________________
૨૮૬
http://www.ShrimadRajchandra.org
શ્રીમદ્ રાજચંદ્ર
રહેતો નથી, સ્મૃતિ રહેતી નથી, અથવા ખબર પણ રહેતી નથી, તે માટે શું કરવું ? શું કરવું એટલે કે વ્યવહારમાં બેઠાં છતાં એવી સર્વોત્તમ દશા બીજા કોઈને દુઃખરૂપ ન થવી જોઈએ, અને અમારા આચાર એવા છે કે વખતે તેમ થઈ જાય. બીજા કોઈને પણ આનંદરૂપ લાગવા વિષે હરિને ચિંતા રહે છે; માટે તે રાખશે. અમારું કામ તો તે દશાની પૂર્ણતા કરવાનું છે, એમ માનીએ છીએ; તેમ બીજા કોઈને સંતાપરૂપ થવાનો તો સ્વપ્ને પણ વિચાર નથી. બધાના દાસ છીએ, ત્યાં પછી દુઃખરૂપ કોણ માનશે ? તથાપિ વ્યવહાર-પ્રસંગમાં હરિની માયા અમને નહીં તો સામાને પણ એકને બદલે બીજું આરોપાવી દે તો નિરુપાયતા છે, અને એટલો પણ શોક રહેશે. અમે સર્વ સત્તા હરિને અર્પણ કરીએ છીએ, કરી છે. વધારે શું લખવું ? પરમાનંદરૂપ હરિને ક્ષણ પણ ન વીસરવા એ અમારી સર્વ કૃતિ, વૃત્તિ અને લેખનો હેતુ છે.
܀܀܀܀
૨૪૮
ૐ નમઃ
મુંબઈ, વૈશાખ વદ ૮, રવિ, ૧૯૪૭
શા માટે કંટાળો આવે છે, આકુળતા થાય છે ? તે લખશો. અમારો સમાગમ નથી, તે માટે તેમ થાય છે, એમ જણાવવાનું હોય, તો અમારો સમાગમ હાલ ક્યાં કરાય એવું છે ? અત્રે કરવા દેવાને અમારી ઇચ્છા નથી રહેતી. બીજે કોઈ સ્થળે થવાનો પ્રસંગ ભવિતવ્યતાના જોગ ઉપર છે. ખંભાત આવવા માટે પણ જોગ બની શકે તેવું નથી.
પૂજ્ય સૌભાગભાઈનો સમાગમ કરવાની ઇચ્છામાં અમારી અનુમતિ છે. તથાપિ હજુ તેમનો સમાગમ તમને હમણાં કરવાનું કારણ નથી; એમ જાણીએ છીએ.
અમારો સમાગમ તમે (બધા) શા માટે ઇચ્છો છો, તેનું સ્પષ્ટ કારણ જણાવો તો તે જાણવાની વધારે ઇચ્છા રહે છે.
"પ્રબોધશતક' મોકલ્યું છે તે પહોંચ્યું હશે, તમો બધાને એ શતક શ્રવણ, મનન અને નિદિધ્યાસન કરવા જોગ છે. એ પુસ્તક વેદાંતની શ્રદ્ધા કરવા માટે મોકલ્યું નથી, એવો લક્ષ સાંભળનારનો પ્રથમ થવો જોઈએ. બીજા કંઈ કારણથી મોકલ્યું છે, જે કારણ ઘણું કરીને વિશેષ વિચારે તમો જાણી શકશો, હાલ તને કોઈ તેવું બોધક સાધન નહીં હોવાને લીધે એ શતક ઠીક સાધન છે, એમ માની મોકલ્યું છે, એમાંથી તમારે શું જાણવું જોઈએ, તેનો તમારે વિચાર કરવો. સાંભળતાં કોઈએ અમારા વિષે આશંકા કરવી નહીં કે, એમાં જે કંઈ મતભાગ જણાવ્યો છે, તે મત અમારો છે; માત્ર ચિત્તની સ્થિરતા માટે એ પુસ્તકના ઘણા વિચારો કામના છે, માટે મોકલ્યું છે, એમ માનવું. ભાઈ દામોદર અને મગનલાલના હસ્તાક્ષરનો કાગળ ઇચ્છીએ છીએ. તેમાં તેમના વિચાર જણાય તેટલા માટે.
૨૪૯
ૐ નમઃ
મુંબઈ, જેઠ સુદ ૭, શનિ, ૧૯૪૭
કરાળ કાળ હોવાથી જીવને જ્યાં વૃત્તિની સ્થિતિ કરવી જોઈએ, ત્યાં તે કરી શકતો નથી. સદ્ધર્મનો ઘણું કરીને લોપ જ રહે છે. તે માટે આ કાળને કળિયુગ કહેવામાં આવ્યો છે.
સદ્ધર્મનો જોગ સત્પુરુષ વિના હોય નહીં; કારણ કે અસતમાં સત્ હોતું નથી.
ઘણું કરીને સત્પુરુષનાં દર્શનની અને જોગની આ કાળમાં અપ્રાપ્તિ દેખાય છે. જ્યારે એમ છે, ત્યારે સદ્ધર્મરૂપ સમાધિ મુમુક્ષુ પુરુષને ક્યાંથી પ્રાપ્ત હોય ? અને અમુક કાળ વ્યતીત થયાં છતાં જ્યારે તેવી સમાધિ પ્રાપ્ત નથી થતી ત્યારે મુમુક્ષુતા પણ કેમ રહે ?