
સંવેગ.
અનુકંપા.
નિર્વેદ.
આસ્થા.