________________
૨૩૨
http://www.ShrimadRajchandra.org
શ્રીમદ્ રાજચંદ્ર
વિશેષ વર્ણન કર્યું હોય તેવો ભાગ વાંચવાનો લક્ષ ઓછો કરજો; અને જીવે શું નથી કર્યું ? ને હવે શું કરવું ? એ ભાગ વાંચવાનો, વિચારવાનો વિશેષ લક્ષ રાખજો.
કોઈ પણ બીજાઓ, ધર્મક્રિયાને નામે જે તમારા સવાસીઓ (શ્રાવકાદિક) ક્રિયા કરતા હોય તેને નિષેધો નહીં. હાલ જેણે ઉપાધિરૂપ ઇચ્છા અંગીકાર કરી છે, તે પુરુષને કોઈ પણ પ્રકારે પ્રગટ કરશો નહીં. માત્ર કોઈ દેઢ જિજ્ઞાસુ હોય તો તેનો લક્ષ માર્ગ ભણી વળે એવી થોડા શબ્દોમાં ધર્મકથા કરશો (તે પણ જો તે ઇચ્છા રાખતા હોય તો.. બાકી હાલ તો તમે સર્વ પોતપોતાના સફળપણા અર્થે મિથ્યા ધર્મવાસનાઓનો, વિષયાદિકની પ્રિયતાનો, પ્રતિબંધનો ત્યાગ કરતાં શીખજો. જે કંઈ પ્રિય કરવા જેવું છે, તે જીવે જાણ્યું નથી; અને બાકીનું કંઈ પ્રિય કરવા જેવું નથી; આ અમારો નિશ્ચય છે.
આ વાત તમે જે વાંચો તે સુજ્ઞ મગનલાલ અને છોટાલાલને કોઈ પણ પ્રકારે સંભળાવજો વંચાવજો. યોગ્યતા માટે બ્રહ્મચર્ય એ મોટું સાધન છે. અસત્સંગ એ મોટું વિઘ્ન છે.
܀܀܀܀
૧૯૯
મુંબઈ, માહ સુદ ૧૧, ગુરુ, ૧૯૪૭
ઉપાધિના યોગને લીધે શાસ્ત્રવાંચન જો ન થઈ શકતું હોય તો હમણાં તે રહેવા દેવું, પરંતુ ઉપાધિથી થોડો પણ નિત્ય પ્રતિ અવકાશ લઈ ચિત્તવૃત્તિ સ્થિર થાય એવી નિવૃત્તિમાં બેસવાનું બહુ અવશ્ય છે. અને ઉપાધિમાં પણ નિવૃત્તિનો લક્ષ રાખવાનું સ્મરણ રાખજો.
જેટલો વખત આયુષ્યનો તેટલો જ વખત જીવ ઉપાધિનો રાખે તો મનુષ્યત્વનું સફળ થવું ક્યારે સંભવે ? મનુષ્યત્વના સફળપણા માટે જીવવું એ જ કલ્યાણકારક છે; એવો નિશ્ચય કરવો જોઈએ. અને સફળપણા માટે જે જે સાધનોની પ્રાપ્તિ કરવી યોગ્ય છે, તે પ્રાપ્ત કરવા નિત્ય પ્રતિ નિવૃત્તિ મેળવવી જોઈએ. નિવૃત્તિના અભ્યાસ વિના જીવની પ્રવૃત્તિ ન ટળે એ પ્રત્યક્ષ સમજાય તેવી વાત છે.
ધર્મને રૂપે મિથ્યા વાસનાઓથી જીવને બંધન થયું છે; એ મહા લક્ષ રાખી તેવી મિથ્યાવાસના કેમ ટળે એ માટે વિચાર કરવાનો પરિચય રાખશો.
૨૦૦
વચનાવલી
મુંબઈ, માહ સુદ, ૧૯૪૭
૧. જીવ પોતાને ભૂલી ગયો છે, અને તેથી સત્સુખનો તેને વિયોગ છે, એમ સર્વ ધર્મ સમ્મત કહ્યું છે.
૨. પોતાને ભૂલી ગયારૂપ અજ્ઞાન, જ્ઞાન મળવાથી નાશ થાય છે, એમ નિઃશંક માનવું.
૩. જ્ઞાનની પ્રાપ્તિ જ્ઞાની પાસેથી થવી જોઈએ. એ સ્વાભાવિક સમજાય છે, છતાં જીવ લોકલાદિ કારણોથી અજ્ઞાનીનો આશ્રય છોડતો નથી, એ જ અનંતાનુબંધી કષાયનું મૂળ છે.
૪. જ્ઞાનની પ્રાપ્તિ જેણે ઇચ્છવી, તેણે જ્ઞાનીની ઇચ્છાએ વર્તવું એમ જિનાગમાદિ સર્વ શાસ્ત્ર કહે છે. પોતાની ઇચ્છાએ પ્રવર્તતાં અનાદિ કાળથી રખડ્યો.
૫. જ્યાં સુધી પ્રત્યક્ષ જ્ઞાનીની ઇચ્છાએ, એટલે આજ્ઞાએ નહીં વર્તાય, ત્યાં સુધી અજ્ઞાનની નિવૃત્તિ થવી સંભવતી નથી.
૬. જ્ઞાનીની આજ્ઞાનું આરાધન તે કરી શકે કે જે એકનિષ્ઠાએ, તન, મન, ધનની આસક્તિનો ત્યાગ કરી તેની ભક્તિમાં જોડાય.