________________
http://www.ShrimadRajchandra.org
વર્ષ ૨૪ મું
૨૮૭
ઘણું કરીને જીવ જે પરિચયમાં રહે છે, તે પરિચયરૂપ પોતાને માને છે. જેનો પ્રગટ અનુભવ પણ થાય છે કે અનાર્યકુળમાં પરિચય કરી રહેલો જીવ અનાર્યરૂપે પોતાને દેઢ માને છે; અને આર્યત્વને વિષે મતિ કરતો નથી. માટે મોટા પુરુષોએ અને તેને લઈને અમે એવો દૃઢ નિશ્ચય કર્યો છે કે જીવને સત્સંગ એ જ મોક્ષનું પરમ સાધન છે.
પોતાની સન્માર્ગને વિષે યોગ્યતા જેવી છે, તેવી યોગ્યતા ધરાવનારા પુરુષોનો સંગ તે સત્સંગ કહ્યો છે. મોટા પુરુષના સંગમાં નિવાસ છે, તેને અમે પરમ સત્સંગ કહીએ છીએ કારણ એના જેવું કોઈ હિતસ્ત્રી સાધન આ જગતમાં અમે જોયું નથી, અને સાંભળ્યું નથી.
પૂર્વે થઈ ગયેલા મોટા પુરુષનું ચિંતન કલ્યાણકારક છે; તથાપિ સ્વરૂપસ્થિતિનું કારણ હોઈ શકતું નથી; કારણ કે જીવે શું કરવું તે તેવા સ્મરણથી નથી સમજાતું. પ્રત્યક્ષજોગે વગર સમજાવ્યું પણ સ્વરૂપસ્થિતિ થવી સંભવિત માનીએ છીએ, અને તેથી એમ નિશ્ચય થાય છે કે તે જોગનું અને તે પ્રત્યક્ષ ચિંતનનું ફળ મોક્ષ હોય છે. કારણ કે મૂર્તિમાન મોક્ષ તે સત્પુરુષ છે,
મોક્ષે ગયા છે એવા (અહંતાદિક) પુરુષનું ચિંતન ઘણા કાળે ભાવાનુસાર મોક્ષાદિક ફળદાતા હોય છે. સમ્યક્ત્વ પામ્યા છે એવા પુરુષનો નિશ્ચય થયે અને જોગ્યતાના કારણે જીવ સમ્યક્ત્વ પામે છે.
܀܀܀܀܀
૨૫૦
મુંબઈ, જેઠ સુદ ૧૫, રવિ, ૧૯૪૭
ભક્તિ પૂર્ણતા પામવાને યોગ્ય ત્યારે થાય છે કે
એક તૃણમાત્ર પણ હરિ પ્રત્યે યાચવું નહીં,
સર્વ દશામાં ભક્તિમય જ રહેવું.
ગઈ કાલે એક પત્તું અને આજે એક પત્ર ચિત કેશવલાલ તરફથી મળ્યું. વાંચીને કંઈક તૃષાતુરતા મી. અને ફરી તેવા પત્ર પ્રત્યેની આતુરતા વર્ધમાન થઈ.
વ્યવહારચિંતાથી અકળામણ આવતાં, સત્સંગના વિયોગથી કોઈ પ્રકારે શાંતિ નથી હોતી એમ આપે લખ્યું તે યોગ્ય જ છે. તથાપિ વ્યવહારચિંતાની અકળામણ તો યોગ્ય નથી. સર્વત્ર હરિઇચ્છા બળવાન છે, એ દૃઢ કરાવવા માટે હરિએ આમ કર્યું છે, એમ આપે નિઃશંકપણે સમજવું; માટે જે થાય તે જોવું; અને પછી જો આપને અકળામણ જન્મ પામે, તો જોઈ લઈશું. હવે સમાગમ થશે ત્યારે એ વિષે વાતચીત કરીશું. અકળામણ રાખશો નહીં. અમે તો એ માર્ગથી તર્યાં છીએ.
ચિત કેશવલાલ અને લાલચંદ અમારી પાસે આવે છે. ઈશ્વરેચ્છાથી ટગમગ ટગમગ જોઈએ છીએ. ઈશ્વર જ્યાં સુધી પ્રેરે નહીં ત્યાં સુધી અમારે કંઈ કરવું નહીં, અને તે વગર પ્રેર્યે કરાવવા ઇચ્છે છે. આમ હોવાથી ઘડી ઘડીમાં પરમાશ્ચર્યરૂપ દશા થયા કરે છે. કેશવલાલ અને લાલચંદે અમારી દશાના અંશની પ્રાપ્તિની ઇચ્છા કરવી. એ વાત વિષે પ્રેરણા રહે છે. તથાપિ એમ થવા દેવામાં ઈશ્વરેચ્છા વિલંબવાળી હશે. જેથી તેમને આજીવિકાની ઉપાધિમાં મુઝવ્યા છે. અને એને લઈને અમને પણ મનમાં રહ્યા કરે છે, પણ નિરુપાયતાનો ઉપાય હાલ તો નથી કરી શકાતો. છોટમ જ્ઞાની પુરુષ હતા. પદની રચના બહુ શ્રેષ્ઠ છે.
સાકારરૂપે હરિની પ્રગટ પ્રાપ્તિ એ શબ્દને પ્રત્યક્ષ દર્શન ઘણું કરીને લેખું છું.
આપને જ્ઞાનની આગળ જતાં વૃદ્ધિ થશે.
લિક આજ્ઞાંકિત રાયચંદ્ર