________________
http://www.ShrimadRajchandra.org
વર્ષ ૨૧ મું
૧૭૩
થઈ પડ્યાં છે, જ્યાં પૂછવા જાઓ ત્યાં સર્વ પોતપોતાની ગાય છે. પછી તે સાચી કે જૂઠી તેનો કોઈ ભાવ પૂછતું નથી. ભાવ પૂછનાર આગળ મિથ્યા વિકલ્પો કરી પોતાની સંસારસ્થિતિ વધારે છે અને બીજાને તેવું નિમિત્ત કરે છે.
ઓછામાં પૂરું કોઈ સંશોધક આત્મા હશે તો તેને અપ્રયોજનભૂત પૃથ્વી ઇત્યાદિક વિષયોમાં શંકાએ કરી
રોકાવું થઈ ગયું છે. અનુભવ ધર્મ પર આવવું તેમને પણ દુર્લભ થઈ પડ્યું છે.
આ પરથી મારું એમ કહેવું નથી કે કોઈ પણ અત્યારે જૈનદર્શનના આરાધક નથી; છે ખરા, પણ બહુ જ અલ્પ, બહુ જ અલ્પ, અને જે છે તે મુક્ત થવા સિવાયની બીજી જિજ્ઞાસા જેને નથી તેવા અને વીતરાગની આજ્ઞામાં જેણે પોતાનો આત્મા સમર્યો છે તેવા પણ તે આંગળીએ ગણી લઈએ તેટલા હશે. બાકી તો દર્શનની દશા જોઈ કરુણા ઊપજે તેવું છે; સ્થિર ચિત્તથી વિચાર કરી જોશો તો આ મારું કહેવું તમને સપ્રમાણ લાગશે.
એ સઘળા મતોમાં કેટલાકને તો સહજ સહજ વિવાદ છે. મુખ્ય વિવાદઃ- એકનું કહેવું પ્રતિમાની સિદ્ધિ માટે છે. બીજા તેને કેવળ ઉત્થાપે છે (એ મુખ્ય વિવાદ છે).
બીજા ભાગમાં પ્રથમ હું પણ ગણાયો હતો, મારી જિજ્ઞાસા વીતરાગ દેવની આજ્ઞાના આરાધન ભણી છે. એમ સત્યતાને ખાતર કહી દઈ દર્શાવું છું કે પ્રથમ પક્ષ સત્ય છે, એટલે કે જિન પ્રતિમા અને તેનું પૂજન શાસ્ત્રોક્ત, પ્રમાણોક્ત, અનુભવોક્ત અને અનુભવમાં લેવા યોગ્ય છે. મને તે પદાર્થોનો જે રૂપે બોધ થયો અથવા તે વિષય સંબંધી મને જે અલ્પ શંકા હતી તે નીકળી ગઈ, તે વસ્તુનું કંઈ પણ પ્રતિપાદન થવાથી કોઈ પણ આત્મા તે સંબંધી વિચાર કરી શકશે; અને તે વસ્તુની સિદ્ધિ જણાય તો તે સંબંધી મતભેદ તેને ટી જાય; તે સુલભબોધિપણાનું કાર્ય થાય એમ ગણી, ટૂંકામાં કેટલાક વિચારો પ્રતિમાસિદ્ધિ માટે દર્શાવું છું.
મારી પ્રતિમામાં શ્રદ્ધા છે, માટે તમે સઘળા કરો એ માટે મારું કહેવું નથી, પણ વીર ભગવાનની આજ્ઞાનું આરાધન તેથી થતું જણાય તો તેમ કરવું, પણ આટલું સ્મૃતિમાં રાખવાનું છે કેઃ-
કેટલાંક પ્રમાણો આગમના સિદ્ધ થવા માટે પરંપરા, અનુભવ ઇત્યાદિકની અવશ્ય છે. કુતર્કથી, જો તમે કહેતા હો તો આખા જૈન દર્શનનું પણ ખંડન કરી દર્શાવું; પણ તેમાં કલ્યાણ નથી. સત્ય વસ્તુ જ્યાં પ્રમાણથી, અનુભવી સિદ્ધ થઈ ત્યાં જિજ્ઞાસુ પુરુષો પોતાની ગમે તેવી હઠ પણ મૂકી દે છે.
આ મોટા વિવાદ આ કાળમાં જો પડ્યા ન હોત તો ધર્મ પામવાનું લોકોને બહુ સુલભ થાત.
ટૂંકામાં પાંચ પ્રકારનાં પ્રમાણથી તે વાત હું સિદ્ધ કરું છું.
૧. આગમપ્રમાણ. ૨. ઇતિહાસપ્રમાણ. ૩. પરંપરાપ્રમાણ. ૪. અનુભવપ્રમાણ. ૫. પ્રમાણપ્રમાણ.
૧. આગમપ્રમાણ
આગમ કોને કહેવાય એ પ્રથમ વ્યાખ્યા થવાની જરૂર છે. જેનો પ્રતિપાદક મૂળ પુરુષ આપ્ત હોય તે વચનો જેમાં રહ્યાં છે તે આગમ છે.
વીતરાગ દેવના બોધેલા અર્થની યોજના ગણધરોએ કરી ટૂંકામાં મુખ્ય વચનોને લીધાં, તે આગમ, સૂત્ર એ નામથી ઓળખાય છે. સિદ્ધાંત, શાસ્ત્ર એ બીજાં તેનાં નામ છે.
તીર્થંકર દેવે બાંધેલાં પુસ્તકોની યોજના દ્વાદશાંગીરૂપે ગણધરદેવે કરી, તે બાર અંગનાં નામ કહી જઉં છું, આચારાંગ, સૂત્રકૃતાંગ, સ્થાનાંગ, સમવાયાંગ, ભગવતી, જ્ઞાતાધર્મકથાંગ, ઉપાસકદશાંગ, અંતકૃતદશાંગ, અનુત્તરૌપપાતિક, પ્રશ્નવ્યાકરણ, વિપાક, અને દૃષ્ટિવાદ,