________________
૨૮૪
http://www.ShrimadRajchandra.org
શ્રીમદ્ રાજચંદ્ર
તો થઈ શકશે. પણ તેથી આપને, અમને અને ઘણા જીવોને કર્મનો દીર્ઘબંધ થશે; સિવાય બીજું ફળ નહીં આવે. અને અન્ય લોકો રાજી થશે. માટે શાંત ર્દષ્ટિ રાખવી યોગ્ય છે.”
આવું કોઈ પ્રસંગે કહેવું ઘટે તો કહેવું. પણ તે કંઈક પ્રસન્નતામાં દેખાય ત્યારે કહેવું. અને કહેતાં તેની પ્રસન્નતા વધતી જતી હોય, અથવા અપ્રસન્નતા થતી ન દેખાતી હોય ત્યાં સુધી કહેવું.
બીજા ત્રીજા માણસો દ્વારા તે આડીઅવળી વાત ફેલાવે અથવા બીજા તેવી વાત લાવે તો કહેવું કે તમારો બધાનો કષાય કરવાનો હેતુ મારા સમજવામાં છે. કોઈ બાઈ, ભાઈ પર કલંકની વાત ચડાવતાં આટલો બધો રાજીપો રાખો છો તેમાં ક્યાંક માઠું થઈ જશે. મારી સાથે તમારે વધારે વાત ન કરવી. તમારે તમારું કરવું. એવી રીતે યોગ્ય ભાષામાં અવસર દેખાય ત્યારે કહેવું. બાકી શાંત રહેવું. મનમાં મુઝાવું નહીં. ઉપાશ્રયે જવું, ન જવું, સાણંદ જવું, ન જવું તે અવસરોચિત જેમ તમને લાગે તેમ કરશો. પણ મુખ્યપણે શાંત રહેશો અને સિદ્ધ કરી દેવા સંબંધી કાંઈ પણ ચોખવટ પર ધ્યાન આપશો નહીં. એવું ધૈર્ય રાખી, આત્માર્થમાં નિર્ભય રહેજો.
વાત લાવનારને કહેવું કે મનની કલ્પિત વાતો શા માટે ચલાવો છો ? કંઈક પરમેશ્વરી ડર રાખો તો સારું. એમ યોગ્ય શબ્દોમાં કહેવું, આત્માર્થમાં પ્રયત્ન કરવું.
૨૪૩
મુંબઈ, વૈશાખ સુદ ૨, ૧૯૪૭
સર્વાત્માના અનુગ્રહથી અત્ર સમાધિ છે. બાહ્યોપાધિયોગ વર્તે છે. તમારી ઇચ્છા સ્મૃતિમાં છે. અને તે માટે તમારી અનુકૂળતા પ્રમાણે કરવાને તૈયાર છીએ; તથાપિ એમ તો રહે છે કે હવેનો અમારો સમાગમ એકાંત અજાણ સ્થળમાં થવો કલ્યાણક છે, અને તેવો પ્રસંગ લક્ષમાં રાખવાનું પ્રયત્ન છે. નહીં તો પછી તમને તમારી અનુકૂળતા પ્રમાણે કરવાનું સમ્મત છે. ભાઈ ત્રિભોવનને પ્રણામ કહેશો, તમે બધા જે સ્થળમાં (પુરુષમાં) પ્રીતિ કરો છો, તે શું ખરાં કારણને લઈને છે ? ખરા પુરુષને આપણે કેમ ઓળખીએ ?
૨૪૪
પરબ્રહ્મ આનંદમૂર્તિ છે; તેનો ત્રણે કાળને વિષે અનુગ્રહ ઇચ્છીએ છીએ.
મુંબઈ, વૈશાખ સુદ ૭, શુક્ર, ૧૯૪૭
કેટલોક નિવૃત્તિનો વખત મળ્યા કરે છે; પરબ્રહ્મવિચાર તો એમ ને એમ રહ્યા જ કરે છે; ક્યારેક તો તે માટે આનંદકિરણ બહુ સ્ફુરી નીકળે છે, અને કંઈની કંઈ (અભેદ) વાત સમજાય છે; પણ કોઈને કહી શકાતી નથી; અમારી એ વેદના અથાગ છે. વેદનાને વખતે શાતા પૂછનાર જોઈએ, એવો વ્યવહારમાર્ગ છે; પણ અમને આ પરમાર્થમાર્ગમાં શાતા પૂછનાર મળતો નથી; અને જે છે તેનાથી વિયોગ રહે છે. ત્યારે હવે જેનો વિયોગ છે એવા જે તમે તે અમને કોઈ પણ પ્રકારે શાતા પૂછો એમ માગીએ છીએ.
૨૪૫
મુંબઈ, વૈશાખ સુદ ૧૩, ૧૯૪૭
નિર્મળ પ્રીતિએ અમારા યથાયોગ્ય સ્વીકારજો,
ભાઈ ત્રિભોવન અને છોટાલાલ વગેરેને કહેજો, ઈશ્વરેચ્છાને લીધે ઉપાધિજોગ છે માટે તમારાં વાક્યો પ્રત્યે ઉપેક્ષા રાખવી પડે છે; અને તે ક્ષમા આપવા યોગ્ય છે.
વિરહ પણ સુખદાયક માનવો.
܀܀܀܀܀
૨૪૬
મુંબઈ, વૈશાખ વદ ૩, ૧૯૪૭
અતિશય વિરહાગ્નિ હરિ પ્રત્યેની જલવાથી સાક્ષાત્ તેની પ્રાપ્તિ હોય છે. તેમ જ સંતના વિરહાનુભવનું ફળ પણ તે જ છે. ઈશ્વરેચ્છાથી આપણા સંબંધમાં તેમ જ માન.
જ