________________
http://www.ShrimadRajchandra.org
વર્ષ ૨૫ મું મું
૨૯૮
વવાણિયા, કાર્તિક સુદ ૪, ગુરુ, ૧૯૪૮
કાળ વિષમ આવી ગયો છે. સત્સંગનો જોગ નથી, અને વીતરાગતા વિશેષ છે, એટલે ક્યાંય સાતું નથી, અર્થાત્ મન વિશ્રાંતિ પામતું નથી. અનેક પ્રકારની વિટંબના તો અમને નથી, તથાપિ નિરંતર સત્સંગ નહીં એ મોટી વિટંબના છે. લોકસંગ રુચતો નથી.
૨૯૯
વવાણિયા, કાર્તિક સુદ ૩, રવિ, ૧૯૪૮
ગમે તે ક્રિયા, જપ, તપ કે શાસ્ત્રવાંચન કરીને પણ એક જ કાર્ય સિદ્ધ કરવાનું છે; તે એ કે જગતની વિસ્મૃતિ કરવી અને સતના ચરણમાં રહેવું.
અને એ એક જ લક્ષ ઉપર પ્રવૃત્તિ કરવાથી જીવને પોતાને શું કરવું યોગ્ય છે, અને શું કરવું અયોગ્ય છે તે સમજાય છે, સમજાતું જાય છે.
એ લક્ષ આગળ થયા વિના જપ, તપ, ધ્યાન કે દાન કોઈની યથાયોગ્ય સિદ્ધિ નથી, અને ત્યાં સુધી ધ્યાનાદિક નહીં જેવાં કામનાં છે.
માટે એમાંથી જે જે સાધનો થઈ શકતાં હોય તે બધાં એક લક્ષ થવાને અર્થે કરવાં કે જે લક્ષ અમે ઉપર જણાવ્યો છે. જપતપાદિક કંઈ નિષેધવા યોગ્ય નથી; તથાપિ તે બધાં એક લક્ષને અર્થે છે, અને એ લક્ષ વિના જીવને સમ્યક્ત્વસિદ્ધિ થતી નથી.
વધારે શું કહીએ ? ઉપર જણાવ્યું છે તેટલું જ સમજવાને માટે સઘળાં શાસ્ત્રો પ્રતિપાદિત થયાં છે.