________________
http://www.ShrimadRajchandra.org
વર્ષ ૨૪ મું
૧૮૭
૨૫૭
મુંબઈ, માગશર વદ ૦)), ૧૯૪૭
પ્રાપ્ત થયેલા સત્સ્વરૂપને અભેદભાવે અપૂર્વ સમાધિમાં સ્મરું છું.
મહાભાગ્ય, શાંતમૂર્તિ, જીવન્મુક્ત શ્રી સોભાગભાઈ,
અત્ર આપની કૃપાથી આનંદ છે, આપને નિરંતર વર્તો એ આશિષ છે.
છેવટનું સ્વરૂપ સમજાયામાં, અનુભવાયામાં અલ્પ પણ ન્યૂનતા રહી નથી. જેમ છે તેમ સર્વ પ્રકારે સમજાયું છે. સર્વ પ્રકારનો એક દેશ બાદ કરતાં બાકી સર્વ અનુભવાયું છે. એક દેશ સમજાયા વિના રહ્યો નથી; પરંતુ યોગ(મન, વચન, કાયા)થી અસંગ થવા વનવાસની આવશ્યકતા છે; અને એમ થયે એ દેશ અનુભવાશે, અર્થાત્ તેમાં જ રહેવાશે; પરિપૂર્ણ લોકાલોકજ્ઞાન ઉત્પન્ન થશે; અને એ ઉત્પન્ન કરવાની (તેમ) આકાંક્ષા રહી નથી, છતાં ઉત્પન્ન કેમ થશે ? એ વળી આશ્ચર્યકારક છે ! પરિપૂર્ણ સ્વરૂપજ્ઞાન તો ઉત્પન્ન થયું જ છે; અને એ સમાધિમાંથી નીકળી લોકાલોકદર્શન પ્રત્યે જવું કેમ બનશે ? એ પણ એક મને નહીં પણ પત્ર લખનારને વિકલ્પ થાય છે !
કણબી અને કોળી જેવી જ્ઞાતિમાં પણ માર્ગને પામેલા થોડા વર્ષમાં ઘણા પુરુષો થઈ ગયા છે; તે મહાત્માઓની જનમંડળને અપિશ્વાન હોવાને લીધે કોઈક જ તેનાથી સાર્થક સાધી શક્યું છે; જીવને મહાત્મા પ્રત્યે મોહ જ ન આવ્યો, એ કેવી ઈશ્વરી અદ્ભુત નિયતિ છે !
એઓ સર્વ કંઈ છેવટના જ્ઞાનને પ્રાપ્ત થયા નહોતા; પરંતુ તે મળવું તેમને બહુ સમીપમાં હતું. એવા ઘણા પુરુષોનાં પદ વગેરે અહીં જોયાં. એવા પુરુષો પ્રત્યે રોમાંચ બહુ ઉલ્લસે છે; અને જાણે નિરંતર તેવાની ચરણસેવા જ કરીએ, એ એક આકાંક્ષા રહે છે. જ્ઞાની કરતાં એવા મુમુક્ષુ પર અતિશય ઉલ્લાસ આવે છે, તેનું કારણ એ જ કે તેઓ જ્ઞાનીના ચરણને નિરંતર સેવે છે; અને એ જ એમનું દાસત્વ અમારું તેમના પ્રત્યે દાસત્વ થાય છે, તેનું કારણ છે. ભોજો ભગત, નિરાંત કોળી ઇત્યાદિક પુરુષો યોગી (પરમ યોગ્યતાવાળા) હતા. નિરંજનપદને બૂઝનારા નિરંજન કેવી સ્થિતિમાં રાખે છે. એ વિચારતાં અકળગતિ પર ગંભીર, સમાધિયુક્ત હાસ્ય આવે છે ! હવે અમે અમારી દશા કોઈ પણ પ્રકારે કહી શકવાના નથી; તો લખી ક્યાંથી શકીશું ? આપનાં દર્શન થયે જે કંઈ વાણી કહી શકશે તે કહેશે, બાકી નિરુપાયતા છે. (કંઈ) મુક્તિયે નથી જોઈતી, અને જૈનનું કેવળજ્ઞાનેય જે પુરુષને નથી જોઈતું, તે પુરુષને પરમેશ્વર હવે કયું પદ આપશે ? એ કંઈ આપના વિચારમાં આવે છે ? આવે તો આશ્ચર્ય પામજો; નહીં તો અહીંથી તો કોઈ રીતે કંઈયે બહાર કાઢી શકાય તેમ બને તેવું લાગતું નથી.
આપ જે કંઈ વ્યવહાર ધર્મપ્રશ્નો બીડો છો તે ઉપર લક્ષ અપાતું નથી. તેના અક્ષર પણ પૂરા વાંચવા લક્ષ જતું નથી, તો પછી તેનો ઉત્તર ન લખી શકાયો હોય તો આપ શા માટે રાહ જુઓ છો ? અર્થાત્ તે હવે ક્યારે બનશે ? તે કંઈ કલ્પી શકાતું નથી.
વારંવાર જણાવો છો, આતુરતા દર્શન માટે બહુ છે; પરંતુ પંચમકાળ મહાવીરદેવે કહ્યો છે, કળિયુગ વ્યાસભગવાને કહ્યો છે; તે ક્યાંથી સાથે રહેવા દે ? અને દે તો આપને ઉપાધિયુક્ત શા માટે ન રાખે ?
આ ભૂમિકા ઉપાધિની શોભાનું સંગ્રહસ્થાન છે.
ખીમજી વગેરેને એક વાર આપનો સત્સંગ થાય તો જ્યાં એકલક્ષ કરવો જોઈએ છે ત્યાં થાય, નહીં તો થવો દુર્લભ છે. કારણ કે અમારી હાલ બાહ્ય વૃત્તિ ઓછી છે.
કહેવારૂપ હું તેને નમસ્કાર હો.
સર્વ પ્રકારે સમાધિ છે.
૧૮૮
મુંબઈ, પોષ સુદ ૨, સોમ, ૧૯૪૭