________________
http://www.ShrimadRajchandra.org
વર્ષ ૨૪ મું
૨૫૧
તેનાં મન, વચન, કાયાની પ્રત્યેક ચેષ્ટાનાં અદ્ભુત રહસ્યો ફરી ફરી નિદિધ્યાસન કરવાં; તેઓએ સમ્મત કરેલું સર્વ સમ્મત કરવું.
આ જ્ઞાનીઓએ હૃદયમાં રાખેલું, નિર્વાણને અર્થે માન્ય રાખવા યોગ્ય, શ્રદ્ધવા યોગ્ય, ફરી ફરી ચિતંવવા યોગ્ય, ક્ષણે ક્ષણે, સમયે સમયે તેમાં લીન થવા યોગ્ય, પરમ રહસ્ય છે. અને એ જ સર્વ શાસ્ત્રનો, સર્વ સંતના હૃદયનો, ઈશ્વરના ઘરનો મર્મ પામવાનો મહા માર્ગ છે. અને એ સઘળાનું કારણ કોઈ વિદ્યમાન સત્પુરુષની પ્રાપ્તિ, અને તે પ્રત્યે અવિચળ શ્રદ્ધા એ છે.
અધિક શું લખવું ? આજે, ગમે તો કાલે, ગમે તો લાખ વર્ષે અને ગમે તો તેથી મોડે અથવા વહેલે, એ જ સૂઝ્યું, એ જ પ્રાપ્ત થયે છૂટકો છે. સર્વ પ્રદેશે મને તો એ જ સમ્મત છે.
પ્રસંગોપાત્ત પત્ર લખવાનો લક્ષ રાખીશ. આપના પ્રસંગીઓમાં જ્ઞાનવાર્તા કરતા રહેશો. અને તેમને પરિણામે લાભ થાય એમ મળતા રહેશો.
અંબાલાલથી આ પત્ર અધિક સમજવાનું બની શકશે. આપ તેની વિદ્યમાનતાએ પત્રનું અવલોકન કરશો. અને તેના તેમ જ ત્રિભોવન વગેરેના ઉપયોગ માટે જોઈએ તો પત્રની પૂર્તિ કરવા આપશો.
મિતિ એ જ - એ જ વિજ્ઞાપન.
જિજ્ઞાસુ ભાઈ,
૧૭૩
સર્વ કાળ એ જ કહેવા માટે જીવવા ઇચ્છનાર રાયચંદની વંદના.
મુંબઈ, કારતક વદ ૩, શનિ, ૧૯૪૭
તમારું પ્રથમ એક પત્ર મળ્યું હતું, જેનો ઉત્તર અંબાલાલના પત્રથી લખ્યો હતો. તે તમને મળ્યો હશે. નહીં તો તેમની પાસેથી તે પત્ર મંગાવી લઈ અવલોકન કરશો.
સમય મેળવીને કોઈ કોઈ અપૂર્વ સાધનનું કારણ થાય, તેવું પ્રશ્ન કરવાનું બને તો કરતા રહેશો.
તમે જે જે જિજ્ઞાસુઓ છો, તે તે પ્રતિદિન અમુક વખતે, અમુક ઘડી સુધી ધર્મકથાર્થે મળવાનું રાખતા હો તો પરિણામે તે લાભનું કારણ થશે.
ઇચ્છા થશે તો કોઈ વેળા નિત્ય નિયમ માટે જણાવીશ. હમણાં નિત્ય નિયમમાં સાથે મળીને એકાદ સારા ગ્રંથનું અવલોકન કરતા હો તો સારું. એ વિષે કંઈ પૂછશો તો અનુકૂળતા પ્રમાણે ઉત્તર આપીશ.
અંબાલાલ આગળ લખેલા પત્રોનું પુસ્તક છે. તેમાંનો કેટલોક ભાગ ઉલ્લાસી સમયમાં અવલોકન કરવામાં મારા તરફથી કંઈ હવે તમને અસમ્મતિ નથી, માટે તેઓ પાસેથી સમય પરત્વે મંગાવી લઈ અવલોકન કરશો.
દૃઢ વિશ્વાસથી માનજો કે આ-ને વ્યવહારનું બંધન હૃદયકાળમાં ન હોત તો તમને અને બીજા કેટલાક મનુષ્યોને અપૂર્વ હિતનો આપનાર થાત. પ્રવૃત્તિ છે તો તેને માટે કંઈ અસમતા નથી; પરંતુ નિવૃત્તિ હોત તો બીજા આત્માઓને માર્ગ મળવાનું કારણ થાત. હજુ તેને વિલંબ હશે. પંચમકાળની પણ પ્રવૃત્તિ છે. આ ભવે મોક્ષે જાય એવાં મનુષ્યોનો સંભવ પણ ઓછો છે. ઇત્યાદિક કારણોથી એમ જ થયું હશે. તો તે માટે કંઈ ખેદ નથી.
તમને બધાને ખુલ્લી કલમથી જણાવી દેવાની ઇચ્છા થતાં જણાવું છું કે હજુ સુધી મેં તમને માર્ગના મર્મનો (એક અંબાલાલ સિવાય) કોઈ અંશ જણાવ્યો નથી; અને જે માર્ગ પામ્યા વિના કોઈ રીતે જીવનો છૂટકો થવો કોઈ કાળે સંભવિત નથી, તે માર્ગ જો તમારી યોગ્યતા હશે તો